Abtak Media Google News

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદી ના હિન્દી ગુજરાતી ગીતોથી ગુરુવારે સવારથી અબ્રામાગામ ગુંજી રહ્યું હતું: પ્રસંગ હતો, પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી રસમનો.

તા. 24 અને 25 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ આયોજિત દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત  મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.

આ પ્રસંગે મહેશભાઈની દીકરી(પુત્રવધુ) આયુષી મોહિત સવાણી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આમંત્રિત મહેમાનો, દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું પુસ્તક, બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું  મહેંદીની સુગંધથી પણ મઘમઘી ઉઠ્યું હતું. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 300 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ પણ દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.

મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ:  શાલીની અગ્રવાલ, (મ્યુનિસિપલ કમિશ્નર સુરત), બી.આર.પટેલ ડી.સી.પી. સુરત), દિવ્યાબેન શિરોયા (જીએસટી ઈન્સ્પેક્ટરશ્રી), ડો.સંધ્યાબેન છાસટીયા (ગાયનેકોલોજિસ્ટ), ડો.દક્ષાબેન ભાદિયાદરા (ઓપ્થાલમોલોજીસ્ટ), ડો.શીતલબેન સુહાગિયા (આરએમઓ), આદર્શગૃહિણીઓ : દિપ્તીબેન પંડ્યા, ભાવિકાબેન જોયસર, અસ્મિતાબેન રાબડીયા, હિરલબેન કાછડીયા, આશાબેન કોશિયા, ઉર્વશી બેન ધોરાજીયા, દિવ્યાબેન રૈયાણી, જલ્પાબેન રંઘોલિયા, ધિરલ બેન રાસડિયા વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.

દીકરી સાસરીયાને સ્વર્ગ બનાવે અને ઘરના સભ્યોને સ્વીકારે તે જરૂરી: મહેશ સવાણી

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી 300 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે એટલે જ આ અવસરનું નામ દીકરી જગત જનની રાખવામાં આવ્યુ છે. દીકરીઓને આદર્શ જીવનનું ભાથુ બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાથે દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે.

સાસુ -સસરા, નણંદ, દેરાણી -જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહિ, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઇ જવું ઉત્તમ છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.