Abtak Media Google News

સિટી સર્વે કચેરી-લેન્ડ રેકર્ડ કચેરી-મનપા સામે આંગળી ચીંધાય-મુખ્યમંત્રીના દરબારમાં ‘રાવ’

જૂનાગઢની સીટી સર્વે કચેરી તથા લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા ખોટી માપણી કરીને બિલ્ડરોને બોગસ નકશા તૈયાર કરવામાં મદદગારી કરી અને તે નકશાઓને મનપા દ્વારા મંજૂરી આપી હોવાનો ચોકાવનારા અને સનસનીખેજ આક્ષેપો જુનાગઢના ધારાસભ્ય એ કરીને રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે, શહેરમાં આવેલા જેટલા વોકળા છે તેના ઉપર તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ સામે આવે તેમ છે.

Advertisement

જૂનાગઢમાં તાજેતરમાં જે જળ હોનારત થયું હતું તેમાં જૂનાગઢના બિલ્ડરો દ્વારા વોકળા ઉપર દબાણ કરેલ હોવાનું અને કાળવા નદીને પણ સાંકડી કરી હોવાના અનેક આક્ષેપો બાદ જૂનાગઢના એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને કરેલ રજૂઆત પછી હવે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પણ મેદાનમાં આવ્યા છે. અને જુનાગઢની સીટી સર્વે કચેરી, લેન્ડ રેકોર્ડ કચેરી અને મનપા સામે આંગળી ચીંધી રાજ્યના મુખ્યમંત્રી પાસે જૂનાગઢમાં બાંધકામ ની મંજુરી ઓમાં થયેલ ગેરરીતિ સામે તપાસની માંગ કરી છે.

રાજ્યના મુખ્યમંત્રીને જૂનાગઢના ધારાસભ્ય એ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢ મનપા કચેરી દ્વારા કોઈ સ્થળ ખરાઈ કે તપાસ કર્યા વગર માપણી સીટના આધારે જ મોટી બિલ્ડીંગોની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં શહેરની સીટી સર્વે અને લેન્ડ રેકર્ડ કચેરી જુનાગઢ દ્વારા રસ્તાની માપ સાઈઝમાં ખોટા માપ દર્શાવવામાં આવ્યા છે, અને ખોટી માપણી સીટ તૈયાર કરી, બિલ્ડરોને બોગસ નકશાઓ બનાવવામાં મદદગારી કરી છે.

મનપા દ્વારા પણ મંજૂરી આપવા પૂર્વે જે તે વિસ્તારના સર્વે નંબર અને પ્લોટના રસ્તાઓ, સાર્વજનિક પ્લોટ, તથા વોકડાના અંતર બાબતે ધ્યાન લઈને માપણી સીટ બનાવવાની સરકારની જોગવાઈ છે. ત્યારે લાગુ રસ્તાઓ બનાવવામાં આવતા નથી, જેના કારણે મનપા અધિકારીઓ પાસેથી આવી માંપણી સીટના આધારે બાંધકામો મંજૂરી મેળવી શહેરમાં અનેક બિલ્ડીંગો ગેરકાયદેસર બનાવી દેવામાં આવી છે.

ધારાસભ્ય કોરડીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં એ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ફાઇલમાં મુકેલા નકશા અને માપણી સીટો અલગ અલગ છે અને સ્થળ ઉપર કંઈક અલગ સ્થિતિ છે. આવી રીતે બિનખેતી નકશાઓમાં પણ લે આઉટ પ્લાન્ટ ખોટા રસ્તાઓ બતાવીને ગેરકાયદેસર બીન ખેતીની મંજૂરીઓ અપાઈ રહી છે.  જે ભયંકર મોટી ગેરેરીતિઓ જૂનાગઢનું મનપા, સીટી સર્વે કચેરી અને લેન્ડ રેકર્ડની કચેરીએ સંયુક્ત રીતે કરેલ છે ત્યારે આ ગેરરીતીઓની તપાસ થાય તેવી માંગ કરી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રના અંતમાં એ પણ જણાવ્યું છે કે વોકળાના કાંઠે 9 મીટરની અંદર બાંધકામ કરવાની મનાઈ છે. અને હવે જૂનાગઢમાં જેટલા વોકળા છે તેના ઉપર છેલ્લા 10 વર્ષમાં બનેલા બિલ્ડીંગોની સ્થળ કરાઈ કરી, તપાસ કરવાથી મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ત્યારે મહાનગરપાલિકા, સીટી સર્વે અને લેન્ડલ રેકર્ડ કચેરીની ત્રણેયની સંયુક્ત તપાસ નિષ્ણાંત અધિકારીઓ સાથે રાખીને પ્રત્યક્ષ તપાસ કરાવવી જોઈએ તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.