Abtak Media Google News

ગરવા ગિરનારની ગોદમાં પૂ.પદ્મદર્શન વિજય મ.સા. સંગોષ્ઠિનું આયોજન

ગૌરવવંતા ગઢ ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પુનિત નિશ્રામાં વિચાર સંગોષ્ઠિનું આયોજન થયું હતું. જેમાં સુરત વેસુના યુવાનો જોડાયા હતાં. આ અપૂર્વ અવસરે પૂ.પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે શરમ, સંવેદનશીલતા અને સદ્ગુણોની સામ્પ્રત સમયમાં સ્મશાન યાત્રા નીકળી રહી છે. સંપતિ સચવાવી જોઇએ એ વાત મગજમાં જેટલી બેઠી છે.

એટલી શરમ સચવાવી જોઇએ એ વાત મગજમાં બેસતી નથી. સ્વાસ્થ્યમાં કડાકો ન જ બોલાવો જોઇએ એ વાત હૈયામાં જેટલી જડબેસલાક ગોઠવાઇ એ વાત હજુ બેસતી નથી. સંબંધોમાં તિરાડ ન પડવી જોઇએ એ વાત જેટલી હૃદ્યસ્થ થઇ નથી તે આપણું પરમ દુર્ભાગ્ય ગણાય. મોટાભાગના વર્ગને સંપત્તિ, સ્વાસ્થ્ય અને સંબંધની જેટલી પડી છે એના લાખમા ભાગની પણ શરમ, સંવેદનશીલતા અને સદ્ગુણોની પડી નથી.

જે ઘરમાં પતિ ખૂદ મોડી રાત સુધી ક્લબોમાં રખડતો હોય એ ઘરમાં પત્ની પોતાનાં બાળકો સાથે બેસીને સંસ્કારોની વાતો કરતી હોય એવી આશા રાખતા નહીં. જે ઘરમાં દીકરા-દીકરીનાં સ્વચ્છંદ-વિલાસી વર્તનને મા-બાપે ખુદે સ્વીકારી લીધું હોય એ ઘરમાં પરિવારના સભ્યો સાથે બેસીને શીસ્ત-સદાચાર-સંસ્કારની વાતો કરી રહ્યા હોય એ દ્રશ્યની તો કલ્પના જ કરતા નહીં. બીજાની ઉપસ્થિતિનો ખ્યાલ રાખીને પોતાના વર્તન પર વિવેકનું નિયંત્રણ રાખવું એને શરમ કહેવાય. શરમ જો તમારી સલામત હશે તો સંવેદનશીલતા અને સદ્ગુણોની મૂડી પણ સુરક્ષિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.