બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક સરખી થઈ જશે: નીતિન ગડકરી

સરકાર 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 જેટલા ઇવી ચાર્જીંગ પોઈન્ટ સ્થાપશે

250 સ્ટાર્ટઅપ વ્યવસાયો તેમજ મુખ્ય ઓટોમેકર્સ ઈવી ઉત્પાદનના ખર્ચમાં ઘટાડા અને અસરકારકતામાં વધારા માટે સતત પ્રયત્નશીલ, ઈવીની કિંમત વધારે છે કારણકે તેની સંખ્યા ઓછી છે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે. સરકાર  2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 ઇવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી દેશે. તેવું મહત્વનું નિવેદન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું છે. વધુમાં ગડકરીએ કહ્યું કે ઇવીની સંખ્યા ઓછી છે એટલે તેની કિંમત વધારે છે. પણ ટૂંક સમયમાં તે ઓછી થઈ જશે. છેલ્લાં કેટલાંક સમયથી ઈલેક્ટ્રિક વાહનો દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે. નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર સતત લોન્ચ થઈ રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. પરંતુ હાલ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે. કારણ કે તેની કિંમત વધારે છે. પરંતુ હવે આવા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે. ગડકરીનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ આવવાની છે.

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને એફવાય21 એજીએમના વાર્ષિક સત્રને સંબોધતા કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં, ઇલેક્ટ્રિક વાહનોની કિંમત એવા સ્તરે આવી જશે જે તેમના પેટ્રોલ વેરિઅન્ટની સમકક્ષ હશે. સુવિધાઓને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છીએ. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 ઇવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી દઇશું. સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જિંગ સ્ટેશનો સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા સંચાલિત હોય.ભાવ નીચા આવશેગડકરીએ કહ્યું કે ઈવીની કિંમત વધારે છે કારણ કે તેની સંખ્યા ઓછી છે.

તેમણે કહ્યું કે ભારત ઇવી ક્રાંતિની રાહ જોઈ રહ્યું છે, જેમાં 250 સ્ટાર્ટઅપ વ્યવસાયો ખર્ચ-અસરકારક ઇવી ટેકનોલોજી ના ઉત્પાદનમાં રોકાયેલા છે. વધુમાં મુખ્ય ઓટોમેકર્સ ઇવી ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસમાં સામેલ થઇ ગયા છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી માત્ર 5% છે અને લિથિયમ-આયન બેટરીની કિંમત પણ ઘટી રહી છે.

સૌથી સસ્તું ટ્રાન્સપોર્ટ ગડકરી એવું પણ માને છે કે પ્રતિ કિલોમીટર સસ્તા હોવાને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઘણું વેચાણ થશે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલથી ચાલતી કારની કિંમત પ્રતિ કિલોમીટર રૂ.10, ડીઝલની કિંમત રૂ.7 પ્રતિ કિલોમીટર અને વીજળીનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર રૂ.1 છે. ઇથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો.