Abtak Media Google News

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કેસ ઝડપથી ચાલે અને ન્યાય મળે બાળકીને મળે તે માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો

માતાએ કહ્યું હતું કે ‘સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી’ ઝડપી ન્યાયને પણ આવકાર્યો,પિતાએ કહ્યું કે આશા ન હોતી આટલી ઝડપે ચુકાદો આવશે

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠેરવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. તેમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી.

આ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે (મંગળવારે) કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.

સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, નરાધમના નરપીશાચી કૃત્યની યોગ્ય સજા કોર્ટે ફટકારી છે. પોલીસ,તબીબી ટીમ, સહિત ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. ઝડપી ચુકાદામાં યોગ્ય ન્યાય બાળકીને મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ પણ આ કેસ ઝડપથી ચાલે અને ન્યાય મળે બાળકીને તે માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટ પરિસરમાં બાળકીની માતા રડી પડી હતી. રડતી આંખે બાળકીની માતાએ કહ્યું હતું કે,’સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી’. ઝડપી ન્યાયને પણ તેણીએ આવકાર્યો હતો

બાળકીના પિતાએ કહ્યું કે, આશા નહોતી એટલી ઝડપથી ચુકાદો આવ્યો છે. જેનો અમને રાજીપો છે. મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસ સહિતના તમામ વિભાગોએ ખૂબ સારી કામગીરી કરી છે. સરકારી વકીલને મેં માત્ર એટલું જ કહેલું કે, સાહેબ મારી દીકરીને ન્યાય અપાવજો. તેમણે અમારી ધારણા કરતાં વધારે ઝડપથી ન્યાય અપાવ્યો છે. ચુકાદાથી અમારો પરિવાર સંતુષ્ટ છે. હવે ઝડપથી આ નરાધમને લટકાવી દેવામાં આવે તો મારી બાળકીની આત્માને શાંતિ મળે.

પાંડેસરા-વડોદમાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજ (મંગળવાર)ના રોજ સુધી મુલત્વી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.