Abtak Media Google News

છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓ અને હવે મ્યુકર માઈકોસીસના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપે છે કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા.

Advertisement

મેહુલની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને  ગોહિલે તેમને  કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું.

મેહુલને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે… ને તેઓનું દર્દ ભુલાય જાય.

દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે…

મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં 4 વર્ષનો કોર્સ કરેલો છે. અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે 3 કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.