Abtak Media Google News

વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ મેંગલોર અને પૂના ઝૂથી અલગ-અલગ 28 પ્રાણીઓને રાજકોટ ઝૂ ખાતે લવાયા: હાલ તમામ ક્વોરેન્ટાઇન, આવતા સપ્તાહે સહેલાણીઓ માટે પ્રદર્શિત કરાશે

અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રના સહેલાણીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ મેંગલોર અને પૂના ઝૂ ખાતેથી અલગ-અલગ પ્રકારના 28 પ્રાણીઓને રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. વાતાવરણ સાથે સેટ થઇ જાય તે માટે તમામને હાલ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દિપડો, જંગલી શ્ર્વાન, અજગર અને ઝરખ સહિતના પ્રાણીઓને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા તથા ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા એક એશિયાઇ સિંહ, ભારતીય વરૂની એક જોડી, શિયાળની એક જોડી, કોમ્બડક પક્ષીની એક જોડી, સિલ્વર ફિઝન્ટ પક્ષીની એક જોડી, ફિન્ચ પક્ષીની ચાર જોડી અને ગોલ્ડન ફિઝન્ટ નર પક્ષી મેંગલોર સ્થિત પિલીકુલ્લા ઝૂને આપવામાં આવ્યા છે. જેની સામે પિલીકુલ્લા ઝૂ પાસેથી ભારતીય ઢોલ (જંગલી કૂતરા)ની બે જોડી, માદા દિપડો, પામ સિવેટ કેટની બે જોડી, રેટીક્યુલેટેડ પાયથન (સાપ)ની એક જોડી, રસેલ્સ વાઇપર (સાપ)ની એક જોડી અને મોન્ટેન ટ્રીકેન્ટ (સાપ)ની બે જોડી, ગ્રીન વાઇન સ્નેક (સાપ)ની એક જોડી, રેડ સ્નેક (સાપ)ની એક જોડી, વ્હીટેરસ બોઆ (સાપ)ની બે જોડી રાજકોટ ઝૂને આપવામાં આવી છે.

આ ઉપરાંત પૂનાના રાજીવ ગાંધી જીઓ લોજીકલ પાર્કને રાજકોટ ઝૂ દ્વારા ભારતીય વરૂ નર એક અપાયો છે. જેની સામે એક નર ઝરખ રાજકોટ લાવવામાં આવ્યો છે.

વાઇલ્ડ ડોગ (ભારતીય જંગલી શ્ર્વાન):-

વાઇલ્ડ ડોગને ધોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઇલ્ડ ડોગ આકર્ષક, લાલ-ભુરા કલરના મધ્યમ કદના શ્વાનકૂળના પ્રાણીઓમાં સમાવેશ થાય છે. જેની ઉંચાઇ લગભગ 20 ઇંચ તથા પૂંછડી કાળી અને દોઢ ફૂટ જેટલી લાંબી હોય છે. આ શ્વાન જંગલોમાં જૂથમાં રહે છે.  ગુજરાતના જંગલોમાં વાઇલ્ડ ડોગ જોવા મળતા નથી. ગુજરાતમાં માત્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બાદ હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે વાઇલ્ડ ડોગ જોવા મળશે.

પામ સિવેટ કેટ (તાડ બિલાડી):-

તાડ બિલાડી તાડીનો રસ, ફળો, પક્ષીઓ અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતમાં શુલપાણેશ્વર અભયારણ્ય, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, વલસાડ અને ડાંગનાં જંગલોમાં જોવા મળે છે. મોટાપણે આંબા તથા તાડનાં વૃક્ષો પર જોવા મળે છે.

રેટીક્યુલેટેડ પાયથન (જાળીદાર અજગર):-

રેટીક્યુલેટેડ પાયથન દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં જંગલોમાં જોવા મળતો બિનઝેરી સાપ છે. દુનિયાનાં ભારેખમ સાપમાં તેનો સમાવેશ થાય છે. જાળીદાર અજગર ખુબજ સારા તરવૈયા છે. તેમાં શરીર પરની આકર્ષક ડીઝાઇનને કારણે મુલાકાતીઓમાં ખુબ પ્રચલિત પ્રાણી છે.

રસેલ્સ વાઇપર  (ખડચિતળો):-

ખડચિતળો વાઇપર કુળનો ભારતીય ઉપખંડનો નિવાસી સાપ છે. ભારતમાં જોવા મળતા મુખ્ય ચાર ઝેરી સાપ પૈકીનો એક છે. તેનું માથુ ચપટુ અને ત્રિકોણાકાર હોય છે. જે ગળાથી અલગ પડે છે. કુલ લંબાઇ 04 ફુટ સુધી હોય શકે છે. ઘાસનાં જંગલોમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં નીકળે છે.

મોન્ટેન ટ્રીન્કેટ (મોન્ટેન રૂપસુંદરી):-

મોન્ટેન રૂપસુંદરી પશ્ચિમ ઘાટની મુળ નિવાસી બિનઝેરી સાપની જાતિ છે. આ સાપ સોંદર્યનાં પ્રતિક તરીકે માનવામાં આવે છે. રૂપસુંદરીની આંખની પાછળ એક ત્રાંસી કાળી લીટી હોય છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, અને તામિલનાડુમાં જોવા મળે છે. તે પક્ષીઓ દેડકા ગરોળી અને અન્ય સાપનો પણ શિકાર કરે છે.

ગ્રીન વાઇન સ્નેક (લીલવણ):-

લીલવણ લાંબા મોઢાવાળા ચાબુક સાપ તરીકે પણ ઓળખાય છે. તે ભારતનાં પશ્ચિમ ઘાટનાં જંગલોમાં જોવા મળે છે. લીલવણ હળવા ઝેરી હોય છે. તેનો મુખ્ય ખોરાક દેડકા અને ગરોળી છે. લીલવણ વેલાઓમાં છુપાઇને જીવન જીવે છે.

રેટ સ્નેક (ધામણ):-

આ સાપ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોવાથી ખેડુતનાં મિત્ર તરીકે ઓળખાય છે. બિનઝેરી સાપ છે. તે શિકારની આસપાસ તેમના શરીરને લપેટીને અને સંકોચન દ્વારા શિકારને ગુંગળાવી દે છે.

વ્હીટેકર બોઆ:-

આ બોઆ પ્રજાતિનો બિનઝેરી સાપ છે. તે ભારતનો નિવાસી સાપ છે. અમેરિકન સર્પશાસ્ત્રી રોમ્યુલસ વ્હીટેકરનાં માનમાં આ સાપને વ્હીટેકર બોઆ કહેવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ ભારતમાં કેરળ કર્ણાટક ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તે મુખ્યત્વે દરિયા કિનારા અને ઝાડીવાળા જંગલોમાં રહેણાંક ધરાવે છે. તે મુખ્યત્વે ઉંદરનો શિકાર કરે છે. તે બચ્ચાને જન્મ આપે છે.

ઝરખ:-

ઝરખએ  ઉત્તર અને પૂર્વ આફ્રિકા મધ્ય એશિયા અને ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક હાડકા છે. તે જંગલોનાં સફાઇ કામદાર તરીકે ઓળખાય છે. તે નિશાચર પ્રાણી છે. તેનાં આગળનાં પગ લાંબા અને પાછળનાં પગ ટુંકા હોય છે. તેમજ શરીર પર ભરાવદાર વાળનું આવરણ હોય છે. તે હસવા/રડવા જેવા અવાજો કરે છે.

પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 539 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.