Abtak Media Google News

રાજકોટનો વિસ્તાર અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે જળાશયો યથાવત હોવાના કારણે ચોમાસાની સિઝનમાં ડેમ ઓવરફ્લો થયા બાદ માત્ર ત્રણ મહિના જ કોર્પોરેશન પાણી પ્રશ્ર્ને આત્મનિર્ભર રહે છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમ આગામી 15મી નવેમ્બરે ડૂકી જશે. આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત 2400 એમસીએફટી પાણી ઠાલવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં મેયર નયનાબેન પેઢડિયાએ પણ સરકારમાં પત્ર લખી નર્મદાના નીરની માંગણી કરી છે.

15 નવેમ્બરથી આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાનું શરૂ કરવા લખ્યો પત્ર

આજી ડેમમાં હાલ 640 એમસીએફટી પાણી છે. દૈનિક 142 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. 15 નવેમ્બરે આજીમાંથી જરૂરિયાત મુજબનું પાણી ઉપાડી શકાય તેમ નથી. જ્યારે ન્યારી-1 ડેમની સ્થિતિ થોડી સારી છે. ડેમમાં 1117 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 31 માર્ચ-2024 સુધી ચાલે તેમ છે. જ્યારે ભાદરમાં 6031 પાણી સંગ્રહિત છે. જે 31 ઓગષ્ટ, 2024 સુધી સાથ આપશે. 15 નવેમ્બર બાદ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે આજી ડેમમાં 1800 એમસીએફટી પાણીનો જથ્થો ઠાલવવાનું શરૂ કરવા અને બીજા તબક્કામાં ન્યારી-1 ડેમમાં 600 એમસીએફટી પાણીનો જથ્થો ઠાલવવા માટે મેયર નયનાબેન પેઢડિયા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.