Abtak Media Google News

મંગળવારે રાજયની લોકસભાની ૨૬ અને વિધાનસભાની ૪ બેઠકો માટે મતદાન: મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર: ૨૬ બેઠકો માટે ૩૭૧ ઉમેદવારો મેદાનમાં

ત્રીજા તબકકામાં ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે મતદાન

લોકસભાની ચુંટણીના ત્રીજા તબકકામાં આગામી ૨૩મી એપ્રીલના રોજ ગુજરાતની ૨૬ સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે આવતીકાલે રવિવારે સાંજે ૬ કલાકથી રાજયભરમાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો નાણાની કોથળીઓ ખુલ્લી મુકી દેશે. મંગળવારે રાજયની લોકસભાની ૨૬ ઉપરાંત વિધાનસભાની ૪ બેઠકો માટે પેટાચુંટણીનું મતદાન યોજાશે. તમામ બેઠકો પર મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે. અમુક બેઠકો પર ત્રિપાંખીયો જંગ હોય તેવું લાગી રહ્યું છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ગુજરાતમાં ભાજપે ઈતિહાસ રચતા તમામ ૨૬ બેઠકો પર તોતીંગ લીડ સાથે જીત હાંસલ કરી હતી. આ વખતે પરીણામનું પુનરાવર્તન કરવું ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે. ૨૬ માંથી ૬ બેઠકો ભાજપના હાથમાંથી સરકી હોવાનું તમામ સર્વેમાં બહાર આવ્યું છે. આગામી ૨૩મી એપ્રીલના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી સળંગ મતદાન યોજાશે. ચુંટણીપંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાનાં ૪૮ કલાક અગાઉ ચુંટણી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે.

જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે સાંજે ૬ વાગ્યાથી રાજયભરમાં પ્રચારના ભુંગળા શાંત થઈ જશે અને મંગળવારે સવારથી સાંજ સુધી મતદાન યોજાશે ત્યારબાદ એક મહિના પછી એટલે કે ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકસભાની ચુંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં આસામની ૪ બેઠક, બિહારની ૫ બેઠક, છતિસગઢની ૫ બેઠક, ગુજરાતની ૨૬ બેઠક, ગોવાની ૨ બેઠક, જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક, કર્ણાટકની ૧૪ બેઠક, કેરલની ૨૦ બેઠક, મહારાષ્ટ્રની ૧૪ બેઠક, ઓડીસાની ૬ બેઠક, યુપીની ૧૦ બેઠક, પશ્ર્ચિમ બંગાળની ૫ બેઠક, દાદરા અને નગર હવેલીની ૧ બેઠક જયારે દમણ અને દીવની ૧ બેઠક સહિત કુલ ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે ચુંટણી યોજાશે. અગાઉ પ્રથમ તબકકાના મતદાનમાં ૧૧મી એપ્રીલના રોજ ૨૦ રાજયની ૯૧ બેઠકો માટે અને બીજા તબકકાના મતદાનમાં ૧૮મી એપ્રીલે ૧૩ રાજયની ૯૭ બેઠક માટે મતદાન યોજાઈ ગયું છે.

ગુજરાતની ૨૬ બેઠકો પર નજર કરવામાં આવે તો કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી, બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના પર્થીભાઈ ભટોળ, પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશ ઠાકોર, મહેસાણા બેઠક પર ભાજપના શારદાબેન પટેલ અને કોંગ્રેસના એ.જે.પટેલ, સાબરકાંઠા બેઠક પર ભાજપના દીપસિંહ રાઠોડ અને કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર, ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના સી.જે.ચાવડા, અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના એચ.એસ.પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો.કિરીટ સોલંકી અને કોંગ્રેસનાં રાજુભાઈ પરમાર, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ડો.મહેન્દ્ર મુંજપરા અને કોંગ્રેસના સોમા ગાંડા પટેલ, રાજકોટ બેઠક ભાજપના મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના લલિતભાઈ કગથરા, પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઈ ધડુક અને કોંગ્રેસના લલિતભાઈ વસોયા, જામનગર બેઠક પર ભાજપના પુનમબેન માડમ અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા, જુનાગઢ બેઠક પર ભાજપના રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસના પુંજાભાઈ વંશ, અમરેલી બેઠક પર ભાજપના નારણભાઈ કાછડીયા અને કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી, ભાવનગર બેઠક પર ભાજપના ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસનાં મનહર પટેલ, આણંદ બેઠક પર ભાજપનાં મિતેશ પટેલ અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, ખેડા બેઠક પર ભાજપનાં દેવુશી ચૌહાણ અને કોંગ્રેસનાં વિમલભાઈ શાહ, પંચમહાલ બેઠક પર ભાજપનાં રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસનાં વી.કે.ખાંટ, દાહોદ બેઠક પર ભાજપનાં જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસનાં બાબુભાઈ કટારા, વડોદરા બેઠક પર ભાજપનાં રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસનાં પ્રશાંતભાઈ પટેલ, છોટા ઉદેપુર બેઠક પર ભાજપનાં ગીતાબેન રાઠવા અને કોંગ્રેસનાં રણજીતસિંહ રાઠવા, ભરૂચ બેઠક પર ભાજપનાં મનસુખભાઈ વસાવા અને કોંગ્રેસનાં શેરખાન પઠાણ, બારડોલી બેઠક પર ભાજપનાં પ્રભુ વસાવા અને કોંગ્રેસનાં વસાવા, સુરત બેઠક પર ભાજપનાં દર્શનાબેન જરદોશ અને કોંગ્રેસના અશોકભાઈ અધેવાડા, નવસારી બેઠક પર ભાજપનાં સી.આર.પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ જયારે વલસાડ બેઠક પર ભાજપનાં ડો.કે.સી.પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી વચ્ચે ટકકર છે. રાજયની લોકસભાની ૨૬ બેઠકો પર કુલ ૩૭૧ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે.

