Abtak Media Google News

ભાવનગરના લોકપ્રિય દૈનિકમાં મોટા અક્ષરે સમાચારો પ્રસિધ્ધ થયા “વી.આઈ.પી.રેઈડમાં વી.આઈ.પી. આરોપીઓની મહેફીલમાં ભંગાણ !

સામાન્ય રીતે દરેક પોલીસ સ્ટેશનનું વર્ષમાં એક વખત ઈન્સ્પેકશન જિલ્લાના પોલીસ વડા કરતા હોય છે. આ તપાસણીમાં પોલીસ સ્ટેશનની આખા વર્ષ દરમિયાનની કામગીરી, દફતરોની જાળવણી, ક્રાઈમ રેટ, શિસ્ત વીની તો તપાસણી થાય છે અને આમ જનતાનો દૃષ્ટિકોણ પણ જાણવામાં આવે છે.

તળાજા પોલીસ સ્ટેશનની આ વાર્ષિક તપાસણી હતી એક થયા બીજા કારણોસર ચારેક મહિનાથી પાછી ઠેલાતી હતી. પરંતુ જયદેવ તળાજા હાજર થયા બાદ તેણે ટીમ વર્કી જે ઝુંબેશ ઉપાડી  તેનાથી તળાજા પોલીસ સ્ટેશનના તમામ પ્રકારના તુમારો, અરજીઓ, ગુન્હાની પેન્ડન્સી ઓછી થઈ ગઈ હતી અને પોલીસનું ડીટેકશન તથા પોલીસની છાપ જનતામાં સારી એવી ઉભી થયેલી હતી. તેથી પોલીસવડાએ તળાજાનું વાર્ષિક ઈન્સ્પેકશન ગોઠવી દીધુ. આથી જયદેવે પોલીસવડાને વિનંતી કરી કે હજુ થોડી પેન્ડન્સી બાકી છે અને વળી લોકસભા ની ચુંટણી પણ આવી રહી છે તો ઈન્સ્પેકશન ત્યાં સુધી પાછુ ઠેલો તો સારું આથી પોલીસવડા એ કહ્યુ “પેન્ડન્સી તો જુની છે ને  ? વળી ચુંટણી તો રાજકીય ઉમેદવારો અને પક્ષોને લડવાની હોય તેમને ઉપાધી, આપણે શું ? આમ તળાજા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન શ‚ થયુ.

જયદેવે છેલ્લા દોઢેક મહિનામાં જે કામગીરીની ઝુંબેશ ઉપાડેલી તેના પરીણામ સ્વ‚પ પોલીસવડાએ તપાસણી દરમ્યાન જ જયદેવ સહીત કામ કરનાર તેના જવાનો ને સારી કામગીરી સબબ ક્રાઈમ ડીટેકશન, ક્રાઈમ રેકર્ડ, ગુપ્ત રેકર્ડ, આર્મ્સ એન્ડ એમ્યુનેશન, એકાઉન્ટસ, પરેડ વિગેરે બાબતોમાં સારા એવા ઈનામોની નવાજેશ કરી આથી જવાનોનો કામ કરવાનો ઉત્સાહ તથા ઉમંગ વધ્યો. આ તપાસણી દરમ્યાન જ પોલીસવડાને ભાવનગર ખાતે કાંઈક અગત્યની કામગીરી આવી જતા આ ઈન્સ્પેકશન નોંધનું વાંચન અને જનતા દરબાર બાકી રહ્યો.

જયદેવ ને આમ તો પોલીસ સ્ટેશન સિવાય કયાય બેઠક ઉઠક હતી નહિ કેમ કે તે એવું માન તો કે તે બેઠકને કારણે કોઈ ને ખાસ તો રાજકીય અને જ્ઞાતિવાદ અંગે ભેદભાવની પક્ષપાતની શંકા થાય, પોલીસનું કાર્ય જ ન્યાય પહેલાનું પ્રાથમીક તપાસનું છે. તળાજામાં એક મેડીકલ હોલ જથ્થાબંધ દવાઓ ડીસ્ટ્રીબ્યુટ કરવાનો હતો, તેના માલીક બ્રાહ્મણ સારૂ એવા ભણેલા અને વિદ્વાન પણ રાજકારણી હતા તેઓ રાષ્ટ્રીય પાર્ટી સાથે જોડાયેલા હતા. આ મેડીકલની એફીસ મુખ્ય બજારમાં જ હતી.

