Abtak Media Google News

જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા

સિવિલ સર્વિસની પરીક્ષાઓની તાલીમ માટે રાજયનું સૌપ્રથમ સીસીડીસી, યુપીએસસી ભવન કાર્યરત થશે: ૨૯મીએ મુખ્યમંત્રીનાં હસ્તે ઉદઘાટન

ભારત દેશમાં સૌથી અગત્યની અને મહત્વની ગણાતી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ માટે દેશમાંથી તાલીમ માટે યુવાનો દિલ્હી જતા હતા. ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં અનેરું કૌવત છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિદ્યાર્થીઓને સિવિસ સર્વિસની પરીક્ષાઓની તાલીમ માટે દિલ્હી જવું ન પડે તેવા સુભાશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં માર્ગદર્શન હેઠળ સીસીડીસી-યુપીએસસી ભવન કાર્યરત થવા જઈ રહ્યું છે. આ ભવનને કાર્યરત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સાયન્સ ફેકલ્ટીનાં ડીન અને સિન્ડીકેટ સભ્યો ડો.મેહુલ રૂપાણી જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભવનમાં કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને આઈએએસ અને આઈપીએસની તાલીમ અપાશે. આ તાલીમમાં આવનારા એકસપર્ટનો આર્થિક ખર્ચ જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઉપાડવામાં આવશે. તાલીમ લેનાર તમામ યુવાનોની જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનનાં ફાઉન્ડર મહારાજ નયપદમ સાગરજી મહારાજ અને મહાસતીજી મયણાશ્રીજીએ આશીર્વાદ આપેલ છે. આ ભવનનું ઉદઘાટન કરવા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવનાર છે.

Img 20190916 Wa0006 1

સીસીડીસી, યુપીએસસીનાં કો-ઓર્ડીનેટર ડો.મેહુલભાઈ રૂપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષાની તાલીમ માટે દિલ્હી સુધી ન જવું પડે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનનાં સંયુકત ઉપક્રમે સીસીડીસી-યુપીએસસી કાર્યરત થવા જઈ રહ્યું છે. યુપીએસસી તાલીમ ભવનમાં ૨૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અને વિનામુલ્યે તાલીમ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ ૧૭મીથી ઓનલાઈન પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. ૩૦મીએ તેમની પ્રવેશ પરીક્ષા યોજાશે અને તેમાં પાસ થનાર ઉમેદવારને તાલીમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. સીસીડીસી-યુપીએસસી તાલીમ ભવનમાં દિલ્હીનાં નિષ્ણાંતો દ્વારા તાલીમ અપાશે. આ ભવનમાં રીડીંગ મટીરીયલ સાથેની અદ્યતન લાયબ્રેરી, ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા તાલીમ, એરીયા ગ્રુપ ડીસ્કશન માટે અલગ રૂમની વ્યવસ્થા સહિતની અલાયદી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરને સફળ બનાવવા ચેરપર્સન ડો.નિતીન પેથાણી, ડો.વિજય દેસાણી, કો-ઓર્ડીનેટર ડો.મેહુલ રૂપાણી, નિલેશ સોની, સભ્ય ડો.નિકેશ શાહ સહિત ૨૦ સભ્યોની ટીમ કાર્યરત છે.

વિદ્યાર્થીઓને ૧૬ કલાકની તાલીમ અપાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આઈએએસ અને આઈપીએસ ટ્રેનીંગ સેન્ટરોમાં ૨૦૦ વિદ્યાર્થીઓને ૮ કલાક ટીચીંગ અને ૮ કલાક લાયબ્રેરીમાં લીડીંગ એમ ૧૬ કલાકની તાલીમ આપવામાં આવશે અને સાથોસાથ તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા સાથે ફેસેલીટી પુરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.