Abtak Media Google News

ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતનાં કાંકરેજના ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરી હ્વદયાંજલિ પાઠવી હતી.  સદારામ બાપાની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર વિધિમાં લાખોની સંખ્યામાં જોડાયેલા શોકમગ્ન અનુયાયીઓ સાથે મુખ્યમંત્રી પણ સહભાગી થયા હતા.

વિજયભાઇ રૂપાણીએ સદારામ બાપાને શોકાંજલિ આપતાં કહ્યું કે, ૧૧૧ વર્ષની વયે દેહવિલય પામેલા સદારામ બાપાની વિદાયથી રાજ્યમાં એક મોટી સંતશકિતની ખોટ પડી છે. સમગ્ર ગુજરાત માટે આજે દુ:ખનો દિવસ છે.

 

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગરીબ, પીડિત, શોષિત સમાજના ઉત્કર્ષ, વ્યસનમુકિત માટે તથા આવા પરિવારોને ધર્મ-સંસ્કારના માર્ગે વાળવા આજીવન સદૈવ કાર્યરત રહેલા સદારામ બાપા જેવા સંતોના યોગદાનથી ગુજરાત ઉજળું છે.વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં આત્મા અમર છે તેવી માન્યતા છે ત્યારે પૂજ્ય સદારામ બાપુ જેવા સંત કોટિનો અમર આત્મા સદાય આપણા સૌ પર આશિષ વરસાવતો રહેશે.

તેમણે સંત સદારામ બાપાને માત્ર ઠાકોર સમાજ કે પછાત વર્ગોના જ નહિ, તમામ સમાજ માટે પથદર્શક સંત તરીકે નવાજીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.  સદારામ બાપાના આ અંતિમ સંસ્કાર વેળાએ વિશાળ સંખ્યામાં અનુયાયીઓ, ઉત્તર ગુજરાતના ગામોમાંથી ભકત સમુદાય, વિવિધ રાજકીય અગ્રણીઓ અને સમાજ સેવીઓ પણ જોડાયા હતા.  સૌએ પૂજ્ય સદારામ બાપાના અંતિમ દર્શન કરી ભાવાંજલિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.