Abtak Media Google News

મહામુલુ ૧૨ લાખ લીટર પાણી લીલુછમ

૧ કરોડનું કામ બાકી: ચૂંટણી બાદ વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાશે: સ્વિમિંગ પુલ ચાલુ થતાં જ પાણી ફિલ્ટર કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્વિમીંગપુલ ખંઢેર ન બને તે માટે યુનિવર્સિટી દ્વારા સ્વિમીંગપુલમાં ૯૬ ટેન્કર પાણી નાખવામાં આવ્યું હતું એટલે કે અંદાજે ૧૧.૫૨ લાખ લીટર પાણી સ્વિમીંગપુલના રક્ષણ માટે નાખવામાં આવ્યું હતું જોકે હજુ સ્વિમીંગપુલનું ૧ કરોડનું બાકી હોય ત્યારે અગાઉથી તે પાણી નાખવામાં આવ્યું છે જેને લઈને સ્વિમીંગ પુલની હાલત બિસ્માર બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમીંગપુલમાં સેવાળનું જાણે સામ્રાજય હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના સમયગાળા દરમિયાન યુનિવર્સિટીમાં સ્વિમીંગપુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બે સ્વિમીંગ પુલ અને શુટીંગ રેન્જના નિર્માણ માટે રૂ.૭.૮૦ કરોડનો વર્ક ઓર્ડર તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે સ્ટ્રકચરર એન્જીનીયરે ઓલ્મ્પિક કક્ષાની ડિઝાઈન તૈયાર કરવા માટે વધુ રૂ.૨.૮૧ કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો.

૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્વિમીંગપુલમાં હજુ ૧ કરોડ જેટલું કામ બાકી છે ત્યારે ઉનાળામાં સ્વિમીંગપુલની લાદીમાં કોઈ નુકસાન ન થાય તે માટે ૧૨ લાખ લીટર જેટલું પાણી નાખવામાં આવ્યું છે. જોકે આ પાણીમાં પણ સેવાળના થર જામી ગયા છે. તાત્કાલિકપણે આ સ્વિમીંગપુલનું કામ શરૂ થાય અને તેમાં પાણી ફિલ્ટર નિયમિત થયા રાખે તેની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમીંગપુલ અને શુટીંગ રેન્જનું કામ અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું. હવે માત્ર ૧૦ ટકા જેટલું કામ બાકી હોય ચુંટણી પત્યા બાદ તુરંત જ આ કામની મંજુરી આપી દેવાશે અને વિદ્યાર્થીઓ માટે સ્વિમીંગપુલ ધમધમતો થશે.

અંદરના સ્વિમીંગપુલમાં વિદ્યાર્થીઓ તરતા શીખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમીંગપુલમાં પાણી કયાંથી આવશે તે મોટો પ્રશ્ન છે. તેના પ્રતિઉતરમાં કુલપતિએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે બોરમાં પાણીની પુરતી વ્યવસ્થા છે અને સંપૂર્ણપણે સ્વિમીંગપુલ તૈયાર થયા બાદ પુરતા પાણીથી સ્વિમીંગ પુલને ભરી દેવામાં આવશે. સાથો સાથ ૧૦ મીટરનું શુટીંગ રેન્જ પણ ધમધમતું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.