Abtak Media Google News

માં આદ્યશક્તિ જગદંબાને રીઝવવાનો તેના ગુણ ગાવાનો અને તેની ઉપાસના કરવાનો તહેવાર એટલે નવરાત્રી.હરએક વ્યક્તિમાં નોરતા ઉજવવાનો  ઉત્સાહ,જોમ અને ઉમંગ છે.ગરબાની પ્રદક્ષિણામાં સકળ બ્રહ્માંડ ફર્યાનું પુણ્ય છે તેથી આપણા આબાલથી માંડી વૃદ્ધ પણ નોરતામાં ગરબે ઘૂમે છે. શહેરીકરણે પ્રાચીન રાસોત્સવને ઉધઈની માફક ખોતરી ગરબાની આધ્યાત્મિક ભાવના નષ્ટ કરી નાખી છે. પ્રાચીન ગરબા શહેરમાં  માત્ર મનોરંજનનાં ખોખલા ભાવ સ્વરૂપે પ્રવર્તે છે.પરંતુ કહેવાય છે ભારત એ ગામડાનો દેશ છે અને આ ગ્રામ્ય સંસ્કૃતિએ જ ભારતની ધરોહરને સાચવી રાખવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.આજે પણ ગામડામાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ ગરબાની રમઝટ ચાલે છે.નેજવા માંડી નજર કરવાથી હરએક જગ્યાએ વિવિધતા જોવા મળી જાય છે.નોરતાની  આધ્યાત્મિકતા માણવા તો કદાચ ગામડાની સફર ખેડવી પડે.

પ્રાચીન વાજિંત્રો તાલે ટિપ્પણી,ગાગર,ખંજરી અને મંજીરા જેવા અવનવા રાસની જામે છે રંગત

અવનવી વેશભૂષામાં ર્માં ગાત્રાળ, ખોડીયાર અને નવદુર્ગાનું થાય છે ચોકમાં આગમન

જામ કંડોરણાનાં સાતોદડ ગામની નવરાત્રિની અવનવી પરંપરા, પ્રાચીન રાસ, ગરબા વિશે જાણીને નવાઈ લાગશે કે અહી નવ નોરતાના બદલે દસ દિવસ રાસ રમાય છે.શહેરમાં પ્રીનવરાત્રી અને પાસ્ટ નવરાત્રિની પરંપરા શરૂ થઈ છે પરંતુ તેની પાછળનો આશય એ  આધ્યાત્મિકતા નહિ પરંતુ આર્થિક કમાણીનો છે.જ્યારે સાતોદડ ગામમાં દસમા દિવસે રમાતા રાસની પણ અલગ પરંપરા છે. દસમા દિવસે ગામમાં બિરાજમાન કલ્યાણરાયજી દાદાની રવેડી નીકળે છે,રામ,લક્ષમણ ,જાનકી અને હનુમાનનું ચોકમાં આગમન થાય છે તેની આરતી બોલી રાસ રમવાની પરંપરા કેટલાય વર્ષોથી જળવાય છે. ગામની પરંપરા મુજબ દસ દિવસ સુધી  રોજ અલગ અલગ રાસ રમાય છે. નહિ જોયેલા  અને નહિ સાંભળેલા અવનવા રાસ વિશે સાતોદડ ગામના યુવા મિત્ર રવિરાજ સિંહ જાડેજાએ  જણાવતા કહ્યું હતું કે આ  વિશેષ આયોજન આશાપુરા ગરબી મંડળ દ્વારા થતું હોય છે.

અહીં એકથી ચાર નોરતા દરમિયાન ગામની બાળાઓ દ્વારા તબલાં,મંજીરાં અને હાર્મોનિયમનાં સંગીત સાથે ટીપ્પણી રાસ ,ગાગર રાસ,આરતી રાસ,માટીના ગરબામાં દિવો રાખીને રમાતો રાસ,,કાચના કે સ્ટીલના ગલાસ હાથમાં લઈને થતો રાસ,હાથમાં નાના નાના મંજીરા લઈ  થતો મંજીરા રાસ,રાજસ્થાની ડફ પ્રકારની ખંજરી લઈને લેવાતો ખંજરી રાસ,ફુલને થાળી સજાવી રમવામાં આવતો રાસ એ અહીંની પરંપરાની ઉજળી બાજુ છે.જેમ સૂર્ય ઊગે એમ વધુ ધખે એમ પાંચમા નોરતાથી માંડી દસમા નોરતા સુધી રોજ અલગ અલગ બાળાઓ અલગ અલગ માતાજીની વેશભૂષા ધારણ કરી ચોકમાં આવે છે.જેમાં પાચમાં નોરતે તમામ બાળાઓ કાન ગોપીની વેશભૂષા ધારણ કરીને ચોકમાં પધારે છે અને કાન ગોપીના રાસ રમે છે.

છઠ્ઠા નોરતેમાં ગાત્રાડનું ચોકમાં આગમન થાય છે અને તેમનાં આગમન બાદ બાળાઓ રાસ રમે અને માતાજીની આરતી બાદમાં ગાત્રાડ ચોકમાંથી વિદાય લે છે. સાતમે નોરતે માં ખોડીયાર અને તેમની સાત બહેનો ચોકમાં આવે છે.તેની આરતી થાય છે.આઠમાં નોરતામાં મોમાઈ તેના વાહન ઊંટ અને તેના સેવક સાથે ચોકમાં પધારે છે.જ્યારે નવમાં નોરતે નવદુર્ગાનું રૂપ સજીને નવ બાળાઓ નવદુર્ગા બની પધારે છે.જ્યારે દસમા નોરતા નુ વીશેષ મહત્વમાં ગામમાં બિરાજમાન  કલ્યાણરાયજી દાદાની રવેડી જુના પરંપરાગત વાજીંત્ર સાથે ગામના આબાલ વૃદ્ધ તલવાર અને રાજપુતી પહેરવેશ સજીને જોડાય છે

સોને કી છડી રૂપે કી મશાલ,સાતોદડ ના શ્યામ કુવર શ્રી કલ્યાણરાયજી દાદા ને ધણીખમાના જય જય કાર સાથે ખીજડી માતાએ વિસામો લેતા દાદા સમક્ષ એક બાજુ શસ્રોનુ પુજન થાય છે બીજી તરફ યુવાનો દ્વારા તલવાર રાસ અને ઘોડી ખેલવવાની અનોખી પરંપરા પણ છે.અંતે વિસામા બાદ દાદા હવેલી પર પરત ફરે છે ત્યાર બાદ ચોકમાં રામ,લક્ષમણ જાનકી અને હનુમાનનું ચોકમાં આગમન થાય છે. અંતિમ દિવસે માતાજીની આરતીમાં બોલાયેલ બોલ અને ગામના લોકો દ્વારા અપાયેલ ફાળામાંથી બધીજ બાળાઓને ફર્નિચર સોનાની વસ્તુ સ્વરૂપની લહાણી અપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.