Abtak Media Google News

સહેલાણીઓ માટે 20 બેન્ચીસ, સ્મોલ કેટના ત્રણ પાંજરામાં આર્ટીસ્ટીક ઝાડ સ્ટેજ, પેરેટ એવીયરીના 10 પાંજરામાં ઝાડ હટ, ફ્રીઝન્ટ એવીયરી અને વોક ઇન એવીયરીમાં હટની સુવિધા ઉભી કરવા રૂ.35.36 લાખ ખર્ચાશે

સૌરાષ્ટ્રભરના સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં તાજેતરમાં મેંગલોર અને પૂને ઝૂ ખાતેથી અલગ-અલગ 28 પક્ષી અને પ્રાણીઓનો આગમન થયું છે. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ઝૂ ખાતે મૂલાકાતી ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓ માટે સુવિધામાં પણ વધારો કરવામાં આવશે. જેના માટે રૂ.35.36 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રદ્યુમન પાર્ક હવે સૌરાષ્ટ્રનું એક સર્વશ્રેષ્ઠ ફરવા લાયક સ્થળ બની ચુક્યું છે ત્યારે તેમાં સતત સુવિધાઓનો વધારો કરવામાં આવી રહ્યો છે.

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સ્મોલ કેટના પાંજરામાં આર્ટીસ્ટીક વર્ક હેઠળ બે ઝાડ અને એક સ્ટેજ બનાવવા આવશે. જ્યારે પેરેટ એવીયરીના 10 પાંજરામાં પાંચ ઝાડ અને પાંચ હટનું નિર્માણ કરવામાં આવશે. ફ્રિઝન્ટ એવીરયના આઠ પાંજરામાં હટ બનાવવામાં આવશે. જ્યારે વોક ઇન એવીયરીના પાંજરામાં ત્રણ હટ બનશે. મુલાકાતીઓ માટે 20 બેન્ચીંસ મૂકવામાં આવશે. આ કામ માટે રૂ.35.36 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સહિત અલગ-અલગ 29 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

કોર્પોરેશનની 6 હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અપાશે

પ્રતિ નંગ રૂ.296 લેખે 1400 સ્કૂલબેગની ખરીદી કરાશે

કોર્પોરેશનની અલગ-અલગ 6 હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા આશરે 1400 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવામાં આવશે. આ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં કુલ પાંચ એજન્સીઓએ ઓફર આપી હતી. જે અંતર્ગત અમદાવાદની હનુમંતા એન્ટરપ્રાઇઝ નામની કંપની ટેકનીકલી ડિસક્વોલીફાઇ થઇ હતી. રાજકોટની આદીનાથ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા પ્રતિ નંગ સ્કૂલબેગ રૂ.296.10માં આપવાની ઓફર આપવામાં આવી હતી. આ એજન્સી પાસેથી વાર્ષિક 1400 નંગ મુજબ બે વર્ષ માટે સ્કૂલબેગ ખરીદવા અંગે મંજૂરી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધાર કાર્ડ કેન્દ્રનું કરાશે રિનોવેશન

આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોનું ધસારો સતત રહે છે. અરજદારોની સુવિધા માટે હવે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલા આધાર કેન્દ્રોનું રિનોવેશન કરવામાં આવશે. 160 ચો.મીટર ક્ષેત્રફળમાં ફર્નિચર કામ, કબાટ-ટેબલ, પીઓપી, એલ્યુમીનીયમ સેક્શન બારી તેમજ અન્ય સિવિલ વર્ક માટે રૂ.15.53 લાખના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં એકમાત્ર એજન્સી મહારાણા ડેવલોપર્સ દ્વારા 26.10 ટકા ઓન સાથે આ કામ કરવા માટે ઓફર આપવામાં આવી હતી. વાટાઘાટાના અંતે એજન્સી 23.90 ટકા ઓન સાથે કામ કરવા સહમત થઇ હતી. આધાર કેન્દ્રના રિનોવેશન માટે રૂ.19.24 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.