Abtak Media Google News

રાજકોટમાં કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બેંકનું રૂટિન કામ ચાલુ હતુ ત્યારે બેંકના ઇન્ચાર્જ કેશિયર સંગીતાબેન ચેમ્બરમાં આવી જણાવ્યું કે, પોતે ફ્રેશ થવા ગયા ત્યારે પાછળથી કોઇ કાઉન્ટરના ડ્રોઅરમાંથી કોઇ રોકડ ચોરી ગયા છે. જેથી તુરંત બેંકમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બેંકમાં સવારે 11.32 ના સમયે માસ્ક પહેરેલા ચાર વ્યક્તિ ગ્રાહકના સ્વાંગમાં અંદર આવતા દેખાયા હતા.

જે પૈકીનો એક શખ્સ કેશિયર કાઉન્ટર પાસે જઇ અન્ય કર્મચારીઓની નજર ચૂકવીને કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા તફડાવતો અને 11.36ના સમયે ચારેય વ્યક્તિ બેંક બહાર નીકળી ગયાનું જોવા મળ્યું હતું.બાદમાં કેશિયરે તપાસ કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાઓ કાઉન્ટરમાંથી જુદા જુદા દરની ચલણી નોટ મળી કુલ રૂ.1,83,500ની રકમ તફડાવી ગયાનું જાણવા મળ્યું હતું.

બનાવ બાદ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ સી. જી. જોષી સહિતનો સ્ટાફ બેંક પર દોડી આવ્યા હતા. અને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ચાર વ્યક્તિ પૈકી બે શખ્સના ચહેરા સ્પષ્ટ દેખાતા વર્ણનના આધારે ગઠિયાઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.