Abtak Media Google News

ગુજરાતકી હવા મે વેપાર હૈં…. આ ઉક્તિ દિન પ્રતિદિન હવે વિદેશ મૂળની મલ્ટીનેશનલ કંપનીઓ પણ સમજાવા લાગ્યુ છે અને તેનું પરિણામ છે કે, અઢળક વિદેશી મૂળની કંપનીઓ ગુજરાતમાં તેનું યુનિટ સ્થાપી રહી છે. ત્યારે વધુ એક અમેરિકાની મલ્ટિનેશનલ કંપની કોકા કોલા ગુજરાતમાં સાણંદ નજીક પ્લાન્ટ સ્થાપી રહી છે. આ માટે 3000 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. ગુજરાતમાં કોકા કોલા પોતાની પાર્ટનર કંપનીઓ દ્વારા પહેલેથી બે પ્લાન્ટ ધરાવશે. સાણંદ નજીકનો પ્લાન્ટ ફૂલી ઓટોમેટેડ હશે અને તેનાથી હજારો લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

સાણંદની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં પ્લાન્ટ સ્થાપવા 1.60 લાખ ચોરસ મીટર જમીન ફાળવી દેવાયાનો અહેવાલ

ગુજરાતની ઉદ્યોગોને સાનુકૂળ નીતિના કારણે એક પછી એક ઉદ્યોગો રાજ્યમાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ અને સેમી કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીને આકર્ષ્યા પછી ગુજરાતમાં અમેરિકન મલ્ટિનેશનલ કંપની કોકા કોલા જંગી રોકાણ કરવાની છે. અમદાવાદમાં સાણંદ નજીક કોકા કોલા 3000 કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કોકા કોલા કંપની દ્વારા ઈન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ મારફત આ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.

સાણંદની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં કોકાકોલા પ્લાન્ટ સ્થાપવા માટે 1.60 લાખ ચોરસ મીટરનો એક પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કોકા કોલાએ ગુજરાતમાં પોતાના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા પહેલેથી બે મોટા રોકાણ કરેલા છે. ગુજરાત સરકારે ફટાફટ મંજૂરીની પ્રક્રિયા કરી દીધી છે અને કંપનીને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. કોકા કોલા અમદાવાદથી 33 કિલોમીટર દૂર ગોબલેજ પાસે પહેલેથી એક ફેસિલીટી ધરાવે છે જેમાં તેની બોટલિંગ પાર્ટનર હિંદુસ્તાન કોકા કોલા બેવરેજ લિમિટેડ કામ કરે છે. જ્યારે કોકા કોલાની બીજી ફેસિલિટી સાણંદ ખાતે આવેલી છે. આ બંને માટે કોકા કોલાએ કુલ મળીને 18 કરોડ ડોલરનું રોકાણ કરેલું છે.

સરકારના સૂત્રોએ જણાવ્યું કે આ પ્લાન્ટ ફૂલી ઓટોમેટિક હશે જેમાં રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ફેસિલિટી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પર આધારિત હશે અને તેમાં મશીન લર્નિંગ ટેક્નોલોજી એનેબલ્ડ ડિવાઈસ કામ કરશે જેથી ઉત્પાદન પ્રક્રિયા પર રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકશે. કોકા કોલાના આ પ્લાન્ટમાં ઓટોમેટેડ સ્ટોરેજ અને રિટ્રિવલ સિસ્ટમ પણ હશે.

આ પ્લાન્ટનું બાંધકામ થશે ત્યારે સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ કેટેગરીમાં લગભગ 1000 લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ તૈયાર થઈ જશે ત્યારે તેમાં એન્જિનિયર અને ઓપરેશનલ જોબ માટે લગભગ 400 માણસો કામ કરતા હશે.

સૂત્રોએ જણાવ્યું કે કોકા કોલાએ અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ બે લાખ રિટેલર્સ દ્વારા રોજગારીની તક પેદા કરી છે. આ ઉપરાંત 1000 લોકોને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે રોજગારી આપી છે. કોકા કોલાના નવા પ્લાન્ટના કારણે ગુજરાતમાં તેને સંલગ્ન બીજા ઉદ્યોગોનો પણ વિકાસ થવાની શક્યતા છે. તેમાં પેકેજિંગ સપ્લાયર્સ, ફ્લેવર ઉત્પાદકો, એન્જિનિયરિંગ સર્વિસિસ, કેપિટલ ગુડ્સ, ઓટોમેશન સેક્ટરને ફાયદો થવાની ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.