Abtak Media Google News

વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ઘરના એક વ્યક્તિને અકસ્માત થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે. જો ઘરની મુખ્ય વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થાય તો આખું કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે. અકસ્માત પછી તાત્કાલિક પ્રથમ કલાકમાં “ઇમરજન્સી મેડિકલ સારવાર ન મળે તો અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના મૃત્યુની સંભાવના વધી જાય છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો ઇજાગ્રસ્તોને પ્રથમ ક્લાક દરમ્યાન તાત્કાલિક સારવાર મળળી જાય તો 50% કિસ્સામાં મૃત્યુને ટાળી શકાય છે.

આ પરિસ્થિતિને ધ્યાને લઇ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા માર્ગ અકસ્માત સારવાર સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં થયેલા કોઈ પણ વાહન અકસ્માતમાં ઇજા પામેલા કોઇ પણ વ્યક્તિને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે નિશ્ચિત નાણાકીય મર્યાદામાં મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે.

ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતના 48 કલાક સુધી 50,000/- સુધીની મફત સારવાર આપવામાં આવે

આ યોજના હેઠળ ઇજાગ્રસ્ત ભાગનું ડ્રેસીંગ, સ્ટેબીલાઇઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એકસ-રે, ઇજાના ઓપરેશનો, સી.ટી. સ્કેન, એમ.આર. આઇ., અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, આઇ.સી.યુ.માં સારવાર, પેટ અને પેડુની ઈજાની સારવાર, માથાની ઈજાઓની સારવાર, તમામ પ્રકારની ઇજાઓની જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ પ્રાથમિક સારવાર અને સેવાઓ રાજયસરકાર દ્વારા વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.આવા ઇજાગ્રસ્તોને અકસ્માતના પ્રથમ 48 કલાક દરમ્યાન અપાયેલ તમામ સારવાર, ઓપરેશન વિગેરે માટેના ખર્ચ પૈકી ઠરાવના નિયમો મુજબ પેકેજિસ પ્રમાણે રૂ.50,000ની મર્યાદામાં વ્યક્તિદીઠનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સીધો ડ્રોસ્પિટલોને ચૂકવવામાં આવે છે.

જેઓ ગુજરાતના, અન્ય રાજ્યના, કે અન્ય રાષ્ટ્રના રહેવાસી હોય તેવા તમામ વ્યક્તિઓને કોઈ પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત તથા ખાનગી હોસ્પિટલો દ્વારા રૂ. 50,000ની મર્યાદામાં વ્યકિત દીઠ મફત સારવાર મળવાપાત્ર છે. આ સિવાયની જરૂરિયાત મુજબ વધારે સારવાર માટે રોકાવાનું થાય તો તેનો ખર્ચ વ્યકિતએ પોતે ભોગવવાનો રહે છે.

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઇજાગ્રસ્ત લાભ લેવા ઇચ્છે છે તે અંગેના સંમતિપત્રકમાં ઈજાગ્રસ્ત કે ઈજાગ્રસ્તના સગા-સંબંધીએ સહી કરવાની હોય છે અને પોલિસ ફરિયાદની નકલ રજુ કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે ડ્રોસ્પિટલમા દાખલ કરતી વખતે રજુઆત કરવી જરૂરી છે. આ અંગે કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે આર.એમ.ઓ. ઓફિસનો સંપર્ક કરી શકાશે. નોંધનીય છે કે આ યોજના 2018થી અમલમાં છે અને રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23 દરમ્યાન રજુ કરાયેલાં 207 માંથી 205 દાવાઓ અંતર્ગત 64 લાખથી વધુ રકમનું ચુકવણું કરવામા આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.