લોકસભાની ૨૬ બેઠકો ઉપરાંત અલગ-અલગ કારણોસર ખાલી પડેલી વિધાનસભાની ૪ બેઠકો માટે પણ મંગળવારે મતદાન યોજાવાનું છે. જેમાં ઉંઝા વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર આશાબેન પટેલ અને કોંગ્રેસનાં ઉમેદવાર કાંતીભાઈ પટેલ, ધ્રાંગધ્રા બેઠક પર ભાજપનાં પરસોતમભાઈ સાબરીયા અને કોંગ્રેસનાં દિનેશભાઈ પટેલ, જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપનાં રાઘવજીભાઈ પટેલ તથા કોંગ્રેસના જેન્તીભાઈ સભાયા જયારે માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર જવાહરભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી વચ્ચે જંગ છે. અહીં એનસીપીના ઉમેદવાર તરીકે રેશ્મા પટેલ પણ વિધાનસભાની પેટાચુંટણી લડી રહ્યા હોય માણાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ હોવાનું મનાઈ રહ્યું છે.

આગામી ૨૩મી એપ્રીલના રોજ ત્રીજા તબકકામાં ગુજરાતની ૨૬ સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે યોજાનારા મતદાનમાં કાલે સાંજે ૬:૦૦ વાગ્યાથી પ્રચાર-પડઘમ શાંત થઈ જશે ત્યારબાદ બંધ બારણે બેઠકોનો દૌર શરૂ થશે. મતદાનના અંતિમ દિવસોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ અને કોંગ્રેસના સહિતનાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી દેશે.

કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતમાં

પાટણ,મહેસાણા અને બનાસકાંઠામાં ચુંટણીસભા સંબોધશે

India Economy Transport 0F0Cd0Dc C1Fe 11E8 B1A0 A49C7Cb48219

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે. આવતીકાલે સાંજે ૬ કલાકે રાજયભરમાં પ્રચારના ભુંગળા શાંત થઈ જશે ત્યારે રાજયની તમામ ૨૬ બેઠકો પર ફરી ૨૦૧૪ની ચુંટણીના પરીણામનું પુનરાવર્તન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે ફરી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ સવારે ૯:૦૦ કલાકે પાટણ મહેસાણા અને બનાસકાંઠા ખાતે ચુંટણીસભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના હોમ ટાઉન ગુજરાતમાં ભાજપને એક પણ બેઠકનું નુકસાન જાય તે પક્ષને પાલવે તેમ નથી. આવામાં રાજયમાં ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે વખત ગુજરાતમાં ચુંટણી પ્રવાસે આવી ચુકયા છે અને અલગ-અલગ સ્થળોએ જંગી ચુંટણીસભાઓ સંબોધી ચુકયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ રાજયમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કર્યો છે. એટલું જ નહીં તેઓ ખુદ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે.

આવતીકાલે સાંજે પ્રચાર-પ્રસાર શાંત થઈ જશે તે પૂર્વે સવારે ૯:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાટણ લોકસભા બેઠક માટે ચુંટણીસભા સંબોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ટકકર કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર સાથે છે. ભાજપ માટે નબળી ગણાતી તમામ બેઠકો પર ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચારની કમાન પોતાના હસ્તક લઈ લીધી છે અને તમામ બેઠકો પર ચુંટણી સભાઓ સંબોધી છે. ફરી રાજયની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલે તે માટે પ્રદેશ હોદેદારોને પણ ખાસ પ્રકારનું હોમવર્ક આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.