Abtak Media Google News

દેશની કુલ નિકાસમાં ગુજરાત નંબર-વન: લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો હિસ્સો ૨૧%: વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી બન્યાં બાદ ગુજરાતે ઔદ્યોગિક નિકાસમાં નોંધનીય સિદ્ધિ મેળવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં રોલમોડેલ સ્ટેટ બની રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશની કુલ નિકાસમાં ગુજરાતનો જંગી ફાળો રહ્યો છે. હાલ ભારતની કુલ નિકાસમાં ગુજરાત ૨૧% જેટલા માતબર હિસ્સા સાથે અગ્રિમ હરોળમાં છે. ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતના ડંકા વાગી રહ્યા છે. છેલ્લાં નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોને પાછળ છોડી ને ૧૬.૮૧%ના દરથી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જે પાછળ ઔદ્યોગિક ક્ષેત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો અને યોજનાઓ જવાબદાર છે.

વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી બન્યા બાદ ભારતની કુલ નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં દુનિયાનાં કુલ ૨૧૭ દેશોમાં ૪.૭૧ લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. નેવર બિફોર વર્લ્ડ ક્લાસ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કારણે ગુજરાતનો દેશની કુલ નિકાસમાં મહત્વપૂર્ણ ફાળો નોંધાયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ગુજરાત ૩૯% હિસ્સા સાથે દેશમાં પ્રથમ સ્થાને છે, ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસમાં ગુજરાત ૫૩% હિસ્સા સાથે પ્રથમ સાથે છે. આ ઉપરાંત ગુજરાત પ્લાસ્ટિક રો મટીરિયલ્સ, કૃષિ રસાયણ ક્ષેત્રે પણ દેશભરમાં પ્રથમ સ્થાને છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન બાબતે પણ ગયા વર્ષે ગુજરાત નંબર-વન રહ્યું છે. આથી કહી શકાય કે, વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતે ઔદ્યોગિક નિકાસમાં નોંધનીય સિદ્ધિ મેળવી છે.

ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે કે, આ વર્ષે ક્રિસિલ સ્ટેટ ઓફ ગ્રોથ ૨.૦ રિપોર્ટ મુજબ જીએસડીપી વિકાસ દર, નાણાંકીય શિસ્ત અને વ્યવસ્થાપન, રોજગારી સર્જન તેમજ મોંઘવારીને કાબૂમાં રાખવી જેવા અગત્યના માપદંડોમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭નાં પાંચ વર્ષ દરમિયાન, વર્ષ ૨૦૧૧-૧૨નાં સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિદર ૯.૯% રહ્યો છે, જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો છે, જેને જાળવી રાખતાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યના અર્થતંત્રનો વૃદ્ધિદર ૧૧.૨% રહ્યો છે. દેશની પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં ૭.૮% હિસ્સો ધરાવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં દેશની કુલ નિકાસમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતનો હિસ્સો ૧૯% હતો, જે વધીને ૨૦૧૭-૧૮માં ૨૦% થયો હતો અને હવે ચાલુ વર્ષે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો  ૨૧% જેટલો થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.