Abtak Media Google News

મંદિરમાં થયેલી તોડફોડ અંગે સરપંચે પણ પોલીસને પાઠવ્યું આવેદન; ફરિયાદ નોંધાઈ

લાલપુરના મોટી રાફુદળ ગામમાં ગઈકાલે રાત્રિ દરમ્યાન કોઈ અસામાજિક તત્વોએ બે મંદિરમાં પ્રવેશ કરી એક મૂર્તિ ખંડિત કરી નાખતા અને એક મૂર્તિની ઉઠાંતરી કરતા ભારે ઉહાપોહ મચ્યો છે. પોલીસ કાફલો દોડી ગયો છે. આ બનાવે ભારે ઉકળાટ પ્રસરાવ્યો છે.

લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર તેમજ નજીકમાં જ આવેલા બાપા સીતારામ મંદિરમાં ગઈરાત્રિ દરમ્યાન કોઈ અસામાજિક તત્વોએ પ્રવેશ કરી તોડફોડ કરતા ભાવિકોમાં ભારે રોષ પ્રસર્યો છે.

આ બંને મંદિરોમાં સવારે જ્યારે ગ્રામજનો પોતાના નિત્યક્રમ મુજબ દર્શનાર્થે પહોંચ્યા ત્યારે બજરંગદાસ બાપુની મૂર્તિ ખંડીત થયેલી જોવા મળી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પલીતો ચાંપવાના કોઈ શખ્સોએ કરેલા આ પ્રયાસમાં બજરંગદાસ બાપુનું મસ્તક તેમની મૂર્તિ પરથી ખંડિત થયેલું જણાઈ આવ્યું છે. જ્યારે આ તત્વો રાધાકૃષ્ણની મૂર્તિ જ ઉઠાવી ગયા છે.

ઉપરોક્ત બાબત વાયુવેગે પ્રસરતા મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈએ પોલીસને જાણ કરતા લાલપુરથી પીએસઆઈ ખાંભલા સહિતનો સ્ટાફ બનાવના   સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ બનાવની વિધિવત ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે હિંદુસમાજની ધાર્મિક લાગણી દુભાતા આવેદનપત્ર પાઠવવા સહિતની તજવીજ કરવામાં આવી રહી છે.

મોટી રાફુદળ ગ્રામપંચાયતના સરપંચ વિજયભાઈ હરીશભાઈ કણઝારીયાએ લાલપુર પોલીસને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જેમાં તેઓએ જણાવ્યા મુજબ છએક વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના-પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યા પછી સવાર-સાંજ આ મંદિરમાં સંખ્યાબંધ લોકો દર્શનાર્થે આવે છે. તે મંદિરમાં ગઈરાત્રે ઘુસેલા કોઈ અસામાજિક તત્ત્વોએ રાધાકૃષ્ણ મંદિરનું તાળું તોડી અંદરથી મૂર્તિ ઉઠાવી લીધી છે અને બાપા સીતારામ મંદિરમાં ઘુસી મૂર્તિનું મસ્તક તથા હાથ તોડી નાખ્યા છે. જેની આજે સવારે દર્શનાર્થે આવેલા લોકોને જાણ થતા હિન્દુ સમૂદાય દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે. ધાર્મીક લાગણી દુભાવવાના ઈરાદાથી કોઈ શખ્સોએ કરેલા આ કૃત્યને  નોંધી આરોપીઓને તાત્કાલિક પકડી પાડી સખત તપાસ થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.