Abtak Media Google News

રૂ.૧૯.૯૧ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિઘ્ધ: સેન્ટ મેરી સ્કુલથી સદગુરુ પેલેસ બિલ્ડીંગ સુધીની લંબાઈનો બ્રિજ

સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા કેકેવી ચોકમાં ઓવરબ્રીજ નીચે અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બ્રીજના નિર્માણ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. બ્રીજ ફોરલેન બનશે અને બ્રીજના નિર્માણથી રોડની બંને સાઈટ આશરે ૧૦૦ જેટલી મિલકતોના મોઢા દબાશે.

કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે રૂ.૧૯.૯૧ કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવા માટે આજે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડરની મુદત આગામી ૧૧મી ઓકટોબરના રોજ પુરી થશે. કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલના દરવાજાથી રોયલ પાર્કમાં સદગુરુ પેલેસ નામના બિલ્ડીંગ સુધી ૪૪૧ મીટર લાંબો બ્રીજ બનાવવામાં આવશે. બ્રીજની બંને બાજુ ૭.૫૦ મીટરની પહોળાઈના બે બુગદા બનાવવામાં આવશે.

આમ બ્રીજ એકંદરે ફોરલેન રહેશે. બ્રીજની ઉંચાઈ ૫.૫૦ મીટરની રહેશે અને બંને બાજુ ૬.૫૦ મીટરના સર્વિસ રોડ મુકવામાં આવશે. બ્રીજના નિર્માણ કાર્ય માટે એક પણ મિલકત હાલ કપાતમાં લેવી પડે તેમ નથી પરંતુ ઓવરબ્રીજ નીચે અંડરબ્રીજ બનાવવાના કારણે કાલાવડ રોડ પર કેકેવી ચોકની બંને તરફ આવેલી આશરે ૧૦૦ જેટલી મિલકતોના મોઢા દબાઈ જશે. કારણકે આ મિલકતોના માર્જીનમાં જ બ્રીજનું નિર્માણ કાર્ય થશે.

કેકેવી ચોકમાં બનનારા બ્રીજની પહોળાઈ મહિલા કોલેજ અંડરબ્રીજ જેટલી જ રહેશે. આ બ્રીજના નિર્માણ બાદ ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ થઈ જશે તેવું મહાપાલિકાના ઈજનેરો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.