Abtak Media Google News

પોતાની લીટી લાંબી કરવા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આશ્ચર્યજનક ચહેરાઓને લોકસભાની ચૂંટણી જંગમાં ઉતારવાની મથામણમાં :જોકે અંતે ધાર્યું ધણીનું થશે

લોકસભાની ચુંટણી જંગનું એલાન થઈ ચુકયું છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર લોકસભા બેઠક પર ખંધા રાજકારણીઓએ જબરું સેટીંગ શરૂ કરી દીધું છે. પોતાનું સ્થાનિક રાજકારણ ટકાવી રાખવા માટે અને પોતાની લીટી લાંબી કરવા માટે ભાજપ તથા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચુંટણી જંગમાં આશ્ચર્યજનક ચહેરાઓને મેદાનમાં ઉતારવાની મથામણ શરૂ કરી દીધી છે જોકે અંતે તો ધાર્યું ધણીનું જ થશે.

લોકસભાની ચુંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે જયારે કોંગ્રેસમાંથી લલિત વસોયાના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આ બંને સીટીંગ ધારાસભ્ય દિલ્હી જવા માટે કોઈ કાળે રાજી નથી. આવામાં બંનેએ જબરું આંતરીક સેટીંગ શરૂ કર્યું છે. સ્થાનિક ચર્ચા મુજબ પોરબંદર બેઠક પર ૩ મહિલાઓ વચ્ચે પણ ચુંટણી જંગની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ભાજપમાં લોકસભાની મોટાભાગની બેઠકો માટે ઉમેદવાર ખુદ મોદી નકકી કરતા હોય છે આવામાં જો જયેશ રાદડિયાએ લોકસભાની ચુંટણી લડવી ન હોય તો પણ મોદીનો એક લીટીનો આદેશ આવે તો કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વિના ચુંટણીના મેદાનમાં ઉતરી જવું પડે છે. ભાજપમાં એક વાત નિશ્ચીત છે કે અહીં ધાર્યું ધણીનું જ થાય છે. બીજી તરફ પોરબંદર બેઠક સમજુતીના ભાગરૂપે કોંગ્રેસ એનસીપીને આપે તેવી શકયતા પણ હાલ ચાલી રહી છે. જો આવું ન થાય તો આ બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાને ઉતારે તેવી શકયતા પણ જણાઈ રહી છે. વસોયા પણ દિલ્હી જવા માટે રાજી નથી. આવામાં વસોયાએ પણ નવો જ ચહેરો આગળ ધરી દીધો હોવાનું મનાઈ રહ્યું છે. ત્રીજા પાસા પર વિચારવામાં આવે તો હાલ ભાજપમાં રહેલા રેશ્મા પટેલે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી દીધી છે. આવામાં પોરબંદર બેઠક પર ત્રણ મહિલાઓ વચ્ચે પણ જંગની સંભાવના હાલ નકારી શકાતી નથી જોકે હાલ તમામ શકયતાઓ જો અને તો ના સમીકરણો વચ્ચે રમી રહી છે.

આ લોકસભા નીચે ૧૮૨૭ જેટલા મતદાન બુથો નોંધાયેલા છે. સાત વિધાનસભામા ભાજપ પાસે ૪ વિધાનસભા કોંગ્રેસ પાસે બે વિધાનસભા અને એન.સી.પી. પાસે એક વિધાનસભાના સભ્ય ૨૦૧૭માં ચૂંટાયેલા છે. આ લોકસભા મત વિસ્તારમાં રાજકોટ જિલ્લાનાં ત્રણ સીટો પોરબંદર જીલ્લાની બે સીટો અને જૂનાગઢ જિલ્લાની બે વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપરથી છેલ્લી આઠ ટર્મથી પાટીદાર સમાજના ઉમેદવાર બળવંતભાઈ મણવર, હરિભાઈ પટેલ, ગોરધનભાઈ જાવીયા, વિઠલભાઈ રાદડીયા પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. ત્યારે આગામી ૨૩મી એપ્રીલ બે પોરબંદર લોકસભાનીબેઠકની ચૂંટણી યોજાનાર છે.

ત્યારે અત્યાર સુધી ભાજપમાંથી રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા હોટ ફેવરીટ મનાય છે. જયારે કોંગ્રેસમાંથી ઉપલેટા, ધોરાજી વિસ્તારનાં લડાયક ધારાસભ્ય લલીતભાઈ વસોયાનું પ્રથમ નામ બોલાઈ રહ્યું છે. ત્યારે બંને વિકલ્પે ભાજપમાંથી રાજયના પૂર્વ મંત્રી જસુબેન કોરાટ કોંગ્રેસમાંથી પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો. ઉર્વશીબેન પટેલ અને સંભવિત અપક્ષમાંથી ભાજપના બાગી મહિલા નેતા રેશ્મા પટેલ સહિત ત્રણ પાટીદારો વચ્ચે મહત્વનો જંગ ખેલાઈ તો નવાઈ નહી ભાજપના જશુબેન કોરાટ વર્ષોથી ભાજપના સતા અને સંગઠનમા સેવા આપી રહ્યા છે.

