Abtak Media Google News

વારંવાર રજુઆત છતાં પટ્ટાવાળાની ફાળવણી કરવામાં ન આવતા સમિતિ ચેરમેનોએ જાતે ચેમ્બરો ખોલવી પડતી હોવાની નોબત

કોર્પોરેશનમાં પટ્ટાવાળાની અછત સર્જાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પટ્ટાવાળાની ફાળવણી કરવા વારંવાર રજુઆત કરવા છતાં સ્ટાફ ન ફાળવવામાં આવતા અલગઅલગ ખાસ સમિતિઓના ચેરમેનોએ જ કર્મયોગી બની ચેમ્બર ખોલવા સહિતની કામગીરી કરવી પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ આજે મેયર સમક્ષ પણ હૈયા વરાળ ઠાલવી હતી.

કોર્પોરેશનમાં અલગઅલગ ૧૫ ખાસ સમિતિઓ આવેલી છે જેના ચેરમેનોએ અલગ ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. અલગઅલગ શાખાઓ દ્વારા ચેરમેનોને પટ્ટાવાળાની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ ૫ થી ૬ સમિતિના ચેરમેન સિવાય અન્ય સમિતિના ચેરમેનોની નિયમિત પ્યુનની ફાળવણી કરવામાં આવી નથી જેના કારણે સમિતિ ચેરમેનોએ જયારે કચેરીએ આવે ત્યારે પોતાની ચેમ્બરની ચાવી શોધવાથી લઈ ચેમ્બર ખોલવા સુધીની અને અંદર સામાન્ય સાફ સફાઈ કરવા સુધીની કામગીરી પણ જાતે જ કરવી પડતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ સેક્રેટરી સમક્ષ પટ્ટાવાળાની ફાળવણી અંગે મહિનાઓ પહેલા માંગણી કરી હતી પરંતુ આજસુધી તેઓને પટ્ટાવાળાઓની ફાળવણી કરવામાં આવી ન હોવાના કારણે તેઓએ આજે મેયર બીનાબેન આચાર્ય સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી જોકે સમિતિ ચેરમેનોને પટ્ટાવાળાઓની ફાળવણી કરવાની જવાબદારી સેક્રેટરી શાખાની નહીં પરંતુ અલગઅલગ શાખાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.