Abtak Media Google News

ટેકસનો ટાર્ગેટ પૂર્ણ કરવા તમામ શાખાઓના કર્મચારીઓને મેદાનમાં ઉતારતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની: રૂ.૧ થી લઈ ૭૫ હજારનો બાકી વેરો ધરાવતા બાકીદારોના ઘેર જઈ કરાશે કડક ઉઘરાણી

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચને ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા ૨૨૫ કરોડના ટાર્ગેટ સામે આજ સુધીમાં માત્ર ૨૦૭ કરોડ રૂપિયાની જ વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હવે રોકડા ૯ દિવસ બાકી રહ્યા છે ત્યારે રીઢા બાકીદારો પર ધોસ બોલાવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તમામ શાખાના બે હજારથી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારી દીધા છે. તમામ રૂટિન કામો પડતા મુકી આગામી ૩૧મી માર્ચ સુધીમાં માત્ર ટેકસ રીકવરીની જ કામગીરી કરવા કડક સુચના આપવામાં આવી છે.

૧ રૂપિયાથી લઈ ૭૫ હજાર રૂપિયા સુધીનો બાકી વેરો ધરાવતા બાકીદારોના ઘેર જઈ કોર્પોરેશન કડક ઉઘરાણી કરશે. જરૂર પડયે મિલકતો સીલ કરવાની અને નળ કપાત કરવાની પણકાર્યવાહી હાથ ધરવામાં આવશે.સામાન્ય રીતે ટેકસ રીકવરીની કામગીરી માટે જે-તે શાખાના અમુક કર્મચારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવતો હોય છે પરંતુ હવે નાણાકીય વર્ષ પુરુ થવાના આડે માત્ર ૯ દિવસ જ બાકી રહ્યા છે અને ટેકસનો ટાર્ગેટ પુરો કરવા રોજની ૨ કરોડથી પણ વધુની વસુલાત કરવી પડે તેમ છે.

આવામાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનની તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને બાકી મિલકત વેરાની વસુલાતની કાર્યવાહી કરવા માટે આદેશ આપી દીધો છે. ૭૫ હજાર રૂપિયા સુધીની બાકી રકમ ધરાવતા બાકીદારોને રૂબરૂ મળી સઘન વસુલાતની કાર્યવાહી કરવાની રહેશે. શહેરમાં ૨.૩૩ લાખથી વધુ બાકીદારો એવા છે કે જેની પાસે રૂ.૫ હજારથી લઈ ૭૫ હજાર સુધીનો વેરો બાકી નિકળે છે જેની સામે આકરી વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડયે વોર્ડના ટેકસ ઈન્સ્પેકટરને સાથે રાખી મિલકત સીલ કરવા સહિત અને નળજોડાણ કાપવા સહિતના આકરા પગલા લેવામાં આવશે.

શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં આવેલા કારખાનાઓને વેરામાં જબરી છુટછાટ આપવામાં આવી હોવા છતાં કારખાનેદારો વેરો ભરપાઈ કરતા નથી. કોઠારીયામાં ૫૦ હજાર કે તેથી વધુ બાકી વેરો ધરાવતા આસામીઓ પાસેથી ટેકસ રીકવરી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૬૮ કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ૩૧મી માર્ચ સુધીમાં રજાના દિવસોમાં પણ ટેકસ રીકવરીની કામગીરી ચાલુ રાખવા સ્પષ્ટ આદેશ અપાયા છે.

શનિરવિની રજામાં પણ વેરો સ્વીકારાશેWhatsapp Image 2019 03 22 At 1.05.34 Pm

ટેક્ષની હાર્ડ રીકવરી અંતર્ગત ૧૨ મિલકતો સીલ, ૧૪ મિલકતોને ટાંચ જપ્તી નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શનિ-રવિની રજામાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ટેક્ષ રીકવરીની કામગીરી અંતર્ગત ૧૨ મિલકતો સીલ કરવામાં આવી હતી જયારે ૧૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખાની ત્રણ ટીમો દ્વારા વાવડી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી રીકવરી દરમિયાન સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૭ ઉદ્યોગપતિઓએ વેરા પેટે નીકળતી રકમ ભરપાઈ કરી દેતા રૂ.૩૦ લાખની રીકવરી થવા પામી હતી.

ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં ૩૫૦ મિલકતો સામે રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવતા ૫૭ લાખ રૂપિયાની આવક થવા પામી છે. જયારે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૨ મિલકતો સીલ કરી દેવામાં આવી છે અને ૧૪ મિલકતોની ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.