Abtak Media Google News

આંબાજળ, હસનાપુર, વિલીંગ્ડન, આણંદપુર તથા મધુવંતી ડેમ ઓવરફલો

ગીરનાર પર્વત અને દાતારના ડુંગર તથા ગિરનાર જંગલમાં લગભગ 10 ઇંચ જેટલા તોફાની વરસાદની સાથે સમગ્ર સોરઠમાં 2 થી 12 ઇંચ વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. જેના પગલે જિલ્લાના આંબાજળ, હસનાપુર, વિલીંગ્ડન, આણંદપુર તથા મધુવંતી ડેમ ઓવરફ્લો થવા પામ્યા છે, ઝાંઝેશ્રી, બાટવાનો ખારો, ધ્રાફલ, સાંબલી ડેમના એક એક દરવાજા તથા ઓજત-2 ના 2 દરવાજા, ઓઝત શાપુરના 4 દરવાજા, ઓજત વંથલીના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નદી કાંઠાના અનેક ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા હોવાની અને ખેતરોમાં પાણી ભરાતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઇ જવા પામ્યું છે.

દરિયામાં આવેલ લો પ્રેશરથી હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લામાં મંગળવારની મોડી રાતથી જ વરસાદે તોફાની ઇનિંગ શરૂ કરી હતી અને ગઈકાલે બપોરે સમગ્ર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના પગલે કેશોદમાં 106  મિ.મી; જૂનાગઢમાં 58 મી.મી; ભેસાણમાં 70 મી.મી; મેંદરડામાં 78 મી.મી; માંગરોળમાં 130 મી.મી; માણાવદર માં 67 મી.મી; માળિયામાં 94 મી.મી; વંથલીમાં 48 મી.મી; અને વિસાવદર પંથકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં સમગ્ર સોરઠ પંથકમાં પાણી પાણી થઇ જવા પામ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તમામ નદીઓ હાલમાં બે કાંઠે વહી રહી છે, તો અનેક ડેમો અવરફલ થતાં અને અમુક ડેમોના દરવાજા ખોલાતા જિલ્લાની તમામ નદીમાં ઘોડા પૂર આવ્યા છે, અને નીચાણવાળા ગામડાઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયાના સમાચારો મળી રહ્યા છે. આ સાથે ખેતરો પણ નદી જેવી બની જતા ખેતરો માંથી મગફળીના પાથરા તણાયા હતા, બીજી બાજુ ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં મગ, અડદ, ડુંગળી, સોયાબીન, મગફળી સહિતના પાકને ભારે નુકસાન જવાની ખેડૂતો દ્વારા ભીતિ સેવાઈ રહી છે.

ગઈકાલે બપોરે જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ શરૂ થવા પામ્યો હતો. જેના કારણે જૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાયા હતા. તો જીઆઇડીસી પાસે ઉપરવાસના પાણીનો ભારે પ્રવાહ આવી જતા રાજકોટ – જૂનાગઢ રાજમાર્ગ કારણે કલાકો સુધી બંધ રહેવા પામ્યો હતો  જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આવી જ રીતે જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને અમુક વિસ્તારમાં મકાનોમાં પાણી ઘુસતા લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

બીજી બાજુ ગિરનાર પર્વત અને દાતાર પર્વતની સાથે સમગ્ર જંગલ વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ અંદાજે 10 ઇંચ જેટલો ભારે વરસાદ પડયો હોવાની વાત છે. જેને લઇને ગિરનાર ઉપરથી મોટી નદીઓ જેવો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તો ગિરનાર અને દાતારના પગથીયા ઉપર તોફાની નદી જેટલું પાણી વહી રહ્યું હતું, ભવનાથનો અમુક વિસ્તાર બેટમાં ફેરવાયો હતો, તો જૂનાગઢના વિલિંગ્ડન ડેમ, હસનાપુર ડેમ, આણંદપુર ડેમ ફરી એક વખત મોટી માત્રામાં ઓવરફ્લો થવા પામ્યો છે. આની સાથે ગિરનાર પર્વતમાંથી નીકળતી સોનરખ નદી પણ ગાડીતુર બની હતી અને દામોદર કુંડ બે કાંઠે થઈ જવા પામ્યો હતોો.

જ્યારે કુંડ નજીક આવેલ પુલમાં લગોલગ પાણી વહી રહ્યું હતું.દરમિયાન આજ વહેલી સવારથી જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હળવેથી ભારે વરસાદી ઝાપટા ચાલી રહ્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભર ભાદરવે ચોતરફ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. જેના પગલે જિલ્લા કલેકટર રચિત રાજે તંત્રને એલર્ટ કરી દીધું છે અને જિલ્લામાં વરસાદ અને પૂરને લઈને કોઈ જાનહાનિ કે માનહાની ન થાય તે માટે સાવચેતીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આની સાથે એનડીઆરએફ., મેડિકલ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમને પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ સવારના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 1001 મીમી વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો વરસાદ 124.98 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ભારે વરસાદના પગલે તા.1 ઓક્ટબર સુધી ડેમ, નદી, તળાવ પાસે જવા પર પ્રતિબંધ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તા. 1 ઓક્ટબર સુધી ડેમ, નદી, તળાવ પાસે પર્યટકોને ન જવા અને જિલ્લામાં પ્રવાસ ન કરવા જૂનાગઢ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.હવામાન ખાતાની આગાહી અનુસાર તથા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આગામી તા.1/10/2021 સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદના પગલે ડેમ, નદી-નાળા તથા કોઝ વે સંપૂર્ણ માત્રામાં ભરાયેલ છે. જે અન્વયે  તકેદારીના ભાગરૂપે  અને કોઈ અકસ્માત ન સર્જાય એ માટે તા.1/10/2021 સુધી પર્યટકોએ પ્રવાસ ન કરવા  જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.