Abtak Media Google News

દેશભરમાં હિંસા ફાટી નીકળી, 6 લોકોના મોત : રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ, લાહોરમાં ગવર્નર હાઉસ સળગાવી દેવાયુ : દેશભરમાં ઈન્ટરનેટ બંધ કરાયું, શાળાઓમાં રજા જાહેર કરી દેવાય

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ જાણે ગૃહયુદ્ધ શરૂ થયું હોય તેવો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનમાં ઠેર ઠેર હિંસા ફેંલાઈ છે. જેને પગલે 6 લોકોના મોત થયા છે. બીજી તરફ સરકારે દેશભરમાં ઈન્ટરનેટ બંધ કર્યું છે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોતના સમાચાર છે. કાર્યકરોએ મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. લાહોરમાં ગવર્નર હાઉસ સળગાવી દેવામાં આવ્યું. કરાચીના કેન્ટ વિસ્તારમાં હુમલો થયો હતો.

સેનાએ અલ કાદિર યુનિવર્સિટી કૌભાંડ કેસમાં મંગળવારે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર ઈમરાન આગામી 4-5 દિવસ સુધી તપાસ એજન્સી એનએબીની કસ્ટડીમાં રહેશે. તેના પર અબજો રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગનો આરોપ છે. ઈમરાન બે કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં પાકિસ્તાન રેન્જર્સે તેની ધરપકડ કરી હતી.

પીટીઆઈ સમર્થકોએ મોડી રાત્રે લાહોરમાં આર્મી કમાન્ડરના ઘરને આગ ચાંપી દીધી હતી. ઘણા વધુ સૈન્ય અધિકારીઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો. હિંસાને જોતા દેશભરની ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. પેશાવરમાં 30 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું છે કે પાર્ટી ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પીટીઆઈ નેતા કાસિમ સૂરીએ દાવો કર્યો છે કે ક્વેટામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના એક કાર્યકરનું મોત થયું છે.ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે 5 અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે 43 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.