Abtak Media Google News

Table of Contents

નિવૃત્ત ડીવાયએસપી એસ.બી. ગોહિલ લિખીત

રસદાર અને દમદાર પુસ્તકના વિમોચન પ્રસંગે ભાજપ પ્રદેશના પૂર્વ પ્રમુખ રાજુભાઇ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા અને ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે પુસ્તકને અનુભવનો નિચોડ ગણાવ્યો

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ અને ટ્રાફિક ડીસીપી પુજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

પોલીસ ડિપાર્ટમેન્ટમાં અપરાધીઓ માટે અતિ કડક અને સમાજ માટે અતિ શાંત, સૌમ્ય અને પ્રમાણીક અધિકારીની છાપ ધરાવતા નિવૃત્ત ડીવાયએસપી એસ.બી.ગોહિલ લિખીત ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તકનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપ પ્રદેશના પૂર્વ પ્રમુખ રાજુભાઇ રાણાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ, ટ્રાફિક ડીસીપી પુજા યાદવ સહિત મોટી સંખ્યામાં સામાજીક અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ અને નિવૃત્ત પોલીસ સ્ટાફ ઉ5સ્થિત રહ્યો હતો. તમામે આ પુસ્તકને એસ.બી.ગોહિલના પોલીસ ડિપાર્ટમેન્ટના 33 વર્ષના અનુભવનો નિચોડ ગણાવ્યો છે.

પુસ્તક વિમોચન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુસ્તકના લેખક સહદેવસિંહ ગોહિલને અભિનંદન પાઠવી તેમના જીવનનો નિચોડ, વફાદારી ગણાવી તેઓએ નોકરી માત્ર કરવું પડે છે તેમ નહિં પોતાના રસનો વિષય બનાવ્યો તેઓએ તેમનો જીવ રેડ્યો, નોકરી દરમિયાનના દરેક સસ્મરણોને સંગ્રહિત કરી આ પુસ્તક પ્રકાશન કર્યું છે. ભાવિ પેઢીને આ પુસ્તક પ્રોત્સાહન અને માર્ગદર્શન બની રહેશે. પોતાની કારકિર્દીના અનેક ખાટા-મીઠા સ્મરણો તેઓએ સંગ્રહિત કર્યા છે. સહદેવસિંહે ઇમાનદારીથી નોકરી કરી છે. 30 વર્ષ પહેલા નોકરી કરતા ત્યારે લાંચ લેતા ગભરાતા હતા અને લાંચ આપનારને અમારે ઘરે બૈરી-છોકરા છે. તેમ કહી લાંચ સ્વિકારતા નહિં. આજની પરિસ્થિતિ કંઇક જુદી છે. ‘અમારે બૈરી-છોકરા છે કંઇ આપતા જાવ’ તેવી સ્થિતિ છે. અત્યારે ભૌતિક સુખ-સમૃદ્વિને લાંચ માટે કારણભૂત ગણાવ્યા હતા. જૂની પેઢીના સહદેવસિંહે જે કામ કર્યું છે અને તેમના અનેક અનુભવો, વેદના-સંવેદના સાથેના સસ્મરણો રહ્યા છે. તેઓને પુસ્તક દ્વારા પ્રસિધ્ધ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Screenshot 8 18

ભાવનગર જિલ્લાના વરતેજ ગામના વતની એસ.બી.ગોહિલ 1980માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાઇ સૌપ્રથમ ધોરાજી ખાતે કારકિર્દીની શરૂ કરી રાજકોટ, મહેસાણા, પોરબંદર, અમદાવાદ અને કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 33 વર્ષ સુધી ર્નિવિવાદે ફરજ બજાવી લોકોમાં સારી ચાહના ધરાવતા એસ.બી.ગોહિલે નિવૃત્ત થયા બાદ પોતાના વિશાળ અનુભવો આત્મકથા સ્વરૂપે નવલકથા લખવાનું શરૂ કર્યું હતું.

તેઓની ફરજ દરમિયાન થયેલા સારા-માઠા અને ખાટા-મીઠા અનુભવોનું આલેખવામાં આવ્યા હતા. જે સૌપ્રથમ ‘અબતક’માં ‘પોલીસની વેદના-સંવેદના’ સ્વરૂપે પ્રસિધ્ધ થઇ હતી. એસ.બી.ગોહિલે પોરબંદરમાં 1980 થી 90ના દાયકામાં ચાલતી ગેંગવોર અંગેના વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આપી છે. તે રીતે તેઓ મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે ફરજ બજાવતા હતા ત્યારે 2002ના ગોધરાકાંડના પ્રત્યાઘાતરૂપે સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આક્રોશ સાથે નીકળેલા હિન્દુવાદીઓના ટોળા દ્વારા એકસાથે 5,000 જેટલા મુસ્લિમોની કતલ થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

આ પરિસ્થિતિમાં એક પોલીસ અમલદારનો ત્વરિત નિર્ણય અને સતર્કતાને કારણે અટકાવ્યો હતો. જો આ ઘટના બની હોત તો તેના પડઘા સમગ્ર વિશ્ર્વમાં પડે તેમ હોવાનું પુસ્તકમાં પ્રસિધ્ધ કરાયું છે. એસ.બી.ગોહિલે સૌપ્રથમ પોલીસ દ્વારા તૈયાર કરાયેલા સોવેનિયરમાં ભાવનગર જિલ્લાના પોલીસ વડાને સૂચનાથી 1998-99માં તળાજા ફરજ દરમિયાન પ્રસિધ્ધ થયા હતા. પ્રથમથી જ લેખનમાં રૂચિ ધરાવતા એસ.બી.ગોહિલે પોલીસની નોકરી અર્જુન દ્વારા કરાયેલા મચ્છ્યવેદ જેવી પડકાર સમાન ગણાવી છે.

ભાજપ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ એસ.બી.ગોહિલને નિવૃત્ત થયા બાદ પ્રવૃત્ત રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિવૃત્ત થયાના 12 વર્ષ દરમિયાનની તેઓની તપસ્યા એટલે ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તક તૈયાર થયું છે. એટલે આ પુસ્તક લખનાર એસ.બી.ગોહિલની સાથેસાથે તેમના પરિવારને પણ અભિનંદન પાઠવ્યા છે. એસ.બી.ગોહિલ એક સારૂં વ્યક્તિત્વ ધરાવે છે અને તેમના અનુભવ પણ નિચોડ આ પુસ્તકમાં જોવા મળે છે. તેઓએ વિના વિઘ્ને પોલીસની પડકાર સમાન નોકરી પૂરી કરી અને પોલીસ માટે ઉપયોગી બની રહે તેવું પુસ્તક પ્રસિધ્ધ કર્યું છે. તે ઘણી મહેનત માંગી લે તેવું કપરૂં કામ છે.

ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ પુસ્તક વિમોચન પ્રસંગે ખાસ ઉ5સ્થિત રહી તેઓ એસ.બી.ગોહિલ સાથે પ્રાથમિક અને હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું જણાવી એસ.બી.ગોહિલને પ્રથમથી લેખનમાં સારી રૂચિ ધરાવતા હોવાનું કહી સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહત્વના જગ્યાઓ પર પ્રસશંનીય ફરજ બજાવી છે. તેઓએ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પોતાની જાતને હોમી દીધી છે. એટલે જ સમાજ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તેમના પર વિશ્ર્વાસ કરે છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એસ.બી.ગોહિલ દ્વારા લખાયેલા ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તકને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખુશીની વાત કહી છે. એસ.બી.ગોહિલે પુસ્તકમાં પોતાના સસ્મરણો સાથે ગુજરાતમાં હડતાલ, મહાગુજરાત અભિયાન સહિતના પરિસ્થિતિમાં પોલીસ દ્વારા કંઇ રીતે કામગીરી કરવામાં આવે છે અને પોલીસની ભૂમિકા કેવી હોય છે તે તાદ્રશ રજૂ થઇ છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આર.ડી.ઝાલાનું જે રીતે ગૌરવથી નામ લેવામાં આવે છે તે રીતે એસ.બી.ગોહિલે પોલીસ ડિપાર્ટમેન્ટનું ગૌરવ વધાર્યું છે. પોલીસમાં નવી ભરતી થયેલા એલઆરડીઓ માટે આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે. એટલે આ પુસ્તકનું મૂલ્ય અમૂલ્ય છે. આ પુસ્તકની 50 કોપી ખરીદ કરી શહેરના તમામ પોલીસ મથક અને તમામ એસીપીને અભ્યાસ માટે મોકલવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

હેમુગઢવી હોલ ખાતે ગત રવિવારે યોજાયેલા ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તકના વિમોચન પ્રસંગે ડીસીપી ઝોન-1 સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર, ક્રાઇમ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા, ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, નિવૃત્ત એસીપી સી.પી.દલાલ, હરદેવસિંહ વાઘેલા, કે.બી.ઝાલા, હકુમતસિંહ ઝાલા, વી.વી.ગોહિલ, રાજભા ગોહિલ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

-:: પુસ્તક મેળવવા સંપર્ક કરો ::-

  • એસ. બી. ગોહિલ (નિવૃત ડીવાયએસપી),રાજકોટ. મો.નં. 99255 00067
  • જગતસિંહ આર. ઝાલા, ગાંધીનગર મો.નં. 94263 28751
  • કે.એમ. વાઘેલા (નિવૃત ડીવાયએસપી),ગાંધીનગર મો.નં. 9879791951
  • પી.આર. પંડયા (નિવૃત ડીવાયએસપી),  અમદાવાદ મો.નં. 99250 32791
  • મનહરસિંહ આર. ઝાલા, આદિપુર (કચ્છ) મો.નં. 99785 58887

Screenshot 9 16 પોલીસ તંત્રમાં નવી પેઢી માટે પુસ્તક ખૂબ ઉપયોગી બનશે: વિજયભાઈ રૂપાણી

ર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે,એસ.બી. ગોહિલ નિવૃત્ત ડીવાયએસપીએ પોલીસની નોકરીના 33 વર્ષની ફરજ અને જીવનનો નીચોડ પુસ્તકમાં મૂક્યો છે.આ પુસ્તક પોલીસ તંત્રમાં નવી પેઢી નોકરી કરતી હોય તેની માટે ખૂબ ઉપયોગી અને પ્રેરણા રૂપ બનશે. સાથોસાથ સમાજમાં નિષ્ઠાપૂર્વક એક વ્યક્તિ નોકરી કરી રહ્યા છે જે પણ સમાજ માટે માર્ગદર્શનરૂપ બનશે.

Screenshot 10 13

પુસ્તક વિમોચનથી ગૌરવની લાગણી ઉદભવી: વાસુદેવસિંહ ગોહિલ

ગોહિલવાડ ગીરાસદાર રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે, પુસ્તક વીમોચનથી અમારૂ વતન અને હું ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. પોલીસ ખાતામાં નોકરી કરવી એ ખૂબ જટિલ હોય છે. રાજકીય * સામાજિક ક્ષેત્રમાં જોડાયેલું રહેવું સાથોસાથ ગુનાખોરીને ડામવાના સતત પ્રયાસો કરતા રહેવા પડે છે પરંતુ એસ.બી. ગોહિલે આ પુસ્તકમાં જે અનુભવો વર્ણવ્યા એ આવકારદાયક છે. સર્વિસ પૂર્ણ કર્યા પછી 12 વર્ષની તપસ્યા બાદ આ પુસ્તક લખવામાં આવ્યું છે.

Screenshot 11 12 એસ. બી. ગોહિલ નિર્મિત બુક પોલીસ ડિપાર્ટમેન્ટ માટે દિવાદાંડી સમાન: રાજેન્દ્રસિંહ રાણા

પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, સહદેવસિંહ ગોહિલ પોલીસ તંત્રમાં ફરજ બજાવી હંમેશા જીવંત રહ્યા છે. પુસ્તકના ડોક્યુમેન્ટેશનમાં એસ.બી. ગોહિલના સર્વિસ કાળના જે અનુભવો વર્ણવવામાં આવ્યા એ સરહાનીય છે. ફરજ દરમિયાન કોઈપણ પરિસ્થિતિને તેઓએ તેમના પર હાવી થવા દીધી નથી. આવનારી પેઢી માટે એક દિશા બતાવવાનું કામ કર્યું છે.

Screenshot 12 6 મેં સાહિત્ય તૈયાર કર્યું અને ‘અબતક’ દૈનિકે પ્રકાશિત કરતા સોનામાં સુગંધ ભળી ગઈ: એસ.બી.ગોહિલ

નિવૃત ડીવાયએસપી તથા એક પોલીસ અમલદારના અનુભવોના લેખક એસ.બી.ગોહિલે જણાવ્યું કે, મારા લખાણને સોનામાં સુગંધ ભળે તેવી રીતે અબતક સાંધ્ય દૈનિકના મેનેજિંગ તંત્રી સતિષભાઈ મહેતાએ બનાવ્યું છે. પુસ્તક વિમોચનથી આનંદની લાગણી અનુભવું છું. આ પુસ્તકમાંથી વિપરીત સંજોગોમાં તટસ્થ રહી ફરજ  નિભાવવાની પણ નવી પેઢીને પ્રેરણા મળી રહેશે. આ પુસ્તક કોઈ વ્યક્તિની વાત માત્ર નથી પણ આ એક વ્યક્તિએ તેની માનસિકતાને કઈ રીતે પરિસ્થિતિ મુજબ ચેન્જ કરવી તેના પણ અનુભવ મળશે. પ્રજાના સાથ સહકારથી જ પોલીસને સફળતા મળે છે.

આ તકે એસ. બી. ગોહિલ તેમની જૂની યાદો વાગોળતા એક કિસ્સો વર્ણવ્યો હતો કે, તેઓ જયારે લાઠી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે એક બાળકના અપહરણની ઘટના બની હતી. તાત્કાલિકન અમરેલી એસપી અજય તોમરે આ તપાસ એલસીબી-એસઓજી નહીં પણ લાઠી પોલીસને સોંપી હતી. આ દરમિયાન એસ. બી. ગોહિલ ગારિયાધાર અને દામનગરમાં પડાવ નાખ્યો હતો અને ફકત 24 કલાકમાં બાળકને હેમખેમ બચાવી આરોપીઓને ઝડપી લીધા હતા.

આ ઘટનાને વર્ષો વીત્યા બાદ ’વેદના-સંવેદના’ ધારાવાહીક પ્રસિદ્ધ થતાં સુરતથી એક અજાણ્યા નંબર પરથી એસ. બી. ગોહિલને ફોન કોલ આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, હું આ ઘટનાનો આરોપી બોલું છું. જેના પરથી ’વેદના – સંવેદના’ અને ’એક પોલીસ અમલદારના અનુભવો’ પુસ્તકની લોકપ્રિયતાનો અંદાજ મેળવી શકાય છે.

Screenshot 14 6 પોલીસની ‘વેદના-સંવેદના’ આમ સમાજની સાથોસાથ પોલીસ પરિવારે પણ સમજવી પડશે: ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા

‘અબતક’માં પ્રસિધ્ધ થયેલા પોલીસ વેદના-સંવેદના ધારાવાહિકના 292 એપિસોડ પોલીસ માટે ઉપયોગી પુસ્તક બન્યું

નિવૃત્ત ડીવાયએસપી એસ.બી.ગોહિલ લિખીત ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તકને ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ ધર્મગ્રંથ ગણાવ્યો છે. પોલીસ માટે આ પુસ્તક ગીતા સમાન છે. પોલીસ અને સમાજ માટે આ પુસ્તક ખૂબ મહત્વનું સાબિત થશે. પહેલા પોલીસ બેડામાં અનુભવ પરથી પ્રમોશન નક્કી થતા આજે ડિગ્રીનું મહત્વ વધ્યું છે. તેના આધારે પ્રમોશન નક્કી થાય છે. એસ.બી.ગોહિલ ખરા અર્થમાં ધન્યવાદના હક્કદાર છે. તેમના વિશાળ અનુભવ અને આગવી કુનેહ સાથે કરેલી કામગીરીના કારણે જ તેમને 542 એવોર્ડ મળ્યા છે.

‘અબતક’માં સૌપ્રથમ એસ.બી.ગોહિલ દ્વારા લખાયેલ 292 એપિસોડ સાથેની ધારાવાહિક ‘પોલીસની વેદના-સંવેદના’ પ્રસિધ્ધ થઇ હતી. આજે આ ધારાવાહિક ‘એક પોલીસ અમલદારના અનુભવ’ પુસ્તક બન્યું છે. જેનું ‘અબતક’ ગૌરવ અનુભવે છે. એસ.બી.ગોહિલને કાયદાનું જ્ઞાન, લખાણ ઉપરની તેમની પકડ ખૂબ જ સરાહનીય છે.

પોલીસ તહેવારો દરમિયાન પરિવારો સાથે રહી શકતી નથી ત્યારે સમાજ સારી રીતે તહેવારની ઉજવણી કરી શકે છે. જેથી પોલીસ અને તેમના પરિવારનો સમાજ હમેંશા ઋણી રહે છે. એસ.બી.ગોહિલને જ્યારે પ્રથમ વખત મળ્યા બાદ પોલીસ વિભાગ માટેની પોતાની છબી બદલાઇ ગઇ છે. આંબામાં ફળ આવે એટલે નમી જાય છે તે પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા એસ.બી.ગોહિલે પોતાના અનુભવો અદ્ભૂતપૂર્વ અવલોકન કર્યું છે. તેમના અનુભવો દરેક સમાજ સુધી પહોંચે તે માટે ‘અબતક’માં ‘પોલીસની વેદના-સંવેદના’ ધારાવાહિકના 292 એપિસોડ પ્રસિધ્ધ કરાયા હતા. જે આજે દરેક પોલીસ અને સમાજ માટે ઉપયોગી પુસ્તક બની ગયું છે.

Screenshot 13 7 પોલીસ માટે અતિ મૂલ્યવાન પુસ્તક દરેક પોલીસ મથક અને એસીપીને મોકલાશે: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

નિવૃત્ત ડીવાયએસપી એસ.બી.ગોહિલ લિખીત ‘એક પોલીસ અમલદારના અનુભવ’ના પુસ્તકમાં પોલીસ દ્વારા કંઇ રીતે કામ કરવામાં આવે છે. તે અંગેના રસપ્રદ વિગતો રજૂ કરવામાં આવી છે. હડતાલ, કોમી તોફાન, આંદોલન અને ચેલેન્જીંગ બનાવને તપાસ કંઇ રીતે કરવી તે અંગેની માહિતી સભર આ પુસ્તક હાલના પોલીસ માટે અતિ મૂલ્યવાન અને ઉપયોગી બની રહે તેમ હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું. આ પુસ્તકની 50 કોપી ખરીદ કરી શહેરના તમામ પોલીસ મથક અને તમામ એસીપીને અભ્યાસ માટે મોકલવાનું જાહેર કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.