Abtak Media Google News

બોમ્બે હાઈકોર્ટે ગુલશન કુમાર હત્યા મામલે સંકળાયેલી અરજી અંગે નિર્ણય સંભળાવી દીધો છે. તેમાં મર્ડરના એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચેન્ટની સજા અકબંધ રાખવામાં આવી છે. અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથી છે. સેશન કોર્ટે તેને ઉંમર કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અબ્દુલ રઉફ કોઈ પણ જાતની ઉદારતાનો હકદાર નથી કારણ કે તે પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

દોષીત પર રહેમ ન હોય: હાઇકોર્ટ

ટી-સીરિઝ કંપનીના માલિક ગુલશન કુમારની 12 ઓગષ્ટ, 1997ના રોજ મુંબઈના જુહૂ વિસ્તારમાં હત્યા થઈ હતી. ગુલશન કુમારની મંદિર બહાર 16 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાક પર હજુ પણ કેસ ચાલી રહ્યો છે. જસ્ટિસ જાધવ અને જસ્ટિસ બોરકરે અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.

અબ્દુલ રઉફને ગુલશન કુમારની હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. એપ્રિલ 2002માં તેને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં 2009માં તે પેરોલ પર બહાર આવ્યો હતો અને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. બાદમાં તેને બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટમાં ગુલશન કુમાર કેસ સાથે સંકળાયેલી કુલ 4 અરજીઓ આવી હતી. તેમાં 3 અરજીઓ અબ્દુલ રઉફ, રાકેશ ચંચલા પિન્નમ અને રાકેશ ખાઓકરને દોષી ઠેરવવાની વિરૂદ્ધ હતી. જ્યારે અન્ય અરજી મહારાષ્ટ્ર સરકારે નોંધાવી હતી જે બોલિવુડ પ્રોડ્યુસર રમેશ તૌરાનીને નિર્દોષ છોડવાની વિરૂદ્ધ હતી. તેમના પર હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો જેથી તેમને છોડી દેવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે બાકી દોષિતોની અરજી આંશિકરૂપે સાંભળવાની વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.