Abtak Media Google News

૧૨ વર્ષના અંતરાળે યોજાનારા કુંભમેળાનો અલ્હાબાદમાં ૧૫ જાન્યુઆરીથી પ્રારંભ: દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ ઉમટશે

યાત્રાળુઓના ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગનો રૂ.૭૦૦ કરોડનો પ્રોજેકટ: પ્રયાગરાજ જંકશન ઉપર ઉચ્ચતમ સુવિધાઓ ઉભી કરાશે

ભારતમાં પ્રાચીનકાળથી ઉજવાતા કુંભમેળાનું હિન્દુધર્મમાં અને‚ મહત્વ રહેલું છે. કહેવાય છે કે, જયારે બૃહસ્પતિ કુંભ રાશીમાં અને સુર્ય તેમજ ચંદ્ર મેષ રાશીમાં પ્રવેશે છે ત્યારે આ પર્વ ઉજવાય છે અને આ સંયોગ ૧૨ વર્ષના અંતરાળે એકવાર બને છે એટલે જ ૧૨ વર્ષમાં એકવાર કુંભ મેળાનું આયોજન થાય છે. જેમાં હરિદ્વાર, ઉજજૈન, અલ્હાબાદ અને નાસિકમાં ગંગા નદીમાં સ્નાન કરવા કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

ત્યારે આ વર્ષે ૧૨ વર્ષના અંતરાળ બાદ ૨૦૧૯નો કુંભમેળો ૧૫ જાન્યુઆરીથી શરૂ થનાર છે જેની તડામાર તૈયારીઓનો દૌર શરૂ થઈ ગયો છે. આ કુંભમેળાને લઈ રેલવે વિભાગ પણ જોરદાર તૈયારીઓમાં ઝુટાઈ ગયું છે. સંગમનગરી અને પ્રયાગરાજ તરીકે જાણીતા અલ્હાબાદમાં આયોજીત આ મેળામાં દેશભરમાંથી તો શ્રદ્ધાળુઓ આવે જ છે પરંતુ આ સાથે વિદેશી યાત્રાળુઓ પણ ઉમટી પડે છે જેના ઘસારાને ધ્યાને રાખી આ વર્ષે ખાસ પ્રકારની સુવિધાઓ ઉભી કરાઈ છે. આ માટે રેલવે દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેકટ તૈયાર કરાયો છે.

શુક્રવારના રોજ રેલવે વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રયાગરાજ જંકશન ઉપર ચાર મોટા રહેણાંક સ્થળ ઉભા કરવા પર કામ ચાલુ છે. જેમાં ૧૦,૦૦૦ યાત્રિઓ એક સાથે રોકાણ કરી શકે એ માટેની ઉચ્ચતમ સુવિધા ઉપલબ્ધ થશે. આ ચારમાંથી બે રહેણાંક આ માસના અંતમાં બની જશે જયારે બાકીના બે રહેણાંક નવેમ્બર માસના અંત સુધીમાં બની જશે.

જેમાં વેન્ડીંગ સ્ટોલ, વોટર બુથ, ટીકીટ, કાઉન્ટર, એલસીડી ટીવી અને એડ્રેસીંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાશે. રેલવે વિભાગે વધુમાં જણાવ્યું કે, તીર્થયાત્રીઓને રેલવે દ્વારા પુરી પડાતી સેવાઓ માટે રૂ.૭૦૦ કરોડથી વધુનું ભંડોળ ફાળવાયું છે જે અંતર્ગત નવેમ્બર માસ સુધીમાં ૪૬ કાર્યો પુરા કરાશે. જેમાંના ૧૭ કાર્યો અત્યાર સુધીમાં પૂર્ણ કરી દેવાયા છે. આ ઉપરાંત રેલવે દ્વારા અલ્હાબાદ કુંભમેળા માટે ખાસ પ્રકારના ટુરીસ્ટ પેકેજ પણ જાહેર કરવામાં આવશે.

નોર્થ-સેન્ટર રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ કહ્યું કે, કુંભમેળામાં થતા શ્રદ્ધાળુઓના ઘસારાને ધ્યાને રાખી તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને આ માટે અદ્યતન ટેકનોલોજી, કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

૨૦૧૯ના કુંભમેળાના ‘શાહી સ્નાન’ની તીથી

મકર સક્રાંતિ ૧૪-૧૫ જાન્યુઆરીકુંભમેળાની શરૂઆત(પ્રથમ શાહી સ્નાન)
૨૧ જાન્યુઆરીપોષ પૂર્ણિમા સ્નાન
૩૧ જાન્યુઆરીપોષ એકાદશી સ્નાન
૪ ફેબ્રુઆરીમૌની અમાવસ્યા (મુખ્ય/ બીજુ શાહી સ્નાન)
૧૦ ફેબ્રુઆરીવસંત પંચમી (ત્રીજુ શાહી સ્નાન)
૧૬ ફેબ્રુઆરીમાધી એકાદશી સ્નાન
૧૯ ફેબ્રુઆરીમાધી પુર્ણિમા સ્નાન
૪ માર્ચમહાશિવરાત્રી (કુંભ મેળાની પૂર્ણાહુતી)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.