Abtak Media Google News
  • જીટીપીએલનો કર્મચારી નહિ હોવા છતાં પૈસા લઇ બનાવટી પહોંચ આપી છેતરપિંડી કરી ગયો: ભક્તિનગર પોલીસે તપાસ આદરી

શહેરમાં ઈન્ટરનેટ સુવિધાના નામે આર્થિક છેતરપિંડી આચરવાની અલગ અલગ ત્રણ ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ત્રણેય ફરિયાદમાં આરોપી તરીકે એક જ શખ્સને દર્શાવવામાં આવ્યો છે. જેથી એક જ શખ્સે અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, બનાવટી પહોંચ આપીને ભેજાબાજ શખ્સે હજારો રૂપિયાની છેતરપિંડી આચરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કીર્તિધામ સોસાયટીમાં રહેતા ફીરોઝખાન લતીફખાન પઠાણે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપી તરીકે મૌલીક જગદીશભાઈ ભગલાણીનું નામ આપ્યું છે. ફરિયાદ અનુસાર ફરિયાદીનો મોટો દીકરો કોમ્પ્યુટર એન્જીનીયર હોય અને નાનો દિકરો બી.સી.એ. કરતો હોય જેથી બન્નેને ઇન્ટરનેટની ખુબ જ જરૂરીયાત હોય ત્યારે તેઓ અગાઉ વિનોદનગરમાં રહેતા હોય ત્યા ફરિયાદીએ જીટીપીએલનુ કનેકશન નખાવેલ હોય. ત્યારે જીટીપીએલ કંપનીમાં કામ કરતા મૌલીક જગદીશભાઈ ભગલાણીનો નંબર ફરિયાદી પાસે હતો.

ચાલુ માર્ચ મહીનામાં ફરિયાદીએ ઈન્ટરનેટ લેવા માટે મૌલીક ભગલાણીનો સંપર્ક કરતા મૌલીકએ જણાવેલ કે હું હજી જીટીપીએલમાં નોકરી કરૂ છુ, તમે સાંજે ભેગા થાવ તેમ કહેલ હતું. જે બાદ ભવાની ચોકમાં મૌલીક મળવા માટે આવેલ હતો. ત્યારબાદ આ મૌલીકએ જણાવેલ કે તમે મને રૂ. 6353 ઓનલાઇન ટ્રાન્સફર કરી જેથી 80 એમબીપીએસનો પ્લાન શરૂ થઈ જશે. આ વાત કરતા તેને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરેલ હતા.

ત્યારબાદ મૌલીકએ જણાવ્યું હતું કે, આવતીકાલે તમને પહોંચ આપી દઈશ અને મને જીટીપીએલના લોગો સાથેની પહોંચ મોકલેલ હતી. ત્યારબાદ ચાર-પાંચ દિવસ સુધી કનેકશન ચાલુ થયેલ ન હોય જેથી ફરિયાદીએ મૌલીકને ફોન કરતા તેણે જણાવેલ કે હજુ નવો સ્ટાફ છે અને 5જીના રાઉટર મળતા નથી. તમે બે-ત્રણ દિવસ સુધી રાહ જુઓ. ત્યારબાદ આ મૌલીકએ ફોન ઉપાડવાના બંધ કરી દિધેલ હતા. ફરિયાદીને શંકા જતાં નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર આવેલ જીટીપીએલની મેઇન ઓફીસએ તપાસ કરવા ગયેલ ત્યારે ત્યાંના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તમારી સાથે ફ્રોડ થયેલ છે, આ અમારો કર્મચારી નથી. આમ કહેતા મે પહોંચ બતાવેલ તો આ પહોંચમાં લોગો અમારો છે પરંતુ આ વર્ડ સાથે મેચ થતુ નથી તેમ જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ 1930 હેલ્પલાઇનમાં ઓનલાઈન ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પ્રકારે જ રહીલ રસિકભાઈ અને હરેશ હંસરાજભાઈ કતબાએ પણ છેતરપિંડીણી ફરિયાદ નોંધાવી છે. મૌલીક ભગલાણીએ આ બંને લોકો સાથે પણ અનુક્રમે રૂ. 12,726 અને રૂ. 6999ણી છેતરપિંડી આચરી છે. હાલ આ મામલે પોલીસે અલગ અલગ ત્રણ ગુન્હા દાખલ કરી તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.