Abtak Media Google News

ફરિયાદો માટે નાગરિકોએ ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી કાર્ય પધ્ધતિ વિકસાવો: સીએમ

રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એસી ઓફિસમાં બેસી રહેવાના બદલે પોતાના જિલ્લામાં આવતા ગામડાઓમાં નિયમિત પ્રવાસ ખેડી લોકો સાથે સંપર્ક કેળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતની શાસન ધુરા બીજીવાર સંભાળ્યા બાદ ગઇકાલે પ્રથમવાર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 2961 ફરિયાદો પૈકી 2546 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટીતંત્રના અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે નાનામાં નાના માનવી, સામાન્ય માણસને પોતાની રજુઆત, સમસ્યાના સમાધાન માટે રાજ્ય કક્ષાએ આવવું જ ન પડે તેવી પરિણામકારી કાર્યપદ્ધતિ જિલ્લા સ્તરે જ તેઓ વિકસાવે.ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે બીજીવાર શાસન સેવા દાયિત્વ સંભાળ્યા બાદ નવી સરકારના પ્રથમ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજુઆતોના સંદર્ભમાં આ નિર્દેશ આપ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની કચેરીઓમાં પ્રજાને પોતાની રજુઆતોમાં કોઇ અગવડતા ન પડે અને સમસ્યાનું યોગ્ય નિવારણ થશે જ તેવો વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કલેકટર તંત્રમાં પ્રભાવક રીતે ઊભી થવી જોઇએ. એટલું જ નહિ, જિલ્લા કલેકટરો ગામોની મુલાકાત લઇ લોકસંપર્ક કેળવે તેવી હિમાયત તેમણે કરી હતી.

સ્વાગત કાર્યક્રમમાં ડિસેમ્બર મહિના દરમ્યાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગત મળીને કુલ ર961 જેટલી વિવિધ રજુઆતો મળી છે, તેમાંથી રપ46 જેટલી રજુઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. મુખ્યમંત્રી સ્વયં આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહી રજુઆત કર્તાઓની રજુઆતો સાંભળે છે અને તેના યોગ્ય નિવારણ માટેના સૂઝાવો-સૂચનો સંબંધિત તંત્રવાહકોને આપે છે.

મુખ્યમંત્રી સમક્ષ આજે રાજ્ય સ્વાગતમાં વિવિધ જિલ્લાઓના 9 જેટલા નાગરિકોની રજુઆતો આવી હતી. તેમણે આ રજુઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળીને સંબંધિત જિલ્લા તંત્રવાહકોને સત્વરે યોગ્ય કરવા અને તેની જાણ મુખ્યમંત્રી કાર્યાલયને કરવા પણ સૂચન કર્યુ હતું. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ થયેલા પ્રશ્નો-રજુઆતો સંદર્ભની પૂરક વિગતો સાથે ગૃહ, ઊર્જા, મહેસૂલ, સિંચાઇ વગેરે વિભાગોના અધિક મુખ્ય સચિવો, સચિવો અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.