Abtak Media Google News

ભારતીય અર્થતંત્રને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવાની મંઝીલમાં કોરોના મહામારી નાના ગાબડા સમાન

કોરોના વાયરસના કારણે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનમાં ઉત્પાદન અને વેંચાણ માટેની ચેઈન સુસ્ત જણાય છે. ઉત્પાદન તદન ઘટી ગયું છે. બીજી તરફ જીવન જરૂરી વસ્તુઓ સીવાયની વેંચાણ કે સપ્લાયની ચેઈન તૂટી ચૂકી છે. આવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રને મોટાપાયે નુકશાન જતું હોવાનું સામે આવે છે પરંતુ આગામી મે મહિનામાં જો ઉત્પાદન સપ્લાય અને વેંચાણની ચેઈન અગાઉની જેમ જળવાઈ રહેશે તો અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર વધુ ઝડપથી ગતિ કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

વર્તમાન સમયે સરકારે મનરેગા યોજના થકી જરૂરીયાતમંદ લોકોને નિર્વાહ માટે રકમ પૂરી પાડી છે. જો કે, હાલ ભારતીય જીડીપીનો ગ્રોથ ૨.૩ ટકા સુધી ઘટી જાય તેવી ધારણા સેવાઈ રહી છે. ભારતીય અર્થતંત્રમાં ઉત્પાદન અને સપ્લાયની ચેઈન સૌથી અગત્યનો ભાગ ભજવે છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ ઉત્પાદન એકદમ બંધ હોય તેવું છે અને બીજી તરફ સપ્લાયની ચેઈન પણ તૂટી ચૂકી છે. અલબત લોકડાઉન ઉઠી જશે ત્યારબાદ ફરીથી ઉત્પાદન ધમધમવા લાગશે અને માલ લોકો સુધી પહોંચશે. જેથી અર્થતંત્ર  ફરીથી શ્ર્વાસ લેતુ થશે તેવું ફલીત થાય છે.

પ્રારંભીક તબક્કે ભારતીય જીડીપીમાંથી ખુબજ ઓછી ટકાવારી આરોગ્ય પાછળ ખર્ચાતી હતી. ત્યારબાદ આ આરોગ્ય પાછળ કરવામાં આવતો ખર્ચ ઘટી ગયો હતો.  હવે કોરોના જેવી મહામારીની સ્થિતિ સામે આવ્યા બાદ આગામી સમયમાં આરોગ્ય પાછળ ફાળવાતા નાણાનું પ્રમાણ વધશે તેવું જણાય રહ્યું છે. આંકડા પરથી ફલીત થાય છે કે, અમેરિકાએ કોરોના સામે લડવા ૧૧૭ બીલીયન ડોલરની ફાળવણી કરી છે. ઈટલી જેવા દેશો પણ ધરખમ ખર્ચ કરી રહ્યાં છે. જો કે, ભારતમાં પરિસ્થિતિઓ અલગ છે. આગામી સમયમાં ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનવાનો લાંબો માર્ગ કાપવાનો છે. કોરોના મહામારી આ લાંબા માર્ગમાં ગંભીર અડચણ સમાન સાબીત થઈ રહી છે. અલબત આ અડચણ થોડા સમય પુરતી જ છે. ત્યારબાદ ભારતીય અર્થતંત્ર લાંબી છલાંગ લગાવશે.

ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા લઘુ-મધ્યમ ઉદ્યોગોને અપાશે ‘બજાર’

ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિશાળ માર્કેટ મળી રહે અને તેવા હેતુથી ઈ-માર્કેટ પ્લેસમાં નોંધણી કરાવવા માટે એમએસએમઈ મંત્રાલય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોને બજારમાં ઝડપથી ઉતારવા માટે નોંધણી કરવાનું સુચન થયું હતું. મેડિકલને લગતી આઈટમો જેવી કે, વેન્ટિલેટર, હેન્ડરબ (આલ્કોહોલ આધારીત), ફેસસીલ્ડ, એન-૯૫ માસ્ક, સીંગલ યુઝ હાથના મોજા, આઈ પ્રોટેકશન, વ્હીલચેર, સેમ્પલ કલેકશન કીટ, ટ્રેચર, થર્મલ સ્કેનર, યુવી ટયુબલાઈટ, ઓક્સિઝન સીલીન્ડર, આઈસીયુ બેડ્સ, રબ્બરના મોજા, મેડિકલ માસ્ક સહિતની ૩૯ વસ્તુઓનું ઉત્પાદન તેમજ સપ્લાય કરનારને સરકારના ઈ-માર્કેટ પ્લેસમાં નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાબુ, ખુરશી, ટેબલ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, મીણબતી, દર્દીઓ માટેના આઈડી, વોલેન્ટરી માટેના આઈડી, ફલાયર્સ, વ્હાઈટ બોર્ડ, પીવાનું પાણી, ઈ-ટોઈલેટ, ટુલ્સ સેટ, બેડસીટ, ઓશિકા, ઓશિકાના કવર, રૂમાલ, બ્લેનકેટ, ઈમરજન્સી લેમ્પ, સ્ટીલની પ્લેટ, ગ્લાસ, ચમચીઓ, જગ, પેન, સ્ટેપલર, રેફ્રીજરેટર, ઈન્ટરનેટ એકસેસ, પેન, પેપર સહિતની ૬૨ વસ્તુઓના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા એકમો પણ ઈ-માર્કેટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.