Abtak Media Google News

ચૂંટણી નજીક આવતા રાજકિય પક્ષોની વચનોની લ્હાણી

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ વચનોની લહાણીઓ શરૂ કરી દીધી છે. સત્તા મળશે તો કોંગ્રેસે બેરોજગારોને ભથ્થુ આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે આ વચન શિક્ષીત બેરોજગારોને ધ્યાનમાં રાખી આપ્યું છે.

જયાં સુધી શિક્ષીત બેરોજગારને નોકરી ન મળે ત્યાં સુધી ધો.૧૨ પાસને રૂ.૩ હજાર, ગ્રેજયુએટને રૂ.૩૫૦૦ અને પોસ્ટ ગ્રેજયુએટની ડિગ્રી ધરાવનારને રૂ.૩૫૦૦નું ભથ્થુ અપાશે. યુવાનોને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સ્માર્ટ ફોન આપવા અને લઘુ સ્વરોજગાર માટે ઓછા વ્યાજે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રોજગારી આપતા વચનને પૂર્ણ કરવા માટે ૧૪મી સપ્ટેમ્બરથી રાજ્યના તમામ મહાનગરો, જિલ્લા મથકોએ પાંચ દિવસ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાશે. આ સિવાય ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે ફોર્મ વિતરણ અને ટોલ ફ્રી નંબરની સુવિધા શરૂ કરાશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રભારી અશોક ગેહલોત, કેમ્પેઈન કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓની હાજરીમાં નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત આ જાહેરાત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર સત્તામાં આવતાની સાથે જ રાજ્યના ૪૦ લાખ શિક્ષિત બેરોજગારોને પૂરા પગારથી રોજગારી આપવા અને ભાજપ સરકારની યુવાનોનું શોષણ કરતી ફિક્સ પગાર, આઉટ સોર્સિંગથી ભરતીની પ્રથા બંધ કરી તેના સ્થાને સરકારી, અર્ધ સરકારી એવા બોર્ડ-નિગમો, કોર્પોરેશનોમાં ભરતી કરવા અને ખાનગીક્ષેત્રની નોકરીમાં ૮૦ ટકા સ્થાનિકોની ભરતી સહિતના નિયમોનું કડક પાલન કરાવશે. રાજ્યમાં ૨૦૧૧માં બેકારીનો દર ૩.૮ ટકા હતો તે વધીને અત્યારે ૫ ટકા થયો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, ભાજપની મૂડીપતિ તરફી અને લઘુ-મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિને કારણે અત્યારસુધીના વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૭૬ લાખ કરોડના ભાજપના દાવા પોકળ સાબિત થયા છે અને રોજગારીનો દર ચિંતાજનક રીતે ઘટ્યો છે.

કોંગી નેતાઓએ કહ્યું કે, કોંગ્રેસે પ્રજાને માલિક બનાવ્યા હતા પરંતુ ભાજપ સરકારે મૂડીપતિઓને માલિક બનાવવાની નીતિ અપનાવીને શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોનું વેપારીકરણ કરવાને કારણે ઉચ્ચ ડિગ્રી મેળવનારો યુવાન બેરોજગાર બનીને ભટકી રહ્યો છે. કોંગ્રેસની જાહેરાત ચૂંટણીલક્ષી નહીં પરંતુ યુવાનોને રોજગાર આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ૧૪થી ૨૩મી સુધી આઠ મહાનગરો, ૩૩ જિલ્લા, ૧૮૨ વિધાનસભા મતવિસ્તારમાં ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા ઊભી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.