Abtak Media Google News

અત્યંત ધૃણાસ્પદ કિસ્સામાં યુવકને માર મારી, માફી મંગાવી અને ખંડણી માંગતો હોય તેવા બે વિડીઓ બનાવ્યા: ભાઇ-બહેન સહિત છ શખ્સ સામે નોંધાતો ગુનો

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બેકાબુ બની રહી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઇ સમાજના લોકોમાં ભયનો માહોલ ફેલાય તે રીતે રોફ જમાવે છે. મોરબીમાં અગાઉ પણ ચર્ચાના ચકડોળે ચડેલ વિભૂતિ પટેલ(‘રાણીબા’)નું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પોતાની ઓફિસમાં 16 દિવસ કામે રાખ્યા બાદ છુટા કરી દીધેલા યુવક દ્વારા પગારની માંગણી કરતા કહેવાતા ‘રાણીબા’એ પોતાના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળી યુવકને માર મારી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવકને મોઢામાં લેવડાવી માફી મંગાવી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયાએ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય અજાણ્યા શખ્સ વિરૂદ્વ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી કે તા.2 ઓક્ટો.ના રોજ નિલેશભાઈ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો, જ્યાં તા.18 ઓક્ટો. ના રોજ નિલેષભાઈને નોકરીએ આવવાની ના પાડવામાં આવી, નિલેશભાઈનો પગાર તેના ખાતામાં ન આવતા તા.06 નવે. ના રોજ આરોપી વિભૂતિ પટેલને ફોન કરીને જણાવતા તેઓએ ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો.

બાદ વિભૂતિ પટેલના ભાઈએ ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તથા તેમના ભાઈ અને પાડોશી સાથે ગયેલા જ્યાં ઢીકાપાટુનો મુઢમાર મારી નિલેશભાઈને આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી અપમાનિત કરી માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી નિલેશભાઈને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ 323, 504, 506 વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.