Abtak Media Google News

પ્રદેશ ભાજપા અગ્રણીઓની લોકસભા ચૂંટણીના પ્રદેશ પ્રભારી ઓમ માથુર,

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના લોકસભા ચૂંટણીના પ્રદેશ પ્રભારી ઓમજી માથુર, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ મનસુખભાઈ માંડવીયા, ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ,શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા તથા ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અગ્રણીઓની આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીઓના અનુસંધાને અત્યાર સુધીમાં થયેલ કેન્દ્રીય ભાજપાની યોજના મુજબના કાર્યક્રમોની સમીક્ષા તથા આગામી કાર્યક્રમોના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર જનતાના આશીર્વાદથી ભાજપા પુન: વિજયી બને તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, અમે લોકસભાની ચૂંટણીઓ માટે સજ્જ છીએ. અમે અમારી તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવારો નક્કી કરવા માટે તબક્કાવાર પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકો યોજાશે. સૌ પ્રથમ સ્થાનીક સ્તરે કાર્યકર્તાઓના અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડ પોતાની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલશે અને પછી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ ઉમેદવાર જાહેર કરશે.

ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોને જીતાડવા થનગની રહ્યા છે.ઓમજી માથુરે ઇલેક્રટ્રોનિક મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તે આવકાર્ય છે. ભાજપા પુરા દેશમાં ચૂંટણીઓ માટે તૈયાર છે.

ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાન અને ૨૩ મેના રોજ પરિણામ આવશે આમ તારીખ ૨૩એ ગુજરાત માટે શુભદિવસ સાબીત થશે. દેશભરની પરીસ્થીતીઓના આધારે ૭ ચરણોમાં ચુંટણીઓ ચુંટણીપંચ યોજવા જઇ રહ્યુ છે. ત્યારે ભાજપા બધી જ ચૂંટણીઓ માટે હંમેશા તૈયાર જ હોય છે અને એક ચુંટણી પુરી થાય ત્યારે બીજી ચુંટણીની તૈયારી ઓમાં લાગી જાય છે.માથુરે મળેલ પ્રદેશ બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ માટેની વ્યુહ રચના, વ્યવસ્થા અને કામની વહેંચણીની આજની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.