Abtak Media Google News

૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: ૫મી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી: ૮ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

૧૭મી લોકસભાની ચુંટણી માટેની તારીખોનું એલાન ગઈકાલે ચુંટણીપંચ દ્વારા કરી દેવામાં આવ્યું છે. લોકસભાની ૫૪૩ બેઠકો માટે ૧૧ એપ્રિલથી ૨૯ મે સુધી અલગ-અલગ ૭ તબકકામાં મતદાન યોજાવાનું છે. ગુજરાતની ૨૬ લોકસભા બેઠક માટે ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે. આગામી ૨૮મી માર્ચના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. તમામ ૫૪૩ બેઠકો માટે એકી સાથે ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગઈકાલે લોકસભાની ૫૪૩ બેઠકો માટેનો વિસ્તૃત ચુંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના રોજ મતદાન હાથ ધરવાનું છે દરમિયાન ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવશે. ૨૮ માર્ચથી લઈ ૪ એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ૫મી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ૮મી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. રાજયની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબકકામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન હાથ ધરવામાં આવશે અને ૨૩ મેના રોજ મતગણતરી યોજાશે. ૨૭ મેના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. લોકસભાની સાથે ઉંઝા અને તાલાલા વિધાનસભા બેઠકની પેટાચુંટણી પણ યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

તાલાલા અને ઉંઝા વિધાનસભાની પેટાચુંટણી પણ સાથે યોજાશે

કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દેતા ખાલી પડેલી ઉંઝા વિધાનસભાની બેઠક અને ખનીજ ચોરીના કેસમાં વિધાનસભાના સ્પીકર દ્વારા તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ડિસ્કવોલીફાઈ કરવામાં આવતા ખાલી પડેલી તાલાલા અને ઉંઝા વિધાનસભાની બેઠક માટે ૨૩મી એપ્રિલના રોજ જ પેટાચુંટણી યોજવામાં આવશે. જોકે માણાવદર બેઠક માટેની પેટાચુંટણીની જાહેરાત કરવામાં આવી નથી. તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના વિરોધમાં તેઓ અદાલતના દ્વાર ખખડાવે તેવી સંભાવના છે ત્યારે આ બેઠક માટે પેટાચુંટણીની તારીખ જાહેર કરી દેવાતા વિવાદ સર્જાયો છે અને સાથોસાથ કોકળુ પણ ગુંચવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.