Abtak Media Google News

લશ્કર-એ-તોયબાના ઓછાયા હેઠળ ચાલતી ફલહ-એ-ઈન્સાનીયત નામની સંસ્થાના ત્રણ ઓપરેટીવ દિલ્હીમાંથી પકડાયા

૨૫૦ આતંકીઓ કાશ્મીર સરહદેથી ઘુસવાની પેરવીમાં

હાફિઝ સઈદના આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે આર્થિક ભંડોળ ઠાલવવામાં આવતુ હોવાના ષડયંત્રનો પર્દાફાશ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા કરવામાં આવ્યો છે. લશ્કર-એ-તોયબા દ્વારા આર્થિક ભંડોળ મોકલવા માટે ચેરીટેબલ સંસ્થાના ઓઠા હેઠળ ફલહ-એ-ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ) બનાવવામાં આવ્યું હતું. જેના કાર્યકર મહમદ સલમાન (ઉ.વ.૫૨)ને ઝડપી પડાયો છે.

લશ્કર-એ-તોયબાના એફઆઈએફની નોંધણી પાકિસ્તાનમાં થઈ છે. યુનાઈટેડ નેશનની સિકયુરીટી કાઉન્સીલે એફઆઈએફને બ્લેક લીસ્ટ કરી છે. છતાં પણ પાકિસ્તાની સરકાર અને આઈએસઆઈ દ્વારા અડકતરી રીતે ટેકો આપી ભારત વિરુધ્ધ આતંકવાદ ફેલાવવા માટે એફઆઈએફને છુટો દોર અપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવા માટે મસમોટુ આર્થિક ભંડોળ વિદેશમાંથી આવે છે. સામાજિક-સેવાકીય સંસ્થાઓ તેમજ વેપાર-વાણીજયના નામે ભારતમાં ભંડોળ ઠાલવવામાં આવે છે. એનઆઈએ દ્વારા લાંબા સમયથી ભારતમાં આતંકી પ્રવૃતિ માટે ઠલવાતા ફંડ મુદ્દે તપાસ ચાલુ છે. જેમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના આતંકી સંગઠનનું નામ ઉપસી આવ્યું છે.

ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન, યુએઈ સહિતના દેશોમાંથી લશ્કર-એ-તોયબાની એફઆઈએફ નાણા મોકલતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જુલાઈ મહિનામાં દિલ્હી ખાતે એફઆઈએફના ઓપરેટીવને ઝડપી પડાયા હતા. આ ઓપરેટીવના નામ આતંકી ગતિવિધિઓમાં સંડોવાયા હોવાનું કહેવાય છે. ગતરાત્રે દિલ્હી ખાતેથી મોહમદ સલમાનની સાથો સાથો મોહમદ સાલીમ ઉર્ફે મામા તેમજ સજાદ અબ્દુલ વાણી સહિતનાની ધરપકડ થઈ હતી. જેમની પાસેથી રૂ.૧.૫ કરોડ રોકડ મળી આવી હતી. આ ઉપરાંત ૪૩ હજારનું નેપાળનું ચલણ, ૧૪ મોબાઈલ, ૫ પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ એનઆઈએને મળી આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી ઠાર કરાયા

જમ્મુ-કાશ્મીરમાં વિવિધ ત્રણ સ્થળોએ આતંકી હુમલા થયા છે. જેમાં અનંતનાગ જિલ્લાના દુરુ ખાતે બે આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મળી છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાનો જવાન પણ શહિદ થયો હોવાનું જાણવા મળે છે. શ્રીનગરથી ૫૮ કિ.મી.દૂર આતંકી હુમલો થયો છે. આ ઉપરાંત શ્રીનગર અને બડગામ નજીક પણ બે આતંકી હુમલા થયા હોવાનું જાણવા મળે છે. આતંકવાદી ઘટનાઓના પગલે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.