આ મેડીકલ વાળામિત્ર જયદેવને તેમની ઓફીસે ચા-પાણી પીવા આવવાનું વારંવાર આમંત્રણ આપતા હતા આથી જયદેવ તેમને કહેતો તમારા રાજકીય હોદાને કારણે ત્યાં આવવાથી જાહેર જનતાને ખાસ તો સતાધારી પક્ષ રાષ્ટ્રવાદીઓને વગર કારણે ફકત ત્યાં બેસવાને લીધે જ શંકા થાય તે બરાબર નહિ. આથી મેડીકલના માલીકે કહ્યુ કે તમને એમ હોય તો આ રાષ્ટ્રીવાદી પક્ષના તળાજા તાલુકાના પ્રમુખ અને સર્વોચ્ચ પદાધીકારી પણ તમે આવો ત્યારે સાથે જ બોલાવુ તો  ? આમ જયદેવની બેઠક આ મેડીકલમાં રાષ્ટ્રીય પાર્ટીના અગ્રણી, રાષ્ટ્રવાદી પાર્ટીના આ નેતા અને ઠળીયા હાઈસ્કુલના નિવૃત આચાર્ય સાથે શરૂ થઈ આ મુલાકાતોમાં તે સિવાય પણ બીજા એક બે જણા ઓઈલ મીલ વાળા વિગેરે આવતા જતા રહેતા પણ આ ચાર જણા તો અઠવાડીયે એકાદ વાર અવશ્ય મળીને ચા-પાણી પીતા.

આ મુલાકાતમાં સ્થાનીક સામાન્ય વાતો બનાવોની ચર્ચા થતી અને સાથે રાજકારણની ચર્ચા ન થાય તો જનવાઈ કહેવાય ! ગામે ગામના રાજકારણ થી લઈને તાલુકો જિલ્લો, રાજય અને દિલ્હી સુધીના રાજકારણની ચર્ચા થતી મેડીકલવાળા સારૂ ભણેલા તો ખરાજ પણ વિદ્ધાન બ્રાહ્મણ અને વળી પાછા રાજકરણી અને તેમના ટેકામાં ઠળીયાના નિવૃત આચાર્ય આથી રાજકીય મુદ્ાની ચર્ચામાં આ બંને જણા ભેગા થઈને ચર્ચામાં હોય તે સિવાયના પોતે બુધ્ધી પુર્વક ઉપજાવી કાઢેલ તર્ક મુદાઓથી દલીલો કરી આ રાષ્ટ્રવાદીના તાલુકા પ્રમુખને મુંઝવી દેતા. આથી જયદેવ વ્યાજબી અને ન્યાયીક બાબતોમાં દાખલા દલીલ કરીને તાલુકા પ્રમુખને ટેકો આપતો અને રાષ્ટ્રીય પાર્ટીના બંને નેતાઓને મુંઝવી દેતા. આથી આ બંને રાષ્ટ્રીય પાર્ટીવાળા જયદેવને કહેતા સાહેબ તમે સરકારી કર્મચારી છો તમારે આ બાબતે કાંઈ બોલાય નહિ. આથી જયદેવ તેમને કહેતો દેશની લોકશાહી અને સુરક્ષાના મુદે જનહિત ની બાબતમાં જે હકીકત સત્ય વાસ્તવીક હોય તે કહ્યુ તે પક્ષપાત નથી. આમ લગભગ તમામ ચર્ચાઓમાં જયદવેને રાષ્ટ્રવાદી તાલુકા પ્રમુખ સાથે જ રહેવુ પડતુ. આ તાલુકા પ્રમુખ ગામડાના રહીશ થોડુ ઘણું ભણેલા પરંતુ ઉંમરના પ્રમાણમાં પદ અને સતા વધારે મળી ગઈ હતી. પરંતુ મુખ્ય લાયકાત તેમની આર્થિક સધ્ધરતા હતી. પરંતુ આ મેડીકલવાળા અને નિવૃત આચાર્ય તો જમાના ખાધેલા, રાજકારણના અનુભવી અને પીઢ કાર્યકર હતા. પરંતુ તેમની તકલીફ એ હતી કે આજદીન સુધી સત્તારૂપી મેવા ખાધેલા અને અત્યારે વિરોધપક્ષે બેસવાનો વારો હતો. વળી જયદેવના મતે તો તેમની પાર્ટીને નજીક ભવિષ્યમાં પણ સતાનો સ્વાદ ચાખવા મળે તેમ ન હતો. તેમ છતા ચારેય જણા લોકશાહી ઢબે આનંદ થી નિર્દોષ ભાવે ચર્ચા કરી ચા-પાણી નાસ્તા માટે સમયાંતરે મળતા રહેતા.

આ સત્તાધારી રાષ્ટ્રવાદી તાલુકા પ્રમુખને જયદેવ આ મીટીંગો સિવાય પણ કોઈ ન્યાયીક વ્યાજબી બાબતમાં જરૂર પડયે સલાહ માર્ગદર્શન અને મદદ પણ કરતો.

આ દરમ્યાન પોલીસવડાના ઈન્સ્પેકશન નોંધના વાંચન અને તળાજાના લોકો માટેનો દરબાર  એટલે કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અગ્રગણ્ય નાગરીકો, બુધ્ધીજીવીઓ, રાજકીય નેતાઓ, વેપારી સંગઠન એકઠા કરી ગામ-જનતા કાયદો અને વ્યવસ્થા સંબધે ચર્ચા વિચારણા કરતા તે મીટીંગ કે મુલાકાત જેમાં થતી સલાહ સુચના તથા ફરીયાદો સાંભળવામાં આવતી. જયદેવનો અનુભવ એવો હતો કે મોટે ભાગે આવી મીટીંગમાં લોકો ટ્રાફીક અડચણ, પેશકદમી અને નાઈટ રાઉન્ડ માટે ખાસ રજુઆતો કરતા. જુના જમાનામાં રાજાઓ જનતાની કચેરી ભરતા અને મોગલ બાદશાહો દિવાને આમ ભરતા તેનું કાંઈક અંશે અનુકરણ લાગે છે.

આ પોલીસના લોક દરબારમાં આમંત્રણ કોને કોને આપવા તે અંગે ખાસ કોઈ  નિયમ નથી. પરંતુ તમામ આગેવાનો, નેતાઓને પોલીસતંત્ર બોલાવતુ હોય જયદેવે જુના પીઢ અને અનુભવી જમાદાર ચંદુભા સરવૈયાને આવા પ્રતિષ્ઠિત આગેવાનોના નામની યાદી તૈયાર કરવા જ્ણાવતા તેમણે વિચારીને જુના ઈન્સ્પેકશન વખતના લોક દરબારની યાદી જોઈ સુધારો કરી જયદેવને યાદી આપી જેમાં આ મેડીકલના માલીક, નિવૃત પ્રિન્સિપાલ અને તાલુકા પ્રમુખના નામો પણ હતા તે ઉપરાંત તળાજા નગરપંચાયતના પ્રમુખ વિગેરેના પણ નામો હતા. પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ જવાનને રૂબરૂ મોકલી તમામને નિર્ધારીત તારીખ અને સમયે પોલીસ સ્ટેશનમાં લોક દરબારમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયુ અને તમામ તારીખ સમયે હાજર રહ્યા.

સાંજના પાંચ વાગ્યાનો લોકદરબારનો સમય હતો પણ આગેવાનો સાડાચાર વાગ્યે આવવા લાગ્યા હતા. પોલીસવડા ચાર વાગ્યે તળાજા પોલીસ સ્ટેશનમાં આવી ગયેલા અને ઉતાવળે ઉતાવળે નોટ રીડીંગનું કામ પુરૂ કર્યુ નોટમાં સારા ક્રાઈમ કંટ્રોલ અને ડીટેકશન તથા ડીસ્પોઝલ અંગેના વખાણ કરી નોંધ પુરી કરી અને લોકદરબાર ચાલુ કરી દીધો. તમામ આગેવાનો ખુરશી ઉપર ગોઠવાઈ ગયા. પોલીસ વડાએ તમામને આવકારીને જે કોઈ સલાહ સુચનાઓના મુદાઑ હોય તે રજુ કરવા જણાવ્યુ. જયદેવના અનુમાન મુજબ જ ટ્રાફીક સમસ્યાની વધારે પડતી ચર્ચા થઈ તળાજા જુની બાંધણીનું શહેર, વાહનોનો વધારો વસ્તીનો વધારો વિગેરે બાબતોની ચર્ચાઓ થઈ. પોલીસ દળમાં મંજુર સંખ્યાબળ કરતા પણ ઓછા પોલીસ જવાનો હોવાની રજુઆત થઈ. વિકાસ થતા વિસ્તાર અને સમૃધ્ધિ તથા વસ્તી વધે તો તેની સુરક્ષા પણ વધવી જોઈએ તેવી રજુઆતો થઈ. પોલીસવડાએ જણાવ્યુ  આ બાબત સરકારની પોલીસી મેટર છે છતા અમે  ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા જ હોઈએ છીએ છતા તેની નોંધ લીધી. પછી કોઈ ખાસ ચર્ચા નહિ હોય પોલીસ વડાએ કોઈને ખાસ સુચન હોય તો કરવા જણાવ્યુ આથી તાલુકા પ્રમુખ અને રાષ્ટ્રવાદી આગેવાન ઉભા થયા. અને તેમની ગામઠી ભાષામાં કહ્યુ “સાહેબ અમારે તળાજામાં પોલીસ ખુબ બળ કરે છે છતા દારૂનું વેચાણ જ બંધ થતુુ નથી તેનો કોઈ ઉપાય ? પોલીસવડાએ કહ્યુ સાચી વાત છે પોલીસ પ્રયત્નો તો કરે જ છે પણ જયાં સુધી પીવા વાળા હશે ત્યાં સુધી તો થોડી ઘણી તકલીફ રહેવાની જ. આથી અમુક અગ્રણીઓએ ઉભા થઈને કહ્યુ “સાહેબ પોલીસ ખરેખર પ્રયત્નો કરે જ છે. પણ આતો કળીયુગ છે એમ કાંઈ તાત્કાલીક રામ રાજય થોડુ સ્થપાઈ જાય ? આથી રજુઆત કરનાર તાલુકા પ્રમુખના વૈચારીક હરીફે ઉભા થઈને બ્યંગ માં જ કહ્યુ સાચી વાત છે પ્રમુખ સાહેબ તમારા ગામના છોકરા જ મોટર સાયકલની ડેકીમાં દારૂની કોથળીઓ નાખીને હરતા ફરતા વેચી જાય છે. આથી વધુ આક્રમક ચર્ચા આગળ વધે તે પહેલા પોલીસ વડાએ તમામ ને કહ્યુ મને ફોજદાર જયદેવનો દોઢેક વર્ષનો પરીચય છે તે પ્રમાણીક પ્રયત્નો કરે જ છે પ્રમુખને કહ્યુ તમે આ બાબતે કયારેય જયદેવનું ધ્યાન દોયુ છે ? આથી પ્રમુખે માથુ ઘુણાવીને ના પાડી તેથી પોલીસવડાએ કહ્યુ તમારે જે તકલીફ હોય ને જયદેવ પાસે રજુઆત કરો નહિ તો મને લખી જણાવજો અને પોલીસ વડાએ જયદેવને કહ્યુ મારે ભાવનગર અગત્યની મીટીંગ છે તમે આ લોકોને સાંભળી ચા પાણી કરાવો તેમ કહી તેઓ રવાના થયા.

જયદેવે લોકદરબાર આગળ ચાલાવ્યો. ચા પાણી નાસ્તા કર્યા કોઈને રજુઆત ન હતી અને તમામ જુદા પડયા પણ જેઓ ખાસ અંગત હતા તેઓ વાતો કરતા વધુ રોકાયા, જેમાં મેડીકલ વાળા, નિવૃત પ્રિન્સીપાલ અને તાલુકા પ્રમુખ તથા તળાજા નગરપાલીકાના પ્રમુખ વિગેરે રોકાયા. જયદેવે હવે અંગત મિત્રો જ બાકી હોય તાલુકા પ્રમુખ વાળો દા‚નો મુદ્દો ઉખેળ્યો અને કહ્યુ “અરે યાર હંમેશા મારી સાથે બેસો છો અને મને કાંઈ રજુઆત કરતા નથી અને આજે બારોબાર પોલીસવડાને ? આથી અન્ય ઠાવકા આગેવાનોએ તાલુકા પ્રમુખને સમજાવ્યા કે આપણે તો જાહેર જીવનમાં પડેલાને જેમ તેમ ન બોલાય સમાજ તો દરીયા જેવો વિશાળ છે તેમાં મગરમચ્છ પણ હોય અને મોતી પણ હોય આમ અણગમતી સલાહ મળતાએ પણ જયદેવની હાજરીમાં તેઓ ઉશ્કેરાયા અને સત્તા તથા સંપતિના મદમાં બોલ્યા કે હું કયાં સાપ પકડવાના ધંધા કરુ છું તે ડરુ ? દરમિયાન એક મિત્ર એ ટીખળ કરી “જવા દોને હવે આ તો બાર વર્ષે બાવો બોલ્યો ઉઠ બચ્ચા કાળ પડયો આ સાંભળી તમામ હંસવા લાગ્યા. તેથી પ્રમુખને વધારે અપમાન લાગ્યુ આથી તેઓ ઉશ્કેરાઈ ગયા અને બોલ્યા થઈ તો હોય તેવુ તો કહેવાય જ ને ? આથી જયદેવે મલકાઈને પ્રમુખને કહ્યુ સાચી વાત છે જે હોય તેવુ કહેવાય જ વ્યવહારીક સારૂ લાગે તેેવુ બોલાય વાતનો અર્થ તો સરખો જ હોય છે તમે હવે તમારા ગામનો જે છોકરો મોટર સાયકલ ઉપર દારુ વેચી જાય છે તેને ચેતવણી આપી દેજો નહિ તો કોઈ રસ્તો રહેશે નહિ અને આ રજુઆત બુમરેગ થઈ તમારા તરફ જ આવશે. પછી મને દોષ દેતા નહિ. પ્રમુખ જાહેરમાં તેમનાથી થયેલા ભગાથી ભોંઠા તો પડયા જ વધુમાં ઉશ્કેરાઈ પણ ગયા અને કહ્યુ ઈ તો સૌ ના કર્યા સૌ ભોગવે મેં તમામનો થોડો ઈજારો રાખ્યો છે ? આથી જયદેવને મનમાં થયુ કે આ પ્રમુખને જયદેવની મદદ અને ટેકાનો જ અનુભવ છે. તેની કાયદેસરની કાર્યવાહીની ચચરાટીનો ખ્યાલ નથી તે તો હવે બતાવવો જ પડશે. આથી જયદેવે તમામ વાત હળવાશથી લઈ ફરીથી તમામ માટે ચા મગાવી. આ દરમ્યાન તાલુકા પ્રમુખનું  મુખારવિંદ પડી ગયુ હતુ અને હવે તેમને વતાવવા જેવા પણ ન હતા કેમ કે વિના કારણે ચર્ચા જાતેથી ઉખાળી તેઓ જ ભોંઠા પડયા હતા અને ઉશ્કેરાટ માં શુ બોલે છે તેના તેમને ખ્યાલ પણ રહેતો ન હતો.

બે ત્રણ દિવસ પછી જયદેવે તેના જવાનો ખાસ સુચના કરી કે એવી બાતમી મળેલ છે કે મહુવા કામરોળ ચોકડીથી લઈને તળાજીયા ડુંગરની પાછળ જતા રસ્તે સાંજના સમયે મોટર સાયકલોમાં આવીને અમુક ઈસમો હરતા ફરતા દેશી દારૂનો વેપલો કરી જાય છે તે પકડો આથી જેમ સકરો બાજ ચકલીનો શિકાર કરે તેમ સાંજના જ પોલીસ જવાનો એક મોટરસાયકલ વાળાને ડેકીમાં દેશીદા‚ની કોથળીઓ સાથે વેચાણ કરતા જ પકડી લાવ્યા અને દારૂબંધી કાયદા મુજબ કેસ કર્યો. જોગાનું જોગ આરોપી તાલુકા પ્રમુખના ગામનો અને કુટુંબનો જ નિકળ્યો હા, બીજા તો હિંમત પણ કેમ કરી શકે ? આ કેસ થતા જ ખેગાળો થયો ચર્ચાઓ અને લોકોને હંસવાનું અને તાલુકા પ્રમુખને બળતરા થાય તેમ બન્યુ. આ ચર્ચાઓ અને અફવાઓ સાંભળીને તાલુકા પ્રમુખે વળી જાહેર કર્યુ કે પોતાની બદનામી કરવા ફોજદાર જયદેવ આ ખોટા કેસો કરે છે. આ વાત સાંભળીને જયદેવને મનમાં થયુ કે પોતે તો પ્રમુખે કરેલ રજુઆત અને બાતમી મુજબ જ કેસ કર્યો છે આમાં ખોટા કે બદનામ કરવાની કયાં વાત આવી ? પછી થયુ રાજકારણમાં તો ગમે તે બોલાય ગમે તેવા આક્ષેપો કરાય; રાજકારણમાં સફળ થવા બહુ સંવદેનશીલ મગજ કે સ્વભાવ કે સત્યનું કાંઈ સ્થાન નથી. રાજકારણમાં તો અભી બોલા અભી ફોક રાજકારણીઓ તુરત જ બોલી દે મારા નિવેદન નું ખોટુ અર્થઘટન થાય છે મારા નિવેદનને કરડી મચડી ને રજુ કરવામાં આવે છે વિગેરે.

એક  દિવસ એક ધાર્મિક તહેવારના બંદોબસ્તમાં મહુવાના નવા નવા ટ્રેનીંગમાં થી જ આવેલા ડીવાયએસપી તળાજા આવ્યા. બંદોબસ્ત તો  રાત્રીનાં હતો પરંતુ સાંજના બંદોબસ્તની વહેંચણી વિગેરે કાર્યવાહી ચાલતી હતી. દરમ્યાન જયદેવને બાતમી મળી કે તાલુકા પ્રમુખના ફાર્મ હાઉસમાં અલંગની એક મોટા ગજાની હસ્તી સહીતના લોકોએ દારૂની મહેફીલ યોજી છે આથી જયદેવે નવા ડીવાયએસપીને  કહ્યુ કે બાતમી મળી છે કે એક જગ્યાએ સતા અને સંપતિના ધુરંધર માલીકો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જો તમો કહો તો હું એકાદ કલાકમાં જ રેઈડ કરીને આવતો રહુ. આથી નવા ડીવાયએસપી એ કહ્યુ હું થોડો સત્તાધારી કે પૈસાવાળાઓથી ડરૂ છું ? હુ પણ રેઈડમાં સાથે આવુ છુ. આથી જયદેવ મનમાંએ કારણે રાજી થયો કે હવે પોતાને કોઈ ખોટી રેઈડ કરી તેવુ કહી શકે નહિ. છતા તેણે કહ્યુ “સાહેબ આ રેઈડમાં આક્ષેપો થશે અને કદાચ રાજકીય રીતે મોટા પ્રત્યાધાતો પડવાના છે મારી તો તળાજાથી બદલી થાય તો વાંધો નહી તમે વગર કારણે પરેશાન થશો પરંતુ તેઓ માન્યા નહિ.

જયદેવે તાલુકા પ્રમુખના ફાર્મ હાઉસમાં ડીવાયએસપી પંચો સહિત દરોડો પાડયો, જામેલી મહેફીલના રંગમાં ભંગ પડયો સત્તા અને સંપતિના અતિ વિશ્ર્વાસને કારણે તેઓ તમામ બિન્દાસ્ત રીતે મહેફીલની મોજ માણતા માણતા જયદેવના સકંજામાં આવી ગયા. જયદેવે જગ્યાનું મુદામાલ અને આરોપીઓનું  પંચનામુ કરી નાખ્યુ અને તમામને લઈ તળાજા આવ્યો. આરોપીઓને લોકઅપમાં મુકયા. જયદેવ બંદોબસ્તમાં લાગી ગયો. ગુન્હો દાખલ થઈ ગયો. બહારગામ ગયેલા પ્રમુખ પાછા આવતા તેમને આ સમાચારો મળ્યા અને ચકરી ખાઈ ગયા, દોડાદોડી અને ટેલીફોનની રમઝટ ચાલુ થઈ.

પ્રમુખ વધુ જી દે ભરાયા અને ઉચ્ચ લેવલે પાટનગર સુધી રજુઆત કરતા આખરે ભાવનગરથી પોલીસવડાનો જયદેવ ઉપર ટેલીફોન આવ્યો કે આ બબાલ શું છે? જયદેવે વિગતવાર હકીકત જણાવી દીધી. આથી તેમણે કહ્યુ ઠીક છે કાયદેસરની કાર્યવાહી તમામ કરવાની. આથી જયદેવે તેનું અર્થઘટન એ કયુ કે આ મહેફીલનો ઈંગ્લીશ દારૂ કયાંથી આવ્યો તેની તપાસ માટે  આરોપીઓના રીમાન્ડ પણ લેવાના ! રીમાન્ડની તજવીજ થતા જ તાલુકા પ્રમુખના સાતેય વહાણ ડુબતા હોય તેમ સીપીઆઈ તળાજાને અડધી રાત્રે જગાડયા અને કહ્યુ હવે લાજ તમારા હાથમાં છે સીપીઆઈ તાત્કાલીક જયદેવ પાસે દોડી આવ્યા અને કહ્યુ કે હું હવે નેતાઓ, સંબંધીઓ મિત્રોને જવાબો દઈ દઈ ને થાકયો છુ પતાવો ને આ બાબત ? જયદેવે ઈંગ્લીશ દારૂ કયાંથી લાવ્યા તેની તપાસ માટે રીમાન્ડની વાત કરી આથી સીપીઆઈ એ કહ્યુ હવે તાલુકા પ્રમુખને તો કયાય જવા જેવુ રહ્યુ નથી તે મુરખ છે તેણે બેસવાની ડાળ જ ભાંગી નાખી છે હવે મારે ખાતર બાકીની વિધિ પુરી કરો તો સારૂ કેમ કે મારૂ વતન પણ તળાજા તાલુકો જ છે.

જયદેવે કાર્યવાહી પુરી કરી તમામને અદાલતમાં રજુ કર્યા અને આરોપીઓ જામીન ઉપર છુટયા પરંતુ ભાવનગરના એક લોકપ્રિય દૈનીકમાં હેડલાઈનમાં આકર્ષક રીતે આ સમાચારો પ્રસિધ્ધ થયા “વી.આઈ.પી. રેઈડ માં વિ.આઈ.પી. આરોપીઓની મહેફીલમાં ભંગાણ !

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.