પાર્ટીના કસાયેલા અને સંગઠન અને સતાના અનુભવી મહિલા નેતામાં ગણના થાય છે. જયારે કોંગ્રેસના ડો. ઉર્વશીબેન પટેલ હાલ રાજકોટ મહાનગરપાલીકામાં કોર્પોરેટર તરીકે સેવા આપે છે. આ ઉપરાતં પાર્ટીના મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે. ઉચ્ચ શિક્ષીત મહિલા છે. જયારે ત્રીજા સંભવિત ઉમેદવાર ભાજપના બાગી ફાયર બ્રાન્ડ મહિલા અગ્રણી રેશ્મા પટેલ પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી એક સફળ વિપક્ષની ભૂમિકા ભજવી પાટીદાર સમાજ ઉપર ખાસુ એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે આગામી ચૂંટણીમાં લોકસભા બેઠક ઉપર આ ત્રણ પાટીદાર મહિલાઓ વચ્ચે જંગ ખેલાઈ તો નવાઈ નહી.

રાદડીયાને પરિવારની ના અને વસોયાને ધારાસભ્ય પદ નડી જશે?

F 1

પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા અને કોંગ્રેસના લડાયક ધારાસભ્ય લલીતભાઈ વસોયા બંને બળીયા ઉમેદવારો વચ્ચે મુકાબલો ફાઈનલ તરફ જઈ રહ્યો છે. ત્યારે પ્રાપ્ત વિગતો પ્રમાણે બંને બળીયા ઉમેદવારો વચ્ચે ખરાખરીના જંગ ખેલાય તેવું લોકામાં ચર્ચાઈ રહ્યું છે. પણ રાજયના મંત્રી જયેશભાઈ રાદડીયાની ભાજપની ટીકીટ કોઈ રોકી શકે નહી પણ રાદડીયા પરિવાર સંભવિત લોકસભાની ચૂંટણીથી દૂર રહી રાજયના રાજકારણમાં સક્રિય રહે તેવું ઈચ્છી રહ્યા છે. જયારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર લલીતભાઈ વસોયાને પ્રદેશ હાઈકમાન્ડે મંજૂરી ની મહોર લગાવી દીધી છે. પણ તેઓ હાલ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય તરીકે ચાલુ છે.ત્યારે દેશભરમાં કોંગ્રેસ કોઈ ચાલુ ધારાસભ્યને ટીકીટ ન ફાળવે તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર લલીતાઈ વસોયાને તલવાર મ્યાન કરવી પડે તો નવાઈ નહી આમ પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના બંનેના સંભવિત ઉમેદવારો હાલ મુંજવણ અનુભવી રહ્યા છે.

 

પોરબંદર બેઠક પર ત્રણ પાટીદાર મહિલા વચ્ચે પણ જંગ જામી શકે !

ભાજપમાંથી જશુબેન કોરાટ, કોંગ્રેસમાંથી ઉર્વશીબેન પટેલ જયારે અપક્ષ ઉમેદવાર તરીકે રેશ્મા પટેલની શકયતા

F 22

પોરબંદર લોકસભા બેઠક ઉપરનું ચુંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયું છે. આ બેઠક ઉપર સાત વિધાનસભા બેઠક મળી કુલ ૧૬ લાખ ૨૮ હજાર મતદારો ધરાવે છે તેમાં મુખ્ય પ્રભુત્વ પાટીદાર સમાજનું છેલ્લા આઠ ટર્મ થયા આ બેઠક ઉપર પાટીદાર સમાજના ઉમેદવારો ચુંટાઈ આવે છે ત્યારે આ બેઠક ઉપર ત્રણ પાટીદાર મહિલાઓ ઉપર જંગ ખેલાઈ તો નવાઈ નહીં.

૧૬.૨૮ લાખ જેટલા ભાઈઓ, બહેનો, યુવાનો, યુવતીઓ સહિત મતદાર ધરાવતી પોરબંદર લોકસભામાં સાત વિધાનસભા મત વિસ્તારમાં કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ સહિત શહેર ગ્રામ્ય વિસ્તારમાં ૨૬ શહેર તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩૩૩ સીટોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.