Abtak Media Google News

કરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્વિક મહામારી માંથી ઉગારી પહેલા જેવી ફરી પરિસ્થિતિ કરવા વિશ્વભરના દેશો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. વૈશ્વિક મહામારીને એક વર્ષ પૂર્ણ થયા છતાં પણ કોરોના વાયરસ લની તીવ્રતા ઓછી થઈ નથી. આ કપરા કાળમાંથી ઉભા થવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે તેમ છતાં કોરોના ની સ્થિતિ ફરી અનિયંત્રિત બનતી જઈ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ કોરોના વકરશે તેવી દહેશત છે કારણ કે કોરોના વાયરસની 100 દિવસની ભયંકર સાઇકલ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથની મર્યાદા વિના એટલે કે કોઇ પણ ઉંમરના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણી તેમનું રસીકરણ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. વેક્સીનની સંખ્યા રોજના 3 લાખ સુધી લઇ જવાના નિર્ધાર સાથે હાલ રોજ સવા બે લાખ લોકોનું વેક્સીનેશન થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70% બેડ ખાલી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, 4 મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીને સરકાર આગળ વધે છે. આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ શરૂ થશે. કોરોના અનપ્રેડીકટેબલ છે, પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય માસ્ક અને વેકસીનેશન ફરજીયાત છે. એટલે સૌ નાગરિકો માસ્ક અવશ્ય પહેરે અને વેકસીન લઇને કોરોનાથી બચે તેવી અપિલ પણ તેમણે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.