Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ ઉમરપાડામાં દોઢ ઈંચ અને અમરેલીમાં અડધો ઈંચ વરસાદ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે ’શનિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડાના 43 મીમી, અમરેલીમાં 15 મીમી, બોટાદમાં 11 મીમી, સુત્રાપાડામાં 10 મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

નર્મદા ડેમની સપાટી 137.23 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી હાલ 24 કલાકમાં 10 સેમી વધીને 137.23 મીટરે પહોંચી છે.

બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી જતાં નર્મદા ડેમમાં પાણીનો સ્ટોરેજ જથ્થો 5452 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. એટલે 97 ટકા જેટલો ભરાઈ ગયો છે. ત્યારે હવે માત્ર 1.50 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. જે આગામી 10 દિવસમાં.પહોંચી જશે.એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.

ગીરગઢડાના નીતલી ગામે સીમમાં ઢોર ચરાવતા માલધારીનું વિજળી પડતા મોત

આજે બપોરનાં વાતાવરણમાં પલ્ટો આવતા ઉના પંથકનાં ગીરગઢડા તાલુકાના નીતલી ગામની સીમમાં ધીમીધારે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયેલ છે. ચાલુ વરસાદે નીતલી ગામની સીમમાં ઢોર ચરાવતો લાખાભાઇ કાનાભાઇ આલ જાતે રબારી (ઉ.વ.75) રહે.નીતલી તા.ગીરગઢડા વાળા ઉપર વીજળી કડાકા સાથે પડતાં તેમના શરીરમાં ઉતરી જમીનમાં ઉતરી ગઇ હતી તુરંત બેભાન થઇ જતાં આ ઘટનાની જાણ થતાં તુરંત લોકો દોડી આવેલ ગીરગઢડા સરકારી હોસ્પિટલે લાવતા ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કરેલ હતાં. તેના પરિવારમાં શોક છવાઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.