રૈયા રોડ પર દબાણ હટાવ શાખા અને રેકડીધારકો વચ્ચે માથાકૂટ: ગાળાગાળી

કોર્પોરેશનની ટીમ રેકડી જપ્ત કરવાને બદલે માત્ર વજનકાંટા જપ્ત કરી પલાયન

કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ અને રેકડીધારકો વચ્ચે આજે બપોરના સુમારે શહેરના રૈયા રોડ પર સદ્ગુરૂ તીર્થધામની સામે પાસે જબ્બરી માથાકૂટ સર્જાય હતી. મામલો ગાળાગાળી સુધી પહોંચી જતા મહિલાઓનું એક મોટું ટોળુ અહીં એકત્રિત થઇ ગયુ હતું. મામલો વધુ ન વિફરે તે માટે કોર્પોરેશનની ટીમે રેકડી જપ્ત કરવાને બદલે માત્ર બે વજનકાંટા જપ્ત કરી સ્થળ પરથી ભાગી જવાનું મુનાશીબ સમજ્યુ હતુ.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે બપોરે કોર્પોરેશનની દબાણ હટાવ શાખાની ટીમ શહેરના રૈયા રોડ પર ત્રાટકી હતી. અહીં ટ્રાફીકને નડતરરૂપ થતી બે રેકડીઓને જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા માથાકૂટ સર્જાય હતી. રેકડીધારકોએ કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી હતી. રેકડીધારક ઉપરાંત તેઓના પરિવારની મહિલાઓ પણ સ્થળ પર એકત્રિત થઇ ગઇ હતી. દબાણ હટાવ શાખાની ટીમે ફળ ભરેલી રેકડી જપ્ત કરવાને બદલે માત્ર બે વજનકાંટા જપ્ત કરી સંતોષ માની લીધો હતો. દબાણ હટાવ શાખાના કર્મચારીઓ અને રેકડીધારકો વચ્ચે માથાકૂટની ઘટના રોજીંદી બની જવા પામી છે. રોજ કોઇ રાજમાર્ગ પર આવી બબાલ સર્જાય છે.