Abtak Media Google News

રોજગાર સેવા સેતુ હેલ્પ લાઈન, અનુબંધમ પોર્ટલ, કારકિર્દી માર્ગદર્શક સેમિનારો, રોજગાર વાંચ્છુકો માટે બની સફળતાની કેડી

રાજ્યના દરેક વિદ્યાર્થી-યુવાનોને શ્રેષ્ઠ શિક્ષણ અને રોજગારી પ્રાપ્ત થાય તે માટે સરકારના હરહંમેશ સંનિષ્ઠ પ્રયાસો રહેલા છે. ઉચ્ચ શિક્ષણ બાદ યોગ્ય ક્ષેત્રમાં રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારના શ્રમ અને  રોજગાર વિભાગ  હેઠળ રોજગાર કચેરી બ્રીજનું કામ કરે છે.

રાજકોટ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી માટે માર્ગદર્શક સેમિનારો તેમજ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ અંગે માહિતી આપતા રોજગાર મદદનીશ નિયામક  ચેતન દવે જણાવે છે કે, વર્ષ 2022 એપ્રિલથી ડિસેમ્બર માસ દરમ્યાન 45 જેટલા રોજગાર ભરતી મેળાના આયોજન કરવામાં આવ્યા હતાં. જેમાં 5,501 ઉમેદવારોની વિવિધ ક્ષેત્રમાં પસંદગી થયેલી છે.

રોજગારીમાં મદદરૂપ બનવા રોજગાર કચેરીની કામગીરી હાઈટેક કરવામાં આવી હોવાનું જણાવી શ્રી દવે માહિતી આપતા જણાવે છે કે, નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચે બ્રિજ સમાન અનુબંધમ પોર્ટલ પર 2,512 જેટલા નોકરી દાતા અને 14,401 જેટલા ઉમેદવારો નોંધણી કરાવી ચુક્યા છે.

વિદ્યાર્થીઓને સૌથી વધુ મુંજવતો પ્રશ્ન એ ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે રહેલો હોય છે. શાળા/કોલેજમાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સેલિંગ મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા વર્ષ 2022માં 39 જેટલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં 4,366 જેટલા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે.

ગુજરાતના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ માત્રામાં સ્થાન મેળવે તે માટે રોજગાર કચેરી દ્વારા 30 દિવસીય ‘’સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ” કેન્દ્રમાં 90 જેટલા યુવાઓને તાલીમ પુરી પાડવામાં આવી છે. યુવાનોને નિ:શુલ્ક રહેવા – જમવાની  સુવિધા, પરીક્ષાને લગતી તાલીમ તેમજ રૂ. 3300 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જેમાં હાલમાં જ રોજગાર કચેરીના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અથવા રોજગારી કરવા માંગતા યુવાઓ માટે ” એમ્પ્લોયમેન્ટ  કેરિયર ઇન્ફોરમેશન” સેન્ટર કે જેમાં પાસપોર્ટ, વિઝા, આઈ.ઈ.એલે.ટી.એસ., ટોફેલ, જીમેટ સહિતની પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષમાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં 27 જેટલા ” એમ્પ્લોયમેન્ટ  કેરિયર સેમિનારનું આયોજન  કરવામાં આવ્યું હતું, જેમાં 2,136 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ઉમેદવારોને મદદરૂપ થવા રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન 63573 90390 નંબર ડાયલ કરવાથી એમ્પલયોમેન્ટ કાર્ડ, રોજગાર ભરતી મેળા, કેરિયર કાઉન્સેલિંગ સહિતની મદદ રોજગાર વાંચ્છુક  ઉમેદવારોને પુરી પાડવામાં આવતી હોવાનું રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.