Abtak Media Google News

શ્રાવણ પૂરો થયા સુધીમાં મેઘરાજા વરસશે?

જુલાઈમાં ભારે વરસાદ બાદ ઑગસ્ટમાં રાજ્યના સરેરાશ એક જ ઈંચ વરસાદથી ખેડૂતો ચિંતિત: સપ્ટેમ્બરના મધ્યમાં પણ ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા ઓછી

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદની કમી વર્તાઈ રહી છે અને છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી. જુલાઈમાં ભારે વરસાદ બાદ ઑગસ્ટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.જો કે હવે શ્રાવણ પૂરો થયા સુધીમાં મેઘરાજા વરસશે કે કેમ તેના પર સૌ કોઈની મીટ છે. જો કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી વરસાદ નહિ પડે તો પાણીની ખેંચ ઉભી થશે તેમ લાગી રહ્યું છે. ખેડૂતો માટે પણ હાલ વરસાદ પડે તે અતિ આવશ્યક બન્યું છે કેમ કે જો વરસાદ બે અઠવાડિયામાં નહિ વરશે તો પાકને પણ નુકશાન થવાની ભીતિ છે. શ્રાવણના સરવડા હવે વરસશે કે કેમ તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે.

રાજ્યમાં જૂન મહિનામાં જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે ખૂબ સારો ગયો અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો હતો. આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં જ અલ નીનોની અસરની શક્યતા જણાઈ રહી હતી અને હવે એની અસર શરૂ થઈ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.

જૂન મહિનાથી શરૂ થતા ચોમાસાના ચાર મહિનામાં લગભગ ત્રણ મહિના તો જતા રહ્યા છે અને સપ્ટેમ્બર એક જ મહિનો હવે બાકી રહ્યો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર બાદનો વરસાદ ખેડૂતોના તૈયાર થયેલા ચોમાસુ પાક માટે નુકસાનકારક નિવડતો હોય છે.સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદમાં કોઈ વધારો થવાની શક્યતા દેખાતી નથી. કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ સિવાય નવો રાઉન્ડ આવવાની શક્યતા દેખાઈ રહી નથી.ગુજરાતના ખેડૂતો માટે આવનારા દિવસો હજી પણ કપરા રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો પાછતરો વરસાદ નહીં થાય તો રવિ પાક પર પણ તેની અસર થશે.

બે અઠવાડિયામાં વરસાદ વરશે તો પાક માટે ખુબ ફાયદાકારક: જી.આર.ગોહિલ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞ જી.આર.ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસાનો શરૂઆતનો રાઉંન્ડ ખુબ જ સારો ગયા પછી ઓગષ્ટમાં વરસાદ વરશ્યો જ નથી. ત્યારે તેની સીધી અસર મગફળી સહિતના પાકોમાં થઇ છે. જૂન મહિના પહેલા જેને વાવણી કરી છે તેવા ખેડૂતોને વધુ નુકશાન થવાની શક્યતા ઓછી છે. જો કે વરસાદનું પાણી અને કુવાનું પાણી બન્નેમાં ફેર હોય છે એટલે અત્યાર સુધી જે નુકશાની થઇ છે તે થઇ જ છે  જો કે હજુ બે અઠવાડિયામાં વરસાદ વરશે તો ખેડૂતો માટે ફાયદાકારક છે અને પાકના ઉત્પાદનમાં પણ વધારો થશે.

કચ્છના દૂધઈમાં 3.2ની તિવ્રતાનો આંચકો

રાજ્યમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે આજે મોડી રાતે 12:18 કલાકે કચ્છના દુધઇથી 6 કિમી દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું, જો કે આ આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.