Abtak Media Google News

ગૌરક્ષા ફક્ત કોઈ એક ધર્મની જવાબદારી નથી: હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

અબતક, પ્રયાગરાજ

અલાહાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ગાયને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને હવે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ. કેન્દ્રએ આ અંગે વિચારવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે જાવેદ નામની વ્યક્તિની અરજીને ફગાવતા હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. જાવેદ પર ગૌવંશ નિવારણ કાયદાની કલમ 3,5 અને 8 હેઠળ આરોપ લાગ્યા છે. એવામાં કોર્ટે અજીકર્તાની અરજીને ફગાવતા જણાવ્યું કે ગૌરક્ષા ફક્ત કોઇ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષાની જવાબદારી દરેકની છે. પછી તે કોઇ પણ ધર્મ સાથે સંબંધ ધરાવતો હોય.

જસ્ટીસ શેખર કુમાર યાદવે આ નિર્ણય સંભળાવતા જણાવ્યું કે સરકારને હવે ગૃહમાં એક બિલ લાવવું જોઇએ. ગાને પણ મૂળ અધિકાર મળવા જોઇએ. હવે સમય આવી ગયો છે કે ગાયને એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. જ્યારે જે પણ ગાયને હેરાન કરે છે, તેને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. જજે ભાર આપીને જણાવ્યું કે જ્યા સુધી દેશમાં ગાયોને સુરક્ષિત નહીં કરવામાં આવે, દેશની પ્રગતિ પણ અધૂરી રહી જશે.

નિર્ણય સંભળાવતી વખતે તેમણે દલીલ આપી કે ભારત જ એક એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મોના લોકો સાથે રહે છે, જ્યાં દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પૂજા કરે છે પરંતુ તેમ છતાં દરેકને દેશ માટે દ્રષ્ટિ હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી અને કહ્યું કે કેટલાક લોકો આવા ગુનાઓ કરીને દેશને નબળો પાડવાનો પ્રયાસ કરે છે. તેમના મંતવ્યો દેશના હિતમાં નથી. આથી અરજી ફગાવી દેવામાં આવે છે.

કોર્ટે તેમના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે જાવેદને જામીન આપવાથી સમાજની શાંતિ ભંગ થઈ શકે છે. જોકે આ પ્રથમ વખત નથી જ્યારે અરજીકર્તાએ આ પ્રકારનો ગુનો કર્યો હોય. પહેલા પણ ગૌવંશ હત્યાને અંજામ આપ્યો છે, જેના કારણે સમાજ પર તેની ખોટી અસર પડી છે. આ વાતને ધ્યાનમાં લેતા જામીન નથી આપી શકાતી. અરજીકર્તા ફરીથી આ ગુનો કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.