Abtak Media Google News

જામનગરના એક વેપારીને છેલ્લા બે મહિનાથી કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ મોબાઈલ પર કોલ કરી પતાવી દેવાની ધમકી આપી મિલકત પચાવી લેશે તેમ જણાવતો હોય,જિલ્લા ભાજપના અગ્રણીના ભાઈ એવા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની સાથે રજૂ કરાયેલા મોબાઈલ કોલના રેકોર્ડીંગની ટેપ એલસીબીએ ચકાસણી માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રઘુવીર પાર્ક વિસ્તારમાં વસવાટ કરતા અને જામનગર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ પેઢડિયાના નાનાભાઈ જયસુખ ઉર્ફે ટીના દેવરાજભાઈ પેઢડિયા (ઉ.વ.૩૮)એ શનિવારે રાત્રે જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નગરના કુખ્યાત ભૂ-માફિયા જયસુખ મુળજીભાઈ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ છેલ્લા બેએક મહિનાથી જયેશ પટેલ ટીનાભાઈ પેઢડિયાને મોબાઈલ પર કોલ કરી અવારનવાર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને તેઓની મિલકત પચાવી પાડવાની પણ ધમકી આપે છે.

અગાઉ એક ગુન્હામાં હસમુખ પેઢડિયા તથા જયસુખ ઉર્ફે ટીના પેઢડિયાની સંડોવણી ખૂલી હતી તે ગુન્હામાં જામનગરના જાણીતા વકીલ કિરીટભાઈ જોષીએ હસમુખભાઈ તથા ટીનાભાઈનો છૂટકારો કરાવ્યો હતો તે પછી રાગદ્રેષ અને ખાર રાખી જયેશ પટેલ અવારનવાર ફોન કરી ધમકીઓ આપે છે.

કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ પર ગયા વર્ષે રતનબાઈ મસ્જીદથી થોડે આગળ થયેલા ફાયરીંગના ગુન્હામાં જયેશ પટેલે ફરિયાદ નોંધાવી તેમાં હસમુખ પેઢડિયા વગેરેના નામ આપ્યા હતા જેમાંથી એડવોકેટ જોષીએ હસમુખભાઈને છોડાવ્યા પછી તે બાબતનો ખાર રાખી જયેશ પટેલ કોલ કરે છે.

તેમ જણાવી ફરિયાદીએ ઉમેર્યું છે કે, જયેશ પટેલ દ્વારા મોબાઈલમાં એમ કહેવામાં આવે છે કે કિરીટભાઈ જોષીની મેં હત્યા કરાવી નાખી છે, તેવી જ રીતે તને પણ પતાવી દેવો છે, ઉપરોક્ત આ ફરિયાદ પોલીસે આઈપીસી ૫૦૬ (ર), ૩૮૫, ૫૦૪ હેઠળ નોંધી છે. ફરિયાદીએ પોતાને આવેલા કેટલાક કોલનું રેકોર્ડીંગ પણ કર્યું હતું તેની ટેપ પોલીસને સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.