જામનગરમાં કોર્પોરેટરની દાદાગીરી જન્મમરણ શાખાના સ્ટાફને માર માર્યો

ટેબલ પર હાથ પછાડી કાચ તોડી નાખ્યા

જામનગર મહાનગર પાલિકમાં અધિકારીઓ-કર્મચારીઓને માર મારવા અને ગાળો દેવાની ઘટના કોઈ નવી વાત નથી. આ ઘટના અવારનવાર મહાનગરપલિકામાં બનતી રહે છે અને કર્મચારીઓ અને અધિકારીઓ પણ જાણે આનાથી ટેવાઈ ગયા હોય તેમ મુંગા મોઢે સહન કર્યે રાખે છે જેના કારણે કોર્પોરેટરોનો હોંસલો વધુ બુલંદ બન્યો છે.આવી જ એક ઘટના મહાનગરપાલિકામાં બુધવારે બની જેમાં જન્મ-મરણ શાખાના એક અધિકારીને ધુંબા મારી ટેબલના કાચ તોડી નાખતા કોર્પોરેટરના રૌદ્ર સ્વરૂપથી નાસભાગ મચી જવા પામી હતી.

કચેરીમાં કામ કરતી મહિલાઓ તો ડરના માર્યા નાસી છૂટી હતી. આ બનાવ બાદ રાબેતા મુજબ કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાએ મહાપાલિકામાં સારી એવી ચકચાર જગાવી છે.જામનગર મહાનગર પાલિકામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને ધમકાવવા, ગાળો આપવી, માર મારવો તે કોઈ નવી વાત નથી.અવારનવાર આવી ઘટનાઓ ખાનગી અને જાહેરમાં બનતી રહે છે.

બુધવારે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા જન્મ-મરણ શાખાના એક અધિકારીને ફોન પર કોઈ ભલામણ માટે ફોન થયો હશે જેમાં સરખો જવાબ ન મળતા ગિન્નાયેલ કોર્પોરેટર તાત્કાલિક મહાપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીને લાફાવાળી કરી ટેબલના કાચ તોડી નાખ્યા હતા.આ ઘટનાના પગલે જન્મ-મરણ શાખામાં કામ કરતી મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો અને ડરના માર્યે તેઓ નાસી છૂટ્યા હતા. જેમ બને છે તેમ બનાવ બાદ નેતાઓ અને અધિકારીઓ પડમાં આવ્યા અને બંને વચ્ચે સમાધાન કરાવી દીધુ હતું. પરંતુ આ ઘટનાએ ફરી એક વખત મહાપાલિકામાં કોર્પોરેટરોની દાદાગીરી અને અધિકારીઓ-કર્મચારીઓની સહન શીલતાને સામે લાવી છે.

આ ખરાબ કહેવાય, મને કંઈ ખબર નથી: ડીએમસી

મને આ ઘટના અંગે કોઈ જાણ નથી કે કંઈ ખબર નથી કે મને કોઈએ ફરિયાદ કરી નથી. જો આવું બન્યું હોય તો ખરાબ કહેવાય. હું આ બાબતે સંબંધિત અધિકારી સાથે વાત કરીશ અને ઘટનાની તપાસ કરીશ.