Abtak Media Google News

આજે ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે વ્હાલાના વધામણા: કાલે વર્લ્ડ નવકાર ડે અંતર્ગત પાંચ કરોડ નમસ્કાર મહામંત્ર જપ સાધનાનો વિશ્વ વ્યાપી ગુંજારવ થશે

અમર પ્રીતના અમર પાત્રો, નેમ- રાજુલ જેવી રાગ રહિત, અધિકાર રહિત પ્રીત કરીને સ્વજનને પ્રભુપાત્ર બનાવવાની, પરિવારને પ્રભુ પરિવાર બનાવવાની પાવન પ્રેરણા પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્વનો ચતુર્થ દિવસ ઉપસ્થિત સૌને જીવન સાર્થકતાની, ભવ સાર્થકતાની અને આત્મ કલ્યાણની માસ્ટર કી આપી ગયો હતો.

ગિરનાર ધરાના અણુ અણુમાં ધર્મ ભાવનાની પૂરબહાર વસંત ખીલવીને થઇ રહેલા પર્વાધિરાજ પર્વામાં પરમ ગુરુદેવની પરમ કલ્યાણકારી વાણીનું શ્રવણ કરવા પરમ સત્યને પામી રહ્યાં છે, આત્મહીતનો બોધ પામી રહ્યાં છે, અનંત કર્મનો ક્ષય કરીને પોતાની આત્મધરા પર ભાવિની ભગવંતતાના બીજ વાવી રહ્યાં છે.

ભવ્ય જીવોના તારણહાર બનીને, અસીમ કૃપા વહાવીને અંતરની જ્ઞાનધારા વહાવતા પરમ ગુરુદેવે પર્વના ચતુર્થ દિવસે બોધ ફરમાવતાં કહ્યું હતું કે, રાજુલને જો નેમ મળી જાય, ચંદનબાળાને જો મહાવીર મળી જાય તો રાજુલ, રાજુલ મટીને સ્વયં પરમાત્મા બની જાય અને ચંદના, ચંદના મટીને સ્વયં પરમાત્મા બની જાય. પરમાત્મા કહે છે, પ્રીત કરીએ તો પ્રભુ સંગે પ્રીત કરીએ. સાથે રહીએ તો સંસાર વધારે એની સાથે નહીં પરંતુ જે મને મોક્ષ સુધીનો સંગાથ આપે એની સાથે રહીએ. અલ્પ સમય માટે મળેલા આ જીવન યાત્રામાં કર્મના કારણે ભેગા થયેલાં સ્વજનોને પરિવારને આપણે પ્રભુ પરિવાર બનાવવો છે જીવનના પાત્રોને, રાગના પાત્રો નહીં પરંતુ ધર્મપાત્ર બનાવીએ.

પોતાના સ્વજનોને અવગુણોથી બચાવવીને, પાપથી બચાવવીને એને પ્રભુનું પાત્ર બનાવી લઈએ કેમ કે, પરમાત્મા કહે છે જીવનની આ યાત્રામાં એકલાં આવ્યા હતાં અને એકલાં જવાનું છે. શૂન્ય બનીને આવ્યાં હતાં અને શૂન્ય બનીને જવાનું છે, ત્યારે આંખ બંધ થાય તે પહેલાં અંતરની આંખ ઉઘાડી દેવાની તૈયારી આ પર્વાધિરાજમાં કરી લઈએ! જિંદગીનું અંતિમ પર્યુષણ ઊજવતાં હોઈએ એમ માનીને આ પર્વાધિરાજની એક એક પળને આરાધનામય બનાવી લઈએ. આરાધનામય વ્યતીત થતી જીવનની દરેક ક્ષણ, પરમાત્માના સાનિધ્યમાં વ્યતીત થતી જીવનની પળ પળ તે જ જીવનની સાર્થક ક્ષણો બનતી હોય છે.

દિવ્ય સમાવશરણમાં બિરાજીને સ્વયં પ્રભુ બોધ ફરમાવતાં હોય એવી અનુભૂતિ કરાવતાં આવા બોધ વચનોની સાથે આ અવસરે પરમ ગુરુદેવની અત્યંત ભાવવાહી શૈલીમાં, વહેતાં ભક્તિ સ્તવનાના મધુર સૂરો સાથે કરાવવામાં આવેલી સિદ્ધત્વની ભાવયાત્રામાં ગરકાવ બની ગયેલાં હજારો ભાવિકોએ વહેતી આંખો સાથે, હૃદયના અત્યંત અહોભાવ સાથે સ્વ મિલનની, પ્રભુ મિલનની અલૌકિક અનુભૂતિ કરીને એ દિવ્ય ક્ષણોને પોતાના અંતરમાં સદા માટે અંકિત કરી દીધી હતી.વહેલી સવારના સમયે આયોજિત ઇનર ક્લિનિંગ કોર્સ અંતર્ગત હું કોઈની નિંદા કરીને કોઈના જીવનને ખોલી ખોલીને મારા આત્માને નેગેટિવ બનાવીશ નહીં, આસપાસમાં નેગેટિવિટી પ્રસરાવીશ નહીં એવી સંકલ્પબદ્ધતા કરાવીને આત્મા શુદ્ધિના પ્રયોગ સ્વરૂપ ધ્યાન સાધના કરવામાં આવી હતી.

પોતાના સુખમાં અન્યને પણ ભાગીદાર બનાવીને પરમ ગુરુદેવની પ્રેરણાને જીલીને આજના દિવસે હજારો ભાવિકોએ નાના નાના બાળકો માટે રમકડાંનું અનુદાન કરીને પોતાના અંતરની ઉદાર ભાવનાને પ્રગટ કરી હતી.આજે ભગવાન મહાવીર જન્મોત્સવનો અતિ ભવ્યાતિભવ્ય અવસર ‘વ્હાલોત્સવ’ ઉજવવા પ્રભુ જન્મના ભક્તિભીના વધામણા લેવા અને ત્રિશલા માતાને આવેલા 14 મહા સ્વપ્નના દિવ્ય દર્શન કરવા દેશ-પરદેશના લાખો ભાવિકો અંતરના થનગનાટ સાથે આતુર બની રહ્યા છે. 17/9 સવારે 6:45 કલાકે વર્લ્ડ નવકાર ડે ના અંતર્ગત એક સાથે એક જ સમયે દેશ-વિદેશના ભાવિકો પાંચ કરોડ નમસ્કાર મંત્રની જપ સાધના કરીને વિશ્વવ્યાપી શાંતિના તરંગોનું પ્રસારણ કરશે. પરમ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા પર્વાધિરાજ પર્વની આરાધનાના આ દરેક અવસરોમાં લાભ લઈ અને આત્મહિત સાધી લેવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.