Abtak Media Google News

‘ડિજિટલ ઈન્ડિયા’નું સપનું સાકાર કરવા ‘ભારત નેટ’ યોજનાએ રફતાર પકડી: ગામડાંઓમાં એક વર્ષમાં નવા 13 લાખ વાઈ-ફાઈ યુઝર્સ ઉમેરાયા

આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર ખૂબ વધ્યો છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતા ઇન્ટરનેટનો ઉપયોગ પણ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સમયની માંગને ધ્યાનમાં રાખી ભારતના શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને પણ ડિજિટલ બનાવવા મોદી સરકારે કમર કસી  છે. જે અંતર્ગત મહત્વના કહી શકાય એવા ભારત નેટ પ્રોજેક્ટની શરૂઆત થઇ હતી.

આ પ્રોજેક્ટ હાલ રંગ લાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતની અંદાજે એક લાખ જેટલી પંચાયતો ઇન્ટરનેટ કનેક્શનથી સજ્જ બની છે. જે પરિણામ સ્વરૂપ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ડેટા માઈનિંગ એટલે કે ડેટા વપરાશમાં 400 ટકાનો વધારો થયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ અને ફાઇબર-ટુ-હોમ (એફટીએચ) કનેક્શન આપવાની સરકારની પહેલથી 13 લાખથી વધુ વાઇ-ફાઇ નોંધાયેલા વપરાશકર્તાઓ ઉમેરાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 20 લાખથી વધુ ઘરગથ્થુ ગ્રાહકોને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શનનો લાભ મળશે. ભારત નેટ ઓપ્ટિકલ ફાઈબર મારફતે ડેટા વપરાશ – લગભગ 1,00,000 પંચાયતોમાં સરકારના સામાન્ય સેવા કેન્દ્રો (CSCs) દ્વારા સંચાલિત અને જાળવવામાં આવે છે – જે ડેટા જૂન માસ સુધીમાં 13,000 ટેરાબાઈટ (TB)ને વટાવી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે 2020માં 6,000 TB અને જુલાઈ 2019માં 300-400 TB થી વધારો થયો છે.

CSC ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારતનેટના પ્રથમ તબક્કા હેઠળ 1,15,000 પંચાયતોને જોડવાની હતી, જેમાંથી CSCsએ ઓપરેશન અને મેઇન્ટેનન્સ એજન્સી તરીકે કાર્યભાર સંભાળ્યાના એક વર્ષમાં 98,000 પંચાયતોને ભારતનેટ ફાઇબર સાથે સફળતાપૂર્વક જોડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.