Abtak Media Google News

ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણેબગીમાં મુમુક્ષુ પાયલબેન અને મુમુક્ષુ રિયાબેન સાથે બેન્ડની ધૂન, નૃત્ય, કીર્તના કરતાં શ્રેષ્ઠિવર્યો અને સેંકડો ભાવિકો સાથે શોભાયાત્રાએ ગોંડલને જયકારથી ગુંજવ્યું

અબતક, રાજકોટ

સંસાર સાગરમાં ભમી રહેલા અનેક આત્માઓને ઉગારીને જિનશાસનની ઉજળી પરંપરાને ગૌરવ બક્ષી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં દીક્ષા અંગીકાર કરવા તત્પર બનેલા સાત-સાત આત્માઓના સન્માન કરીને ધન્યાતિધન્ય બનેલા, ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ફરીને વધુ બે આત્માઓના ‘સંયમ અનુજ્ઞા અર્પણમ’નો અવસર યોજાતા સંઘ કૃતકૃત્ય બન્યો હતો.

આગામી ફેબ્રુઆરી મહિનામાં પરમ ગુરુદેવનાં શરણમાં સાત સાત મુમુક્ષુ આત્માઓ સાથે સંયમ અંગીકાર કરવા સજજ બનેલા વધુ બે આત્માઓ મુમુક્ષુ પાયલબેન પનપારિયા અને મુમુક્ષુ રિયાબેન દડિયાની દાદા ગુરુદેવ પૂજય ડુંગરસિંહજી મહારાજ સાહેબની ગાદીના દર્શન અર્થે ગોંડલમાં પાવન પધરામણી યોજાતા સમગ્ર સંઘ અત્યંત ભાવ ભકિત સાથે એમનું સન્માન કરવા ઉત્સાહી બન્યો હતો.

દીક્ષાર્થીઓની ત્યાગ ભાવનાને વધાવતાં આ અવસરે શોભાયાત્રા મનીષભાઇ નવીનચંદ્ર દેસાઇ પરિવારના આંગણેથી પ્રારંભ કરવામાં આવી હતી દેવ વિમાન સમી સુશોભિત બગીમાં શોભતાં દીક્ષાર્થીઓ, મસ્તકે મંગલ કલશ લઇને અનુમોદના કરતા ઉત્સાહી બહેનો, ગાજના બેન્ડના તાલે નૃત્ય કિર્તના કરતા સંઘ શ્રેષ્ઠિવર્યો, જયકાર ગુંજવતા લુક એન લર્નનના દીદીઓ, બાળકો અને સેંકડો ભાવિકોથી શોભતી આ શોભાયાત્રા સંઘના આંગણે  વિરામ પામતા જ અત્યંત અહોભાવથી દીક્ષાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી અને રોયલ પાર્ક સ્થ્ાનકવાસી જૈન સંઘના ચંદ્રકાંતભાઇ શેઠએ ભાવોની અભિવ્યકિત દ્વારા મુમુક્ષુઓને શુભેચ્છા વંદન અર્પણ કર્યા હતા.

એ સાથે જૂ. પ્રવીણભાઇએ આ અવસરે ઉપસ્થિત મુમુક્ષુ રિયાબેનના માતા-પિતા સમક્ષ મુમુક્ષુઓના સંયમ જીવનના રક્ષણની જવાબદારી સ્વીકારીને એમના ત્યાગ પ્રત્યે અહોભાવ વ્યકત કર્યો હતો.

રિયાબેનના માતા-પિતા દર્શનાબેન અને કલ્પેશભાઇનું આ અવસરે ભાવભીનું સન્માન કર્યા બાદ મુમુક્ષુ રિયાબેને પોતાના સંયમ ભાવની અભિવ્યકિત કરતા કહ્યું હતું કે, જગતમાંથી પ્રાપ્ત હતું બધું  જ અંતે છૂટી જવાનું છે અને બધા જ સુખ માણ્યા પછી જયારે આ અંદરમાં અનુભવાયું ત્યારે આ સંયમ માર્ગ પર આવી રહી છું. મુમુક્ષુ પાયલબેને આ અવસરે અંતરના સંયમ ભાવોનું દર્શન કરાવતા કહ્યું હતું કે જીવનના દરેક ટોરગેટ, દરેક ટારગેટ માંથી મળતી હેપીનેસ અને સ્વયં આ પાયલ પર ટેમ્પારી છે તે સત્ય સમજાઇ ગયું ત્યારે અંતરમાંથી અવાજ આવવા લાગ્યો કે, લેવા જેવો તો સંયમ છે.

ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામમાં પરંપરા અનુસાર ગોંડલ સંપ્રદાયની અનુજ્ઞા સંઘો દ્વારા આપવામાં આવી હતી.

સંઘ પદાધિકારીઓ, તેમજ ડુંગર ગુરુ મહિલા મંડળના બહેનોના હસ્તે દીક્ષાર્થીઓનું બહુમૂલ્ય સન્માન થયા બાદ ડુંગરગુરુ મહિલા મંડળ દ્વારા આ અવસરે સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

પૂજય તરુબાઇ મહાસતીજી દ્વારા દીક્ષાર્થીઓને સંયમ જીવનની શુભેચ્છા અને આશીર્વાદ પ્રદાન કરવા સાથે એમના મુખેથી માંગલીક વચનોના પ્રાગટયની ક્ષણો આ અવસરને વિરામ આપી ગઇ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.