Abtak Media Google News

નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી પેદાશોનું શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે: મશીનરી અને સાધનો માટે મહત્તમ રૂ.2 લાખ એકમ સહાય અપાશે

ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતાર્થે વર્ષ 2023-24ના અંદાજપત્રમાં રૂ. 40 કરોડની જોગવાઈ સાથે જાહેર કરાયેલી યોજના અમલમાં મૂકાઇ છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ નવી યોજના માટે વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષે જ શરુ કરવામાં આવેલી આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી પેદાશોનું શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે તે છે.

બાગાયત ખાતાના આ નવા કાર્યક્રમના પરિણામે ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી આર્થિક રીતે સદ્ધર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવી યોજના હેઠળ ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા માટે ઓછામાં ઓછું 50 ચો.મીટર કે તેથી વધુના બાંધકામ એકમ પર રૂ. 3 લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ 50 ટકા અથવા મહત્તમ રૂ. 1.50 લાખ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ, વોશિંગ, પ્રાથમિક મૂલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટસ વગેરે સાધનો માટે રૂ. 1 લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ 50 ટકા અથવા મહત્તમ રૂ. 50 હજાર એમ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધનની વિવિધ પ્રક્રિયા માટેના ઓછામાં ઓછા 150 ચો.મી. સુધીના બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે માળખાકીય સુવિધા, મશીનરી અને સાધન સામગ્રી વસાવવા રૂ. 20 લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ. 10 લાખ સુધી સહાય આપવામાં આવશે. જેમાં બાંધકામ તથા આનુષંગિક સાધનો માટે ખર્ચના 25 ટકા અથવા મહત્તમ રૂ. 5 લાખ પ્રતિ એકમ એમ બંનેમાંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત બેન્ક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, એમ પાંચ વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ઉઇઝના માધ્યમથી સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.