Abtak Media Google News

મોરારીબાપુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે

ભજનીક હેમંતભાઈ લીખીત ભજન-કીર્તન, ગરબા, થાળ, બાવની સહિતની 101 રચનાઓનો પુસ્તકમાં સમાવેશ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભજનિક હેમંત ચૌહાણને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ’પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે સમગ્ર રાજકોટ માટે ગૌરવ અને આનંદની ઘટના છે. રાજકોટના વિવિધ ક્ષેત્રના આગેવાનોની બનેલી ’પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ’ ના યજમાન પદે અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના સહયોગથી  આવતા રવિવારે તા. 30 એપ્રિલ 2023ના રોજ સાંજે 4.00 થી 6.00  દરમિયાન પૂ.મોરારિબાપુ, પરશોત્તમ રુપાલા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી પ્રહલાદ ટીપણીયા, સાંઈરામ દવે, ઘીરુભાઈ સરવૈયા, શૈલેષભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની હાજરીમાં હેમંત ચૌહાણનું શાલ, સન્માનપત્ર, મોમેન્ટો અને રૂપિયા એક લાખ એકાવન હજારની ધનરાશિ દ્વારા સન્માન કરવામાં આવશે. સાથે જ રાજકોટની સો જેટલી સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો તથા ગુજરાતભરમાંથી આવેલી વિવિધ સંસ્થાઓ પણ હેમંત ભાઈને ફૂલડે વધાવશે.

Advertisement

આ ભવ્ય કાર્યક્રમમાં હેમંત ચૌહાણની સ્વરચિત ભક્તિ રચનાઓ અને લેખોના ગ્રંથ ’હરિનામની હેલી’નું લોકાર્પણ પણ થશે. સંજુ વાળા અને સુનીલ જાદવ દ્વારા સંપાદિત આ ગ્રંથની પ્રસ્તાવના પ્રસિદ્ધ કવિ અને ભજન મર્મજ્ઞ દલપત પઢીયારે લખી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે “આપણી સંતવાણીના સાચાં સાધક, આરાધક, ગાયક અને વાહક તરીકે હેમંતભાઈનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુખ્યાત અને ગૌરવવંતુ છે. તેઓ આપણા ભજનનું તો ગૌરવ છે જ, સાથે આપણી ભાષાનું, આપણી સંસ્કૃતિનું અને આપણી અસ્મિતાનું પણ ગૌરવ છે. એમના થકી આપણું ભજન નિરંજન ગાજતું, રાજતું અને ગૂંજતું રહ્યું છે.”

આ પુસ્તકને આવકાર આપતા ડો.સુનીલ જાદવે લખ્યું છે કે, “હેમંત ભાઈએ આપણાં સંતોની મૂલ્યવાન વાણીને પોતાના સુમધુર કંઠે ગાઈ છે એટલું જ નહિ, જાણે કે જીવનમાં પણ ઉતારી છે.”

તો સંપાદકીયમાં સંજુ વાળાએ લખ્યું છે કે, ’હેમંત ચૌહાણ ખરા હૃદયથી આપણી પ્રાચીન સંતવાણી અને ખાસ તો ગુરુમુખી વાણીના ઉપાસક રહ્યા છે.’

નિવેદનમાં હેમંત ચૌહાણે લખ્યું છે કે,” ભજનો ગાવાનું તો મને ગળથૂથીમાં જ મળેલું પરંતુ લખવાનું તો મને ખબર જ ન હતી. ભજનોનો નિરંતર અભ્યાસ કરવાથી, જેટલું વંચાણું હોય એ આપણાં અંત:કારણમાં ઘૂમતું હોય છે. ઝબકારો થાય અને અનાયાસે એવા શબ્દો આવે કે તરત જ હું ડાયરીમાં ટાંકી લેતો. દાસીજીવણનાં ભજનો હું ગાઉં ત્યારે તો ભાવવિભોર થવાય પરંતુ ઘેર પલંગમાં બેસીને વાંચતો હોઉં ત્યારે એવા ભાવમાં ખોવાઈ જતો કે અંતર ભીંજાઈ જતું. સતત આવા ભાવમાં રહેવાથી અંતર મનમાંથી ક્યારેક શબ્દ સરી પડે એ સંતોની જ કૃપા ગણાય.”

આર. પી. જોશીએ જેને ગાયન, સ્વરાંકન અને સર્જનનું ત્રિદલ બિલ્વપત્ર ગણાવ્યા છે તેવા હેમંતભાઈ ભજન ગાય છે અને લખે પણ છે. તેમના લખેલા એકસો એક ભજનો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. જેમાં ગુરુમુખી ભજનો, કીર્તનો, બોધક ભજનો, પ્રેમલક્ષણા ભજનો અન્ય ભજનો/ગીતો, ગરબા, થાળ, બાવની અને લાલબાપાના કીર્તનો ગુરુમુખી વાણી.. ભજનો..અને લાલબાપાના કીર્તનો વગેરે સમાવવામાં આવ્યાં છે.  એ વાત ખૂબ અગત્યની છે કે આપણા બહુ જ ઓછા ભજનગાયકોએ પોતે ભજન રચ્યાં છે. જ્યારે હેમંતભાઈ તો એવા ભજનીક છે કે તેમના રચેલા ભજનો અનેક ભજનીક કલાકારોએ પોતાના કાર્યક્રમોમાં અને અનેક કથાકારોએ કથાઓ, પારાયણો દરમિયાન આ ભજનો ખૂબ જ ભાવથી ગાયા અને ગવરાવ્યાં છે.  હેમંતભાઈના આ ભજનોમાં આરાધની ઊંડી અંતરકામના અને આરાધ્ય તરફથી આગવી શ્રદ્ધાના દર્શન થાય છે.  તો ગરબા સ્તુતિઓ વગેરે પણ એકદમ લય – હિલ્લોળ સાથેના હોવાથી તથા ધણા બધાં તો આપણી પરંપરાના લોકઢાળ-ઢંગ મુજબના હોવાથી બહુ જ સહેલાઈથી ગાઈ શકાય તેવાં છે. એટલે આ કૃતિઓ સામાન્ય લોકો ગાઈ શકે તેવી અને જેમને ભજનમાં રસ છે તેમને અસલી ભજનનો ભાવ-સ્વાદ આપે તેવી છે.

ઉપરાંત ડો. બળવંત જાની, શાહબુદ્દીન રાઠોડ, સંજુ વાળા, જ્વલંત છાયા, ડો. નિરંજનભાઈ રાજ્યગુરુ, સાંઈરામ દવે, ડો. નાથાલાલ ગોહિલ, વસંત જોશી, દલપત ચાવડા, જગદીશ ત્રિવેદી, વસંત ગઢવી, ભરત યાજ્ઞિક, શૈલેષ ટેવાણી, રમેશ ઉધાસ, ભરત પટેલ, જય વસાવડા, સુનીલ જાદવ, બિહારી હેમુ ગઢવી, અરવિંદ બારોટ, આર. પી. જોશી, પ્રફુલ્લ દવે, ગીતા ચૌહાણ સહિતના લેખકના હેમંત ચૌહાણની સ્મૃતિ વિષયક લેખો અને ડો. સુનીલ જાદવ દ્વારા હેમંત ચૌહાણની લેવામાં આવેલ દીર્ઘ મુલાકાત પણ સમાવવામાં આવી છે. હેમંત ચૌહાણના જીવનની યાદગાર ક્ષણોની સ્મૃતિ સમાન કેટલાક ફોટોગ્રાફ પણ આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે.

પ્રવીણ પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ગ્રંથનું લોકાર્પણ પૂ. મોરારિબાપુ અને ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવશે. આ ગ્રંથ કાર્યક્રમ સમય દરમિયાન પચાસ ટકા વળતરથી